ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટને મહત્ત્વઃ વિવાદિત મુદ્દા અભરાઈ પર મૂકાયા

બે વર્ષમાં બ્રેક્ઝિટ યોજના સફળ બનાવવા થેરેસા મે દ્વારા મહત્ત્વઃ ‘ડિમેન્શિયા ટેક્સ’ , ગ્રામર સ્કૂલ્સ, વૃદ્ધોના બેનિફિટ્સમાં કાપ, શાળામાં નિઃશુલ્ક ભોજનના અંત સહિતના પગલાંનો ઉલ્લેખ નહિ

Friday 23rd June 2017 07:49 EDT
 
 

લંડનઃ અપેક્ષિત ચૂંટણી પરિણામો ન મળતાં નબળાં પડેલાં વડા પ્રધાન થેરેસા મેએ ક્વીન્સ સ્પીચમાંથી ટોરી મેનિફેસ્ટોના વિવાદાસ્પદ મુદ્દાઓ અભરાઈ પર ચડાવી આગામી બે વર્ષના ગાળામાં બ્રેક્ઝિટ યોજનાને સફળ બનાવવા પર વધુ મહત્ત્વ આપ્યું હતું. ઈયુમાંથી અળગાં થવાં સાથે મુક્ત અવરજવરના નિયમોનો અંત લાવવા આઠ બિલની રજૂઆત ક્વીન્સ સ્પીચમાં કરવામાં આવી હતી. કહેવાતા ‘ડિમેન્શિયા ટેક્સ’ સામાજિક સંભાળના ચાર્જીસ, વૃદ્ધોના બેનિફિટ્સમાં કાપ, ફોક્સ હન્ટિંગ પ્રતિબંધ તેમજ શાળામાં નિઃશુલ્ક ભોજનના અંત સહિતના પગલાંનો કોઈ ઉલ્લેખ રાણીનાં પ્રવચનમાં કરાયો નથી.

બીજી તરફ, વડા પ્રધાનની બ્રેક્ઝિટ યોજનાની અસર હળવી બનાવવા રીમેઈનર કેમ્પ દ્વારા પાર્લામેન્ટમાં ગેરિલાયુદ્ધની ધમકી પણ અપાઈ છે. સરકારની યોજનાઓ સ્પષ્ટ કરાયાં છતાં સિંગલ માર્કેટની મેમ્બરશિપ ચાલુ રાખવા ક્વીન્સ સ્પીચમાં સુધારાની રજૂઆત કરાશે. જોકે, સિંગલ માર્કેટ સાથે મુક્ત અવરજવરના નિયમોનો સ્વીકાર પણ સંકળાયેલો છે.

ક્વીન્સ સ્પીચમાં વિવિધ બિલ્સની જાહેરાત

ક્વીન્સ સ્પીચમાં ઈયુ છોડવાના બ્રિટનના ઐતિહાસિક નિર્ણયને અંજામ આપવા આઠ અલગ બિલ્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રેટ રીપેલ બિલ, કસ્ટમ્સ બિલ મુખ્ય છે. આ ઉપરાંત, ઈમિગ્રેશન, સોશિયલ કેર/પેન્શનર્સ, એજ્યુકેશન, કાઉન્ટર ટેરરિઝમ, એગ્રીકલ્ચર, નેશનલ ઈન્સ્યુરન્સ કન્ટ્રિબ્યુશન્સ, કોર્ટ્સ, ડોમેસ્ટિક એબ્યુઝ, પેશન્ટ સેફ્ટી સહિતના બિલ્સનો સમાવેશ થાય છે. થેરેસા મેની યોજનામાં રીપેલ બિલ સંબંધિત ઈયુ કાયદાઓને યુકેના કાયદામાં સામેલ કરવાની બાબત છે, જેથી માર્ચ ૨૦૧૯માં ઈયુ છોડ્યા પછી પણ વેપાર અને વ્યક્તિગત કાયદાઓના અમલમાં વાંધો આવે નહિ. આ બિલ પાર્લામેન્ટને યુકે કાયદાઓને સુસંગત રહી સંબંધિત કાયદા ઘડવા તેમજ બ્રેક્ઝિટ પછી સ્થાપિત ઈયુ કાયદામાં સુધારાવધારા અથવા રદ કરવાની સત્તા આપશે.

વધુ સત્તા નહિ તો બ્રેક્ઝિટ નહિઃ નિકોલા સ્ટર્જન

વડા પ્રધાન થેરેસાએ પણ સ્વીકાર્યું છે કે ઈયુ સભ્યપદ માટે મહત્ત્વના કાયદા રદ કરવા તેમણે સ્કોટિશ પાર્લામેન્ટ પાસેથી સત્તાવાર કાનૂની સંમતિ મેળવવી પડશે. મિનિસ્ટર્સ માને છે કે આવી સંમતિ આવશ્યક નથી પરંતુ સ્કોટિશ નેશનલ પાર્ટીનો ખયાલ અલગ છે. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ધમકી આપી છે કે સ્કોટલેન્ડને ફાર્મિંગ અને ફિશિંગ સહિતના મુદ્દે વધુ સત્તા આપવાની માગણી નહિ સ્વીકારાય તો તેઓ બ્રેક્ઝિટ કાયદાને પસાર થવા દેશે નહિ. દરમિયાન, સરકારી યોજનાઓ નીચલા ગૃહમાં પસાર થાય તો પણ કોમન્સની સત્તાની અવગણના કરવા લેબર અને લિબરલ ડેમોક્રેટ્સ ઉમરાવોએ બાંયો ચડાવી છે. લોર્ડ્સની દલીલ એ છે કે ટોરી પાર્ટીએ બહુમતી મેળવી ન હોવાથી ચૂંટાયેલા ગૃહની સર્વોચ્ચતા સિદ્ધ કરતા ૭૨ વર્ષ જૂના સેલિસબરી કન્વેન્શન લાગુ પડશે નહિ.

થેરેસાને ટેકો નહિ આપવા DUPની ધમકી

ક્વીન્સ સ્પીચમાં વિલંબ કરાયો હોવાં છતાં થેરેસા મેને સત્તા પર જાળવી રાખવા ૧૦ સાંસદ ધરાવતી ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP) સાથે સોદાબાજી હજુ શક્ય બની નથી. બહુમતી વિના સરકારે લેજિસ્લેટિવ પેકેજ જાહેર કર્યું હોય તે ચાર દાયકામાં પ્રથમ વખત બન્યું છે. થેરેસા મેનાં ડેપ્યુટી ડેમિયન ગ્રીને કહ્યું છે ક્વીન્સ સ્પીચ પર મતદાન થાય તે પછી સોદાબાજી શક્ય બની શકે. સત્તા જાળવવા DUP સાથે વાતચીત ચાલી રહી છે તેમાંથી ખસી જવા DUPના નેતા આર્લેન ફોસ્ટરે ધમકી આપી છે. ફોસ્ટરે સમર્થનની મોટી કિંમત માગી હોવાનું પણ કહેવાય છે. ટોરી પાર્ટી દ્વારા મહત્ત્વ ન અપાવાથી પણ DUP નાખુશ છે. નોર્ધર્ન આયર્લેન્ડ માટે ભંડોળમાં કુલ બે બિલિયન પાઉન્ડના વધારાની માગણી પણ મુખ્ય છે. સરકારને મુદ્દા આધારિત ટેકો આપવા તેઓ વિચારી શકે છે. તેઓ કરકસર અને વેલ્ફેર વિશે સરકારની નીતિનો વિરોધ કરે છે. ટોરી પાર્ટી આ પરિસ્થિતિમાં લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના ૧૨ સભ્યો સાથે પણ વાટાઘાટ આદરી શકે છે.

ક્વીન્સ સ્પીચ સમારંભમાં ઉત્સાહનો અભાવ

ટોરી પાર્ટીને ચૂંટણીમાં બહુમતી નહિ મળવાની અસર ક્વીન્સ સ્પીચ સમારંભમાં પણ જોવા મળી હતી, જ્યાં ધામધૂમ કે ઉત્સાહનો અભાવ સ્પષ્ટ નજરે પડતો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતીય તેમના સંપૂર્ણ રાજવી પોશાકમાં ન હતાં અને પરંપરાગત રોયલ કોચમાં આવવાના બદલે કારમાં પાર્લામેન્ટ આવ્યાં હતાં. તેમણે ક્રાઉન ધારણ કરવાનું પણ ટાળ્યું હતું. તાજ પહેરવાના સ્થાને તેમણે હેટ પહેરી હતી, જે દેખાવમાં ઈયુ ફ્લેગ સાથે સામ્ય ધરાવતી હતી. આ મુદ્દો પણ ચર્ચાનું કારણ બન્યો કે ક્વીન યુરોપની તરફેણ કરે છે. ડ્યૂક ઓફ એડિનબરા અચાનક બીમાર પડવાથી રાણી સાથે પ્રિન્સ ચાર્લ્સ આવ્યા હતા. ક્વીન ઝડપથી સ્પીચ વાંચી ગયાં હતાં અને માત્ર નવ મિનિટમાં વાંચન પૂર્ણ કર્યું હતું. આ સમારંભ સોમવારે યોજાવાનો હતો પરંતુ અનિર્ણાયક ચૂંટણી પરિણામો અને ડીયુપી સાથે મંત્રણા વધુ લંબાતા વિલંબ થયો હતો.

ભાવશૂન્ય અને નિસ્તેજ ચાન્સેલર હેમન્ડ

થેરેસા સરકારમાં ચાન્સેલર ફિલિપ હેમન્ડ મહત્ત્વનું સ્થાન ધરાવે છે પરંતુ, જ્યારે પણ તેઓ મોં ખોલે છે ત્યારે એવું બોલે છે જે વડા પ્રધાનના વિચાર કરતા અલગ જ હોય છે. બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે બ્રસેલ્સમાં બ્રેક્ઝિટ વાટાઘાટોનો ‘શુભારંભ’ કર્યો છે. આ મુદે ડેવિસનો ઉત્સાહ વધારવાના બદલે ભાવશૂન્ય અને નિસ્તેજ ચહેરા સાથે પોતાના વિચારો વ્યક્ત કરતા ચાન્સેલર હેમન્ડે કહ્યું હતું કે, ‘ આ વાટાઘાટો હજુ વધુ મુશ્કેલ બનશે. શ્રેષ્ઠ બ્રેક્ઝિટ સમજૂતી હાંસલ કરવા કુશળતા અને મુત્સદીપણાની જરૂર પડશે.’ તેમણે જાણે સરકારની ટીકા કરતા હોય તેમ કહ્યું હતું કે ‘સરકારનું કામકાજ તો ચાલતું જ રહેવું જોઈએ.’ તેમના પ્રવચનોમાં અંગ્રેજી ભાષામાંથી જાપાનીઝમાં અને ફરીથી તેને અંગ્રેજીમાં ભાષાંતર કરાયું હોય તેવી છાંટ જોવા મળતી હતી. વચ્ચે વચ્ચે થોડા રમૂજી ચબરાકિયા અવશ્ય હતા. તેમણે લોકોની નોકરીની સલામતી, વેતનો, શાળાઓ, NHS અને હાઉસિંગની ચિંતા પણ વ્યક્ત કરી જાણે તે ભૂલી જ ગયા હતા કે અત્યાર સુધી સત્તામાં કોણ હતું. ચૂંટણીપ્રચારમાં તો ટોરી પાર્ટીએ હેમન્ડને તાળાકૂંચીમાં બંધ જ રાખ્યા હતા છતા તેમણે મહત્તા દર્શાવતા કહ્યું હતું કે તેમણે સેંકડો સામાન્ય માણસો સાથે મુલાકાતો કરી હતી અને લાંબા પ્રચારમાં છવાયેલા રહ્યા હતા.

ક્વીન્સ સ્પીચમાં ચાવીરુપ મુદ્દા 

• ત્રાસવાદી હુમલાની હારમાળા અને ગ્રેનફેલ ટાવરની ભીષણ આગની ઘટનાના પગલે નવા ‘કમિશન ફોર કાઉન્ટરિંગ એક્ટ્રિમિઝમ’ની સાથોસાથ ‘સિવિલ ડિઝાસ્ટર રીએક્શન ટાસ્કફોર્સ’ની રચના કરી શકાય છે. સ્વતંત્ર પબ્લિક એડવોકેટ અસરગ્રસ્ત પરિવારોનું પ્રતિનિધિત્વ કરશે.

• ધ ગ્રેટ રીપેલ બિલમાં ઈયુ રેગ્યુલેશન્સને કાયદામાં પરિવર્તિત કરાશે જેથી બિઝનેસ માટે સંજોગો હળવાં બની શકે. આ પેકેજમાં ઈમિગ્રેશન, વેપાર, ફાર્મિંગ અને ફિશિંગ વિશે નવા કાયદાઓનો પણ સમાવેશ કરાશે.

• આપણે એક વખત ઈયુ છોડીએ તે પછી મુક્ત અવરજવરના નિયમો રદ કરાશે તેને ઈમિગ્રેશન બિલમાં સ્પષ્ટ કરાશે. ઈમિગ્રેશન બિલમાં યુકેને માઈગ્રેશન નિયંત્રણમાં લેવાનું માળખું પુરું પાડશે. જોકે, તેમાં નેટ ઈમિગ્રેશન ઘણું નીચે લાવવાના ટોરી પાર્ટીના લક્ષ્યાંકનો કોઈ ઉલ્લેખ નથી.

• સરકાર સોશિયલ કેરમાં કટોકટીના નિવારણની ખાતરી આપે છે. જોકે, તેમાં વિરોધીઓ દ્વારા ‘ડિમેન્શિયા ટેક્સ’ તરીકે નામ અપાયેલા ઘરમાં જ સારસંભાળ માટે ચાર્જની વસૂલાતનો આરંભ કરવા ટોરી મેનિફેસ્ટોની બાંયધરીનો ઉલ્લેખ કરાયો નથી.

• ક્વીન્સ સ્પીચમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર મુલાકાતનો પણ ઉલ્લેખ કરાયો નથી, જેના કારણે આયોજિત પ્રવાસ ઓછામાં ઓછો ૨૦૧૯ સુધી મુલતવી રખાશે તેવી અટકળોને બળ મળ્યું છે. યુએસ પ્રેસિડેન્ટે એમ કહ્યાનું મનાય છે કે તેઓ યુકેમાં વિરોધનો સામનો કરવા ઈચ્છતા નથી.

• થેરેસા મે તેમના ડોમેસ્ટિક એજન્ડામાંથી થોડાને બચાવવાની આશા રાખે છે, જેમાં રિપ-ઓફ એનર્જી બિલ્સ પર અંકુશના પગલાં, કટ્ટરવાદનો સામનો, ડોમેસ્ટિક વાયોલન્સ સામે સખ્તાઈ તેમજ બોગમ વીમા ક્લેઈમ્સનો અંત લાવવાનો સમાવેશ થાય છે.

• વિન્ટર ફ્યુલ એલાવન્સ તેમજ સરકારી પેન્શન્સ પર ટ્રિપલ લોક યોજના રદ કરવી, શાળાઓમાં મફત ભોજનનો અંત, ગ્રામર સ્કૂલ્સનું વિસ્તરણ તથા ફોક્સહન્ટિંગ પ્રતિબંધ દૂર કરવા પર મતદાન સહિતની યોજનાઓનો સ્પીચમાં ઉલ્લેખ કરાયો નથી. આના બદલે, ક્વીને જાહેર કરેલાં ૨૭માંથી આઠ કાયદા તો બ્રસેલ્સ સાથે સંબંધો તોડવા અને ફ્રી મૂવમેન્ટ નિયમોનો અંત લાવવા સંબંધિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter