લંડનઃ લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા મૂકાયેલા ક્રિમિનલ જવાબદારીની વય વધારતું બિલ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પસાર કરી દેવાયું છે. આ બિલ હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયા દ્વારા રજૂ કરાયું હતું, જેમાં ચિલ્ડ્રન એન્ડ યંગ પરસન્સ એક્ટ ૧૯૩૩માં ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની વય ૧૦થી વધારી ૧૨ વર્ષ કરવાનો સુધારો હતો.
ક્રિમિનલ જવાબદારીની વય વધારવા યુએન કમિટી ઓન ધ રાઈટ્સ ઓફ ધ ચાઈલ્ડ, ધ ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન, ધ લો સોસાયટી, ધ ચિલ્ડ્રન્સ કમિશનર્સ, ધ રોયલ સોસાયટી, ધ રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ તેમજ ધ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર ચિલ્ડ્રન દ્વારા વારંવાર હિમાયત કરવામાં આવી છે. પોતાનું બિલ પસાર થવા અંગે ટિપ્પણી કરતા લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘ ક્રિમિનલ જવાબદારીની વય ૧૦થી વધારી ૧૨ વર્ષ કરવા વિશેનું મારું બિલ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પસાર કરાયાથી મને ઘણો આનંદ થયો છે. આ કઠોર જોગવાઈ છેલ્લે ૫૦ વર્ષ અગાઉ સુધારવામાં આવી હતી અને વર્તમાન આધુનિક સમાજને જરા પણ સુસંગત નથી. યુકેની ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની વય યુરોપમાં સૌથી નીચી છે અને યુનાઈટેડ નેશન્સે વારંવાર જણાવ્યું છે કે ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટી માટેની આપણી વર્તમાન વય યુએન કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ફ ધ ચાઈલ્ડ સાથે સુસંગત નથી.’
તેમણે કહ્યું હતું કે,‘ ૧૦ અથવા ૧૧ વર્ષની વયનાને પુખ્ત જસ્ટિસ સિસ્ટમમાંથી બહાર લઈ જવાનો અર્થ તેઓ અપરાધ કરે ત્યારે તેમના વિરુધ્ધ કાર્યવાહી નહિ કરવાનો નથી પરંતુ, સીધોસાદો અર્થ તેઓ ગુનો કરે ત્યારે તેમને બાળક ગણવાનો જ છે. આ કદાચ સરળ સુધારો હશે પરંતુ, તે આગળ જતાં આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો આકાર બદલી નાખશે.’
લિબરલ ડેમોક્રેટ જસ્ટિસ પ્રવક્તા અને સાંસદ વેરા હોબહાઉસે જણાવ્યું હતું કે,‘આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો અભિગમ બાળ અપરાધીઓ સાથે કામ પાર પાડતી વેળાએ બાળકકેન્દ્રી જ હોવો જોઈએ. આપણે સુધારાઓની તાતી જરૂર છે. નાની વયે બાળકોનું જીવન બદલી નાખે તેમજ કારાવાસની ખરાબ અસરોનો સામનો કરવો પડે તેવી સજા ન અપાય વિશેષ મહત્ત્વનું છે. લિબરલ ડેમોક્રેટ્સ યુકેની ન્યાયપદ્ધતિ આધુનિક સમાજને સુસંગત બની રહે તે માટે ક્રિમિનલ રિસ્પોન્સિબિલિટીની વય વધારવામાં માને છે. હાઉસ ઓપ કોમન્સમાં આ બિલને ટેકો આપવા હું આતુર છું.’


