લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ફાર ઈસ્ટ-જાપાનમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત લાવવા બહાદૂરીપૂર્વક લડનારા નરબંકાઓને બિરદાવ્યાં હતાં. VJ (વિક્ટરી ઈન જાપાન) દિવસની ૭૫મી વર્ષગાંઠે તેમણે ખાસ સંદેશ પાઠવ્યો હતો. દરમિયાન, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ પાસિફિક યુદ્ધમાં શહીદ થનારા જવાનોને સ્મૃતિસભર અંજલિ આપવામાં આવી હતી. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ સહિત શાહી પરિવાર, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, વિશ્વનેતાઓ અને પીઢ સૈનિકોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મુદ્દે કરાયેલા પોલમાં એક મહત્ત્વની બાબત જાણવા મળી છે કે અડધોઅડધ બ્રિટિશરો જાપાનમાં વિજયદિન એટલે શું તેના વિશે જાણતા નથી.
દ્વિતીય વિશ્વયુદ્ધનાં અંતની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને ડ્યૂક ઓફ એડિનબરાએ વિશેષ સંદેશામાં વર્તમાન સ્વાતંત્ર્યો માટે હિંમતપૂર્વક લડનારા મિત્રરાષ્ટ્રોના શહીદો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે ‘તેમની હિંમત અને બલિદાનની સ્મૃત્તિ હરહંમેશ આપણી સાથે જળવાઈ રહેશે.’ જાપાને ૧૫ ઓગસ્ટ,૧૯૪૫ના દિવસે USS Missouri જહાજ ખાતે શરણાગતિ સ્વીકારતા હસ્તાક્ષર કર્યા ત્યારે હાલ ૯૯ વર્ષના પ્રિન્સ ફિલિપ ટોકિયો બેમાં નેવી ડિસ્ટ્રોયર HMS Whelp પર હાજર હતા.
ઓનલાઈન પ્રસિદ્ધ કરાયેલા વીડિયોમાં પ્રિન્સ ઓફ વેલ્સે તેમના દાદા કિંગ જ્યોર્જ છઠ્ઠાએ ઓગસ્ટ ૧૫ ૧૯૪૫ના દિવસે લખેલી ડાયરીમાંથી અંશોનું વાંચન કર્યું હતું. અન્ય વીડિયોમાં ડ્યૂક ઓફ ગ્લુસેસ્ટરે પણ લેસ્ટર કેથેડ્રલથી યાદગીરીની ઓનલાઈન સર્વિસના પ્રસારણમાં કિંગ જ્યોર્જ છઠ્ઠાના વિજયદિન સંબોધનના અંશોનું પઠન કર્યું હતું.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને Exhortationનું વાંચન કર્યું તે પછી શહીદોના માનમાં મૌન જાળવવામાં આવ્યું હતું. આ પછી આર્બરિટમ (બગીચા) ઉપર બેટલ ઓફ બ્રિટન મેમોરિયલ ફ્લાઈટ ફ્લાયપાસ્ટ યોજાઈ હતી. આ સ્મૃતિ સમારંભમાં આશરે ૪૦ વયોવૃદ્ધ પીઢ સૈનિકો પણ ઉપસ્થિત હતા. કોવિડ-૧૯ મહામારીના કારણે ઐતિહાસિક વિજયદિનની ઉજવણી ઓનલાઈન જ રહી હતી.
જાપાનના સમ્રાટ નારુહિટોએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમના દેશની કામગીરી બદલ શનિવારે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો. જોકે, વડા પ્રધાન શિન્ઝો આબેએ જાપાનીઝ યુદ્ધના શહીદોના બલિદાન માટે આભાર દર્શાવ્યો હતો અને કોઈ માફી માગી ન હતી.


