લંડનઃ વર્તમાન સમયમાં લગ્ન કરવા અને સાત વર્ષ કરતા વધુ સમય ટકાવવા તે મોટી સિદ્ધિ હાંસલ કરવા સમાન છે. પરંતુ, આપણા રોયલ હાઈનેસ ક્વિન એલિઝાબેથ દ્વિતિય અને પ્રિન્સ ફિલિપે શાશ્વત પ્રેમ અને સુખી લગ્નજીવન હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે તે પૂરવાર કરી બતાવ્યું છે. શાહી દંપતીના લગ્નને ૭૦ વર્ષ થયા છે. તેમણે તેમનું જીવન એકબીજાની સાથે હળીમળીને પ્રેમ અને આનંદપૂર્વક વીતાવ્યું છે જે બ્રિટિશ શાહી પરિવારના ઈતિહાસનું સૌથી લાંબું લગ્નજીવન બન્યું છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપના લગ્નની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે રોયલ મેઈલ દ્વારા છ યાદગાર ટપાલટિકિટ જારી કરાઈ છે. આ ટિકિટ્સમાં જુલાઈ ૧૯૪૭માં બકિંગહામ પેલેસ ખાતે એંગેન્જમેન્ટ, ૨૦ નવેમ્બર ૧૯૪૭ના દિવસે વેસ્ટમિન્સ્ટર એબીમાં લગ્ન, હેમ્પશાયરમાં શાહી દંપતીના હનીમૂન સહિતનો સમાવેશ કરાયો છે.
ક્વિન અને ડ્યુક ઓફ એડિનબરાની પ્રેમ કથા જેવી અન્ય કોઈની હશે નહીં. ૨૦ નવેમ્બર,૧૯૪૭ના રોજ ૨૧ વર્ષીય પ્રિન્સેસ એલિઝાબેથ ૨૬ વર્ષીય નેવલ ઓફિસર તથા ગ્રીસ અને ડેન્માર્કના લેફ્ટનન્ટ ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાંબા લગ્નજીવનની તેમણે મેળવેલી સિદ્ધિની સાથે અહેવાલમાં જણાવાયું હતું કે બ્રિટિશ રાજતંત્રમાં ૬૦ બિલિયન પાઉન્ડથી વધુની સંપત્તિ છે. બ્રિટિશ રાજાશાહીએ ૨૦૧૬માં ટુરિઝમ, મીડિયા અને અન્ય ઉદ્યોગો દ્વારા યુકેના અર્થતંત્રને ૧.૭ બિલિયન પાઉન્ડની સહાય કરી હતી.
ટીન્ડર અને સંખ્યાબંધ ડેટિંગ સાઈટ્સના હાલના સમયમાં આ પેઢીમાં આધુનિક લગ્ન કેટલો સમય ટકી શકે ? કમનસીબે ઘણાં યુગલો તેમનો લગ્નસંબંધ તોડી નાખે છે, જેના કારણો તો તેઓ જ જાણતા હોય છે. લાંબા ગાળે આ નિર્ણય સારો પૂરવાર થઈ શકે. જોકે, તેને લીધે પારિવારિક જીવનનો ભોગ લેવાય છે એટલું જ નહીં પણ બાળકોની માનસિક સ્થિતિ પર પણ મોટું જોખમ ઉભું થાય છે. લગભગ ૧૧,૦૦૦ પરિવારનું વિશ્લેષણ કરાયું હતું અને પરિણામોમાં જણાયું હતું કે છોકરીઓની માનસિક હાલત અને લાગણીને લગતી સમસ્યાઓનું મુખ્ય કારણ પેરન્ટ્સના ડિવોર્સ હતા. જ્યારે છોકરાઓમાં વર્તનને લગતી સમસ્યાઓમાં તેને સીધો સંબંધ હતો.
પ્રિન્સ ચાર્લ્સ અને સ્વ. પ્રિન્સેસ ડાયનાનું અશાંત લગ્નજીવન ૧૫ વર્ષ ટક્યું હતું અને તેનું પરિણામ શું આવ્યું તે સૌ કોઈ જાણે છે. તેમના ડિવોર્સની પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના જીવન પર ખરાબ અસર પડી. પ્રિન્સ હેરી પુખ્ત થયા ત્યારે તેમના અનુભવ વિશે અને કેવી માનસિક અસર થઈ તેની વાત કરી હતી.
તમારા કામકાજની સાથે પ્રેમ અને પારિવારિક જીવન સંભાળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ? જીવનશૈલીમાં ફેરફાર અને આપણી હાલની પેઢીમાં ટેક્નોલોજીકલ પ્રગતિએ લાંબો સમય સુધી લગ્નજીવન ટકાવવા લોકોને ઝઝૂમવું પડે તેવું મુશ્કેલ બનાવ્યું છે ? શાહી દંપતીમાં મિત્રતા અને સમજણ છે તેનો કદાચ, હાલના લગ્નોમાં અભાવ હોય તેવું લાગે છે.
સાઉથ એશિયનો તેમના મજબૂત સંબંધો અને પારિવારિક જોડાણો માટે જાણીતા છે અને તેના માટે આપણે ગૌરવ લેવું જોઈએ.


