ક્વીન્સના બર્થડે ઓનર્સ લિસ્ટમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું સન્માન થશે

Wednesday 03rd June 2020 00:02 EDT
 
 

લંડનઃ ક્વીનના બર્થડે ઓનર્સ લિસ્ટમાં કોવિડ ૧૯ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સનો સન્માન માટે સમાવેશ કરાશે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું છે. NHS ચેરિટીઝ માટે ૩૩ મિલિયન પાઉન્ડ જેટલું દાન એકત્ર કરનારા શતવર્ષી કેપ્ટન ટોમ મૂરને નાઈટહૂડ અપાશે તેવી જાહેરાત કરાઈ જ છે.

ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટ જૂન મહિનાના બદલે ઓટમમાં જાહેર કરાશે અને તેમાં કોવિડ ૧૯ રોગચાળા સામે વિવિધ મોરચે લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સનો પણ સમાવેશ કરાશે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું છે. પોતાના ઘરના ગાર્ડનમાં ચાલીને NHS ચેરિટીઝ માટે ૩૩ મિલિયન પાઉન્ડ જેટલું દાન એકત્ર કરનારા શતવર્ષી કેપ્ટન ટોમ મૂરને નાઈટહૂડ અપાશે તેવી જાહેરાત કરાઈ જ છે. અગાઉ, કેપ્ટનના ૧૦૦મા જન્મદિન ૩૦ એપ્રિલે મહારાણીએ તેમને ‘કર્નલ’ની માનદ પદવી આપવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાને હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે અભૂતપૂર્વ કપરા કાળમાં અગ્રીમ હરોળમાં કામ કરતા, આપણી કોમ્યુનિટીઓમાં અને જાહેર સેવાઓમાં કામ કરવા સાથે દેશને સપોર્ટ કરી રહેલા લોકોને બર્થડે લિસ્ટમાં સમાવી લેવાય તે માટે ક્વીને જૂનમાં જાહેર કરાનારા લિસ્ટને ઓટમ સુધી મુલતવી રાખવા સંમતિ દર્શાવી છે. આ સન્માન બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અથવા એડિનબરામાં હોલીરુડહાઉસ ખાતે એનાયત કરવામાં આવનાર છે. વડા પ્રધાને કોરોના રોગચાળામાં તમામ રીતે પ્રેરણારુપ બનેલા લોકોના નામ મોકલવા જનતાને જણાવ્યું છે. આ ક્ષેત્રે ઘણા લોકોનું પ્રદાન હોવાથી કોવિડ-૧૯ સન્માન આગામી ઓનર્સ લિસ્ટ્સમાં જોવાં મળશે.

વડા પ્રધાન જ્હોન્સને ‘કર્નલ’ ટોમ મૂરને નાઈટહૂડ એવોર્ડ અર્પણ કરવા ક્વીનને વિનંતી કરી હતી. બીજી તરફ, બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધના પીઢ સૈનિક સર ટોમ અને તેમના પરિવાર સાથે તેઓ નાઈટહૂડ કેવી રીતે મેળવશે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter