ક્રાંતિકારી ફેરફારો સાથે નવો ડોમેસ્ટિક એબ્યુઝ કાયદો અમલી

Wednesday 05th May 2021 08:25 EDT
 
 

લંડનઃ યુકેમાં કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં ઘરેલું હિંસાના પ્રમાણમાં ગંભીર ઉછાળો આવ્યા પછી નવો ક્રાંતિકારી ડોમેસ્ટિક એબ્યુઝ કાયદો મે મહિનાથી અમલી બન્યો છે. શોષણખોરો સામે કડક હાથે કામ લેવાની પોલીસને સત્તા આપતા કાયદાને પાર્લામેન્ટે પસાર કર્યો હતો. નવા ડોમેસ્ટિક એબ્યુઝ કાયદામાં ગુનાની વ્યાખ્યાને વ્યાપક બનાવવા સાથે શારીરિક હિંસા ઉપરાંત, ભાવનાત્મક, ધાકધમકીપૂર્ણ અથવા અંકુશાત્મક વર્તણૂક અને આર્થિક શોષણ સહિત હિંસા કે શોષણના અન્ય પ્રકારોને કાયદામાં સમાવી લેવાયા છે. આ કાયદાના અમલપાલન પર દેખરેખ માટે નવા ડોમેસ્ટિક એબ્યુઝ કમિશનર નિકોલ જેકોબ્સની નિયુક્તિ કરાઈ છે.

નવા ડોમેસ્ટિક એબ્યુઝ કાયદામાં બદલાની ભાવનાથી અશ્લીલતા (porn)ના ઉપયોગની ધમકી આપવાનું પણ ગેરકાયદે ગણાવાયું છે. મોત અથવા ગંભીર ઈજા પહોંચાડનારા કેસીસમાં કહેવાતા ‘રફ સેક્સ ડિફેન્સ’નો ઉપયોગ બંધ કરાવવા પણ મિનિસ્ટર્સ સજજ છે. નવા કાયદામાં ‘જીવલેણ ન હોય તે રીતે ગળું દબાવવા’ના ઉપયોગને પણ અટકાવાયો છે. હવે સૌપ્રથમ વખત શોષણ કે દુરુપયોગના આરોપીઓ ફેમિલી અને સિવિલ કોર્ટ્સમાં તેમના વિક્ટિમ્સની ઉલટતપાસ કરી નહિ શકે.

પોલીસને નવી ડોમેસ્ટિક એબ્યુઝ પ્રોટેક્શન નોટિસીસ જારી કરવાની સત્તા અપાઈ છે જેનાથી વિક્ટિમ્સને તત્કાળ મદદ આપી શકાશે. જજીસ પણ શોષણખોરોને માનસિક આરોગ્ય સપોર્ટ અથવા ડ્રગ્સ અને આલ્કોહોલ પુનર્વસન મેળવવા સહિત વર્તન સુધારવાના પગલાં લેવાના આદેશ આપી શકશે. આ ઉપરાંત, અસરગ્રસ્તોને તેમના ખરાબ અનુભવોમાંથી બહાર આવવા સલામત રહેઠાણ પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક કાઉન્સિલ્સ પર રખાઈ છે. સૌપ્રથમ વખત બાળકો ઘરેલુ શોષણને જોઈ, સાંભળી અથવા તેની અસર અનુભવી શકતા હોય, તેમને પણ અસરગ્રસ્ત-વિક્ટિમ ગણાવી શકાશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘શોષણખોરો પર તૂટી પડવું લાંબા સમયથી જરુરી હતું. મહિલાઓ અને છોકરીઓ સામે ડોમેસ્ટિક એબ્યુઝ અને હિંસા શરમજનક છે. હું અશક્ત-નિર્બળ લોકોને સલામત રાખવા અને ગુનાકોરીને નીચે લાવવા અથાક કાર્ય કરવા મક્કમ છું. આ સીમાચિહ્નરુપ કાયદો સમગ્ર સમાજને અમારા સપોર્ટને બદલી નાખશે.’

હોમ ઓફિસ મિનિસ્ટર વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે આ બિલ ૨૩ લાખ વયસ્ક પીડિતો અને ઘરેલું શોષણની સાથે જીવતાં તેમના બાળકોને મદદરુપ બનશે. હોમ ઓફિસના નિવેદનમાં જણાવાયું હતું કે આ ક્રાંતિકારી કાયદાથી ડોમેસ્ટિક એબ્યુઝ સહન કરનારા લાખો લોકોને મદદ કરશે અને અપરાધીઓને કાયદાની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડે તેની ચોકસાઈ કરશે.

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter