ક્રિસમસ નિમિત્તે પોસ્ટબોક્સની છ નવી સ્ટેમ્પ્સ પ્રસિદ્ધ કરાશે

Wednesday 14th November 2018 01:30 EST
 
 

લંડનઃ રોયલ મેઈલ દ્વારા ક્રિસમસના ઉત્સવ નિમિત્તે છ નવી સ્ટેમ્પ્સ જારી કરવામાં આવનાર છે. ૨૦૧૮ ક્રિસમસ સ્પેશિયલ સ્ટેમ્પ્સના કેન્દ્રમાં પ્રતિષ્ઠિત લાલ ટપાલપેટી રહેશે. ટપાલસેવા માટે નવા વર્ષનું આગમન સૌથી વ્યસ્ત સમય હોય છે તેના પહેલા જ આ ટપાલટિકિટો પ્રસિદ્ધ કરાશે. દીવાલ પર લટાકાવાયેલી નાની પોસ્ટબોક્સથી માંડી મોટી લાલ રંગની પરંપરાગત ટપાલપેટી પણ આ ટિકિટો પર જોવાં મળશે. આ ઉપરાંત ગત ૧૦૦ વર્ષનાં છ રાજવીઓનાં સંકેતાક્ષર પણ દરેક ટિકિટમાં જોવાં મળશે. ક્રિસમસ સ્પેશિયલ સ્ટેમ્પનું વેચાણ શરુ કરી દેવાયું છે અને ક્રિસમસની ટપાલો તેમજ ગિફ્ટ્સ પોસ્ટ કરવા માટેની તારીખો ૧૮ ડિસેમ્બરથી રખાઈ છે.

પોસ્ટબોક્સીસ અલગ અલગ ડિઝાઈનમાં હશે, ૧૯મી સદીની પ્રારંભિક ષટકોણીય ‘પેનફોલ્ડ’ ડિઝાઈનથી માંડી વર્તમાન પોસ્ટબોક્સીસ અને ‘લેમ્પ’ પોસ્ટબોક્સ આજે પણ ઉપયોગમાં છે. આ ક્રિસમસ સ્પેશિયલ સ્ટેમ્પની ડિઝાઈન આર્ટિસ્ટ એન્ડ્રયુ ડેવિડસને કરી છે. તેમણે છેક ૧૯૮૨થી રોયલ મેઈલ માટે ૧૨થી વધુ સ્ટેમ્પ ઈસ્યુમાં કામ કર્યું છે. કાર્ડની ઉપર લાલ છાતી સાથેનાં લોકપ્રિય રોબિન પક્ષીને સ્થાન અપાયું હતું. ૧૮૦૦ની મધ્યમાં પોસ્ટમેનનો યુનિફોર્મ સત્તાવાર લાલ રંગના પિલરબોક્ષને સુસંગત લાલચટક વેઈસ્ટકોટ સાથે બદલાયો હતો. આના પરિણામે, લોકો પોસ્ટમેનને ‘રોબિન રેડબ્રેસ્ટ્સ’ના હુલામણા નામથી બોલાવતાં થયાં હતાં.

ક્રિસમસ કાર્ડ મોકલવાની પરંપરા ૧૮૪૩થી શરુ કરાઈ હતી, જ્યારે વિશ્વના સૌપ્રથમ વેપારી હેતુ સાથેના ક્રિસમસ કાર્ડનું ઉત્પાદન કરાયું હતું. તે સમયે લક્ઝરી આઈટમ ગણાતાં આ માત્ર ૧૦૦૦ કાર્ડ પ્રિન્ટ થયાં હતાં અને એક શિલિંગના દરે તેનું વેચાણ થયું હતું. સર હેન્રી કોલ દ્વારા ૧૮૪૩માં તેમની દાદીમાને મોકલાયેલા કાર્ડની ૨૪ નવેમ્બર ૨૦૦૧ના દિવસે વિલ્ટશાયરના ડેઝિવ્સમાં કરાયેલી હરાજીમાં ૨૦,૦૦૦ પાઉન્ડ ઉપજ્યાં હતાં. આજે તો ક્રિસમસ કાર્ડ ભારે લોકપ્રિય ગણાય છે. વર્ષ ૨૦૦૫માં રોયલ મેઈલ દ્વારા ૭૪૪ મિલિયન ક્રિસમસ કાર્ડ્સની ડિલિવરી કરવામાં આવી હતી. (૨૬૦)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter