લંડનઃ બ્રિટનનાં હોમ સેક્રેટરી સાજિદ જાવિદે કહેવાતા બુકી સંજીવ ચાવલાના ભારત પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલા હેન્સી ક્રોન્યે ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવલાની સીધી સંડોવણીના આક્ષેપ છે અને ભારતમાં ચાવલા સામે કેસ ચાલે છે. ૧૯૯૬ સુધી ભારતમાં રહેલા બાવન વર્ષીય ચાવલાએ બિઝનેસ વિઝા પર બ્રિટન પહોંચીને બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યું છે.
બ્રિટિશ હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ‘૨૦૧૯ની ૨૭ ફેબ્રુઆરીએ હોમ સેક્રેટરીએ આ કેસના તમામ પાસાની પૂરી વિચારણાને અંતે સંજીવ ચાવલાના ભારતમાં પ્રત્યાર્પણ માટેના આદેશ પર હસ્તાક્ષર કરી લીધા હતા. ચાવલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ ફિક્સિંગ થયાના એક કેસમાં આરોપી છે.’ ચાવલા પાસે હવે હાઇકોર્ટની વહીવટી કોર્ટમાં હોમ સેક્રેટરીના આ આદેશ સામે ૧૪ દિવસમાં અપીલ કરી શકશે. અગાઉ હાઇકોર્ટે નવેમ્બર ૨૦૧૮માં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે તિહાર જેલમાં ચાવલા સાથે ખરાબ વ્યવહાર થશે તેવું જોખમ જોવા નથી મળતું અને કોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવી દઈને ચાવલાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી હતી. તે અગાઉ નીચલી અદાલતે તિહાર જેલમાં ચાવલાના માનવ અધિકારોનો ભંગ થશે તેવી આશંકા વ્યક્ત કરીને સંજીવ ચાવલાને નિર્દોષ છોડી દેવા આદેશ કર્યા હતા.
વિજય માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કર્યાના ચાર સપ્તાહમાં જ જાવિદે હવે સંજીવ ચાવલાના કેસમાં પણ પ્રત્યાર્પણના આદેશ કર્યા છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે જાવિદે લીલી ઝંડી આપ્યા પછી ૧૪ ફેબ્રુઆરીના રોજ માલ્યાએ જાવિદના આદેશ સામે અપીલ દાખલ કરી હતી. હજી સુધી તેમની અપીલ અરજીને સુનાવણી માટે જજને ફાળવાઈ નથી. આ સંબંધે નિર્ણય લેવામાં છ મહિના વીતી શકે છે.


