લંડનના ક્રોયડનમાં વસતાં જાણીતા સામાજિક અગ્રણી અને સખાવતી જગદીશભાઇ દેવજીબાપા વિસરોલિયાનું 3 ઓક્ટોબરના રોજ નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. ટાન્ઝાનિયાના ઇરિંગામાં જન્મેલા જગદીશભાઇએ જાતમહેનતથી બિઝનેસ સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. 1975માં તેઓ પત્ની અને પરિવાર સાથે સ્થળાંતર કરીને બ્રિટનમાં સ્થાયી થયા હતા. પરિવારની સાથે સાથે સમાજ પ્રત્યે પણ સમર્પિત જગદીશભાઇએ બ્રિટનથી લઇને ગુજરાતના પાલનપુર સુધી અનેક સખાવતી કાર્યો હાથ ધરીને ગુજરાતી અને ભારતીય સમુદાયમાં આગવી નામના મેળવી હતી. વિશ્વ હિન્દુ પરિષદની ક્રોયડન બ્રાન્ચના સેક્રેટરી તરીકે લગભગ 20 વર્ષ સેવા આપનાર જગદીશભાઇએ હિન્દુ પરંપરા અને સંસ્કારવારસના જતન-સંવર્ધન માટે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રેમાળ પતિ અને સમર્પિત પિતા એવા જગદીશભાઇ તેમની પાછળ જીવનસાથી શાંતાબહેન અને સંતાનો ઘનશ્યામ, નીલા, ભારતી, હર્ષા, મીના, પરેશ અને શ્રિતી ઉપરાંત ભાઇઓ અને બહેનો રણછોડભાઇ, દિલીપભાઇ, હરીશભાઇ, બળવંતભાઇ, ઇશ્વરભાઇ, શાંતુબહેન અને ક્રિષ્નાબહેનને વિલાપ કરતાં છોડી ગયા છે.
સદગતના અંતિમ સંસ્કાર અને ક્રિમેશન વિધિ તા. 16 ઓક્ટોબરના રોજ સવારે 10.30થી 12.00 ક્રોયડન ક્રિમેટોરિયમ (ઇસ્ટ ચેપલ, મિચામ રોડ, ક્રોયડન - CR9 3AT) ખાતે યોજાશે. વધુ માહિતી માટે સંપર્કઃ પરેશભાઇ વિસરોલિયા - ફોનઃ (07761 085 790)


