લંડનઃ બ્રિટનના મહારાણીએ પોતાના નવા અંગત સહાયક તરીકે ઘાનામાં જન્મેલા મેજર નાના કોફી ત્વુમાસી-આંક્રાહ પર પસંદગી ઉતારી છે. આ સાથે મેજર નાના બ્રિટિશ શાહી પરિવારોના ઈતિહાસમાં સર્વપ્રથમ અશ્વેત સહાયક બન્યા છે. તેઓ મહારાણીના સત્તાવાર કાર્યક્રમો તેમજ બકિંગહામ પેલેસમાં મદદરુપ ભૂમિકા ભજવશે.
મેજર ત્વુમાસી-આંક્રાહ તેમના પેરન્ટ્સ સાથે ૧૯૮૨માં યુકે આવ્યા હતા. તેમણે ક્વીનમેરી યુનિવર્સિટી ઓફ લંડન અને સેન્ડહર્સ્ટની રોયલ મિલિટરી એકેડેમીમાં અભ્યાસ કર્યો છે. તેઓ બ્રિટિશ શાહી પરિવાર અશ્વદળમાં કાર્ય કરનારા પ્રથમ અશ્વેત બ્રિટિશ આર્મી ઓફિસર બન્યા હતા. તેઓ ૨૦૧૧માં ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના લગ્નમાં એસ્કોર્ટ કમાન્ડરની કામગીરી પણ બજાવી ચુક્યા છે.


