લંડનઃ બ્રિટનના ઈતિહાસમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરુદ્ધ બે મહિનાથી ચાલતા અલગ ૩૪ ઓપરેશન્સ સાથેના મહાઅભિયાનમાં ગુરુવાર, બીજી જુલાઈની સવાર સુધી શ્રેણીબદ્ધ દરોડાઓની સૌથી વ્યાપક કાર્યવાહી હાથ ધરાઈ હતી. નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ની દોરવણી હેઠળ હત્યા, શસ્ત્રો ધરાવવા, મની લોન્ડરિંગ તેમજ માદક પદાર્થોની હેરફેર વિરુદ્ધની કાર્યવાહીમાં યુકેમાં જ અત્યાર સુધી ૭૪૬ શકમંદ અપરાધીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ૫૪ મિલિયન પાઉન્ડની રોકડ, બે ટન ડ્રગ્સનો જથ્થો, મશીનગન્સ સહિત ૭૭ શસ્ત્રો અને સરંજામ, ૫૫ હાઈ વેલ્યુ કાર અને ૭૩ કિંમતી ઘડિયાળની જપ્તીનો સમાવેશ થાય છે. NCA દ્વારા જણાવાયા અનુસાર યુકે અને યુરોપમાં પથરાયેલા અપરાધીઓની મોટી ગેંગ્સ તેમના અપરાધોના પ્લાનિંગ અને કામ પાર પાડવા ‘EncroChat’ નામની ગુપ્ત કોમ્યુનિકેશન્સ નેટવર્કનો ઉપયોગ કરતી હતી. દાયકાઓ સુધી વૈભવી જીવન ઉપરાંત, ગુપ્ત ક્રિમિનલ સામ્રાજ્ય ચલાવતા અપરાધીઓ સામે કામ ચલાવી શકાતું ન હતું પરંતુ, NCA અને યુરોપીય એજન્સીઓએ ગુપ્ત સાંકેતિક નેટવર્કને તોડી પાડ્યા પછી તેમની તમામ માહિતી એકત્ર કરી હતી. યુરોપમાં આ ગુપ્ત નેટવર્ક વિરુદ્ધ છેક એપ્રિલ મહિનાથી કામગીરી શરુ કરાઈ હતી.
આ તો હજુ શરુઆત છેઃ હોલાન્ડ
NCAના ડાયરેક્ટર ઓફ ઈન્વેસ્ટિગેશન્સ નિક્કી હોલાન્ડે કહ્યું હતું કે,‘ આ તો હજુ ઓપરેશનની શરુઆત જ છે અને તે હજુ લાંબા સમય સુધી ચાલશે. હું તો કહીશ કે જે ક્રિમિનલ સાંકેતિક કોડ સાથેના ફોનનો ઉપયોગ કરે છે તેણે તો વધુ ચિંતિત રહેવું પડશે.’ તેમણે સાંકેતિક ફોન સિસ્ટમમાં એજન્સી દ્વારા ઘૂસણખોરીને દેશમાં દરેક મોટા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જૂથમાં અંદર રખાયેલા જાસૂસ તરીકે ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે,‘ આ ઓપરેશન યુકેમાં ગંભીર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સૌથી વ્યાપક અને સૌથી ઊંડે પહોંચેલું છે.’ યુરોપમાં આ નેટવર્કના વપરાશકારો વિરુદ્ધ છેક એપ્રિલ મહિનાથી કામગીરી શરુ થઈ હતી પરંતુ, મિસ હોલાન્ડે જણાવ્યું હતું કે ‘કોરોના વાઈરસ મહામારી દરમિયાન આ કામગીરી માત્ર યોગાનુયોગ જ છે. જોકે, આ સંજોગો અમારી તરફેણમાં રહ્યા હતા. જ્યારે ધરપકડોનો દોર શરુ કરાયો ત્યારે અપરાધીઓ ઘરમાં જ હતા અને ગુનાખોરીમાં ઘટાડો થવા સાથે પોલીસની કાર્યક્ષમતા પણ વધુ હતી.’
મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે આ ઓપરેશનના કારણે જૂન મહિનામાં થનારી હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવી દેવાયું હતું અને શકમંદ હત્યારાની ધરપકડ કરી લેવાઈ હતી. જે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ તેના પરિણામે પોલીસ હરીફ ગેંગ્સ દ્વારા કરાનારા અપહરણો અને હત્યાને અટકાવી શકી છે. ગંભીર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરુદ્ધ ધ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના અગ્રણી ચીફ કોન્સ્ટેબલ સ્ટીવ જુપે આ ઓપરેશનને કિંગપિન ક્રિમિનલ્સ વિરુદ્ધ અભૂતપૂર્વ વિજય સમાન ગણાવી કહ્યું હતું કે,‘ આ અપરાધી જૂથોને વેરવિખેર કરવા સાથે અમે યુકેમાં અસંખ્ય જિંદગી બચાવી છે અને કોમ્યુનિટીઓનું રક્ષણ કરી શક્યા છીએ.’
દરોડાઓમાં શું મળી આવ્યું?
• યુકેના આ સૌથી મોટાં ઓપરેશનમાં ગુનાખોરીની ૫૪ મિલિયન પાઉન્ડથી વધુ રોકડ રકમ
• એક કાર્યવાહીમાં એક સાથે ૫ મિલિયન પાઉન્ડ કેશ મળી જે ફોર્સ માટે અત્યાર સુધી સૌથી મોટી રકમ છે.
રાજધાની લંડનમાં જ ૧૩.૩ મિલિયન પાઉન્ડથી વધુ રોકડ રકમ સાથે નાર્કોટિક્સ અને મશીનગન્સ ઝડપાઈ હતી.
• એકે-૪૭ એસોલ્ટ રાઈફલ, સબ મશીનગન્સ, હેન્ડગન્સ, ચાર ગ્રેનેડ સહિત ૭૭ શસ્ત્ર તેમજ ૧૮,૦૦થી વધુ એમ્યુનિશન રાઉન્ડ્સ
• મોટા ડ્રગ ડિલર્સ પાસેથી બે ટનથી વધુ ક્લાસ એ અને ક્લાસ બી ડ્રગ્સ, જેમાં ગેરકાયદે લેબોરેટરીમાંથી ૨૮ મિલિયન એટિઝોલામ (Etizolam) (સ્ટ્રીટ વેલિયમ) પિલ્સના જંગી જથ્થાનો સમાવેશ થાય છે
• આ ઉપરાંત, ૫૫ વૈભવી કાર, ૭૩ લક્ઝરી વોચીસ
• રાજધાની લંડનમાં સૌથી ગંભીર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક સાથે સંકળાયેલી ૧૩૨ વ્યક્તિની ધરપકડ
• મોટા ભાગના લોકોની વૈભવશાળી અને સન્માનીય જીવનશૈલી હતી પરંતુ, ગુપ્ત ક્રિમિનલ સામ્રાજ્ય ધરાવતા હતા.
ડેટા એનાલિસીસમાં સેંકડો કર્મચારી લાગ્યા
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુપ્ત કોમ્યુનિકેશન સિસ્ટમના વપરાશકારોને ખબર ના પડે તે રીતે ફ્રાન્સ અને નેધરલેન્ડ્સની એજન્સીઓએ નેટવર્કમાં સફળ રીતે ઘૂસણખોરી કરી હતી અને યુરોપોલ મારફત યુકે સહિતના સાથીઓને માહિતી અપાઈ હતી. બે મહિનાથી ચાલતાં ઓપરેશનમાં આ પછી, NCA અને પોલીસે અપરાધીઓના દરેક પગલાં પર નજર રાખી હતી. મિલિયન્સ મેસેજીસ અને હજારો ઈમેજીસ પર સતત કામ કરતા રહીને સેંકડો કર્મચારીઓ એન્ક્રોચેટના વપરાશકારોની ઓળખ અને ડેટા એનાલિસીસના કામે લાગ્યા હતા. આના પરિણામે, અત્યાર સુધી પકડમાં નહિ આવેલા ૭૪૬ શકમંદોની ધરપકડ શક્ય બની હતી. આ ઓપરેશનમાં સંખ્યાબંધ ભ્રષ્ટ પોલીસ ઓફિસર્સ તેમજ વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના કર્મચારીઓની ઓળખ પણ જાહેર થઈ છે. અત્યાર સુધી પોલીસ કાર્યવાહીમાં નીચલા સ્તરના અપરાધીઓની જ ધરપકડ થતી હતી અને મોટાં માથાં છટકી જતા હતા. એમ પણ બહાર આવ્યું છે કે એન્ક્રોફોન્સનો ઉપયોગ વચેટિયાઓ અને મોટા અપરાધીઓ વચ્ચે જ થતો હતો.
એન્ક્રોચેટના સર્વર હવે બંધ કરી દેવાયા છે પરંતુ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના સાધનો વિરુદ્ધ કામગીરી ચાલતી રહેશે. આ ઓપરેશન દર્શાવે છે કે અપરાધોના પ્લોટ્સ ઘડવા ગુપ્ત સંકેતો સાથેના સાધનોના ઉપયોગ છતાં ક્રિમિનલ્સ છટકી શકશે નહિ.
મેટ્રોપોલીટન કમિશનર ક્રેસિડા ડિકે કહ્યું હતું કે,‘પોતાને કાયદાથી પર સમજતા આ લોકોને ઝડપી લેવા તપાસકારો, ઈન્ટેલિજન્સ વિશ્લેષકો, ફાયરઆર્મ્સ ઓફિસર્સ, ટેરિટોરિયલ સપોર્ટ ગ્રૂપ અને સ્થાનિક ઓફિસરોએ બે મહિનાથી દિવસરાત એક કર્યા હતા. આ તો શરુઆત છે. અમે ઘણા લોકોની તપાસ કરી રહ્યા છીએ. તેઓ કોણ છે, શું કરી રહ્યા છે અને કોની સાથે કરી રહ્યા છે તે અમે જાણી ગયા છીએ.’
પોલીસે ૧૦૦ ફ્લેશ બોમ્બ ગોઠવ્યા
બે સપ્તાહ અગાઉ હોમ કાઉન્ટીસની એક પ્રોપર્ટીમાં દરોડાના અકલ્પનીય ફૂટેજમાં દર્શાવ્યા અનુસાર સશસ્ત્ર પોલીસે મોડી રાત્રે ૧.૪૫ કલાકના મિશનમાં આશરે ૧૦૦ ફ્લેશ બોમ્બ ગોઠવ્યા હતા. પોલીસને શકમંદ વ્યક્તિઓ પાસે શસ્ત્રો હોવાની આશંકા હોય ત્યારે તેમને ચોંકાવવા ફ્લેશ બોમ્બનો ઉપયોગ કરાય છે. આ દિલધડક કામગીરીમાં તેઓ આર્મ્ડ પોલીસની બૂમો મારતા પ્રોપર્ટીની અંદર પહોંચ્યા હતા અને બોક્સર શોર્ટ્સ પહેરેલો એક પુરુષ તેના હાથ ઊંચા કરીને ઊભો રહી ગયો હતો. મોટા પાયે ડ્રગ્સની ઘૂસણખોરીની શંકાએ તેની ધરપકડ થઈ હતી અને તપાસ પૂર્ણ થવા સુધી તેને મુક્ત કર્યો હતો.