ખરાબ ચેરિટીઝ વિશે ફરિયાદ કેવી રીતે કરશો

પ્રતીક દત્તાણી Tuesday 14th November 2017 12:58 EST
 
 

અમારી ચેરિટી ક્લેરિટી- Charity Clarity સંસ્થામાં ભારતીય કોમ્યુનિટી (અન્યોની માફક જ)ની અંદર ચેરિટીઝના નબળા વહીવટના સંખ્યાબંધ ઉદાહરણો સામે આવે છે, જે વોલન્ટીઅર્સ, દાતાઓ અને મેનેજમેન્ટ કમિટીની અંદરની વ્યક્તિઓ બાબતે ચિંતા સર્જાવે છે. આ લેખમાં અમે જો ચેરિટીમાં આંતરિક વાતચીત માટે યોગ્ય વાતાવરણના અભાવે તમે ચેરિટી અંગે કેવી રીતે ફરિયાદ કરી શકો તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

Charity Clarity ચેરિટી સંસ્થાઓ માટે યોગ્ય નિષ્ઠાનો મંચ છે. અમારું ધ્યેય દાતાઓને સશક્ત બનાવવાનું અને ચેરિટીઝ સપોર્ટ કરવાનું છે. આનું સામાન્ય અર્થઘટન ટ્રસ્ટીઓ અને તેમની ટીમને તેઓ તેમના સખાવતી હેતુઓની કેવી રીતે સારી સેવા કરી શકે તે દર્શાવવાનું છે. અમને જણાયું છે કે મોટા ભાગના કિસ્સામાં ટ્રસ્ટીઓ શુભ ઈરાદા રાખતા હોય છે પરંતુ, તેમની જવાબદારીઓ સંબંધે અપૂરતું જ્ઞાન ધરાવતા હોઈ શકે છે.

કોઈ પણ ચેરિટી સંસ્થા વિશે ફરિયાદ કરવાના ઘણા માર્ગ છે.

ચેરિટી સંસ્થાનું સફળ સંચાલન કરવા માટે ટ્રસ્ટીઓ જવાબદાર રહે છે અને અન્યો દ્વારા હસ્તક્ષેપની આવશ્યકતા હોય તેવી ગેરકાયદે પ્રવૃત્તિઓની શંકા તમને ન હોય તેવા સંજોગોમાં સૌપહેલા ટ્રસ્ટીઓ સમક્ષ જ તમારી ચિંતા દર્શાવવી યોગ્ય ગણાશે.

તમારી પાસેથી દાન-ડોનેશન માગવાની પદ્ધતિ અથવા ફાળો એકત્ર કરનારાઓના તમારી સાથેના વર્તન વિશે તમારી ફરિયાદ હોય તો તમે Fundraising Regulator સમક્ષ ફરિયાદ કરી શકો છો, જે સખાવતી ફંડરેઈઝિંગનું નિયમન કરે છે. તેના દ્વારા ફાળો એકત્ર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓના માપદંડ નિર્ધારિત કરાય છે અને તે સંબંધે ફરિયાદોમાં તપાસ પણ હાથ ધરે છે.

જો કોઈ પણ વિજ્ઞાપન અભિયાન ગેરમાર્ગે દોરનારું અથવા અપમાનજનક જણાતું હોય તેવા સંજોગોમાં તમામ મીડિયા-માધ્યમો માટે યુકેની સ્વતંત્ર રેગ્યુલેટર The Advertising Standards Authority- ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીનો સંપર્ક પણ કરી શકાય છે.

કોઈ પણ વ્યક્તિ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચેરિટીઝના સ્વતંત્ર રેગ્યુલેટર Charity Commission- ચેરિટી કમિશનની વેબસાઈટ પર લોગ-ઈન થઈને પ્રત્યક્ષપણે ચેરિટી સંબંધે પોતાની ચિંતાની ફરિયાદ કરી શકે છે. ચેરિટી સંસ્થાઓ પોતાના દાવા અનુસાર કામ કરતી ન હોય, મોટા પ્રમાણમાં નાણા ગુમાવતી હોય, લોકોને નુકસાન પહોંચાડતી હોય, અંગત લાભ અથવા નફા માટે તેનો ઉપયોગ કરાતો હોય અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલગીરી હોય તે સહિતની ગંભીર ચિંતા સંબંધે ચેરિટી કમિશન કામગીરી કરે છે.

કર્મચારીઓ આવી જ ચિંતા [email protected]ને ઈમેઈલ કરીને પણ જણાવી શકે છે. આ ચિંતાઓ અંગત અસંતોષની ફરિયાદ હોવી ન જોઈએ. વ્હીસલબ્લોઅર (ખબરી) ચેરિટી સંસ્થા દ્વારા કોઈ ક્રિમિનલ અપરાધ, અન્યાય, કાયદાના ભંગ વિશે રિપોર્ટ કરે તેવા સંજોગોમાં તે કાયદાથી રક્ષિત રહે છે. જો ચેરિટી સંસ્થા કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ આચરે છે તેમ તમે માનતા હો તો ૧૦૧ ડાયલ કરી પોલીસનો સંપર્ક પણ કરી શકો છો.

ચેરિટી કમિશન સામાન્યપણે કેવા પ્રકારની ફરિયાદો હાથ ધરે છે? આ ફરિયાદોમાં, કોઈ ચેરિટી દ્વારા નોંધપાત્ર નાણાભંડોળનું નુકસાન, ધારો કે તેની આવકના ૨૦ ટકાની ખોટ કરે છે; નોંધપાત્ર સંપત્તિનું નુકસાન, ધારો કે જમીન અથવા બિલ્ડિંગ ગુમાવે છે; ચેરિટી મદદ કરતી હોય તે લોકોને ગંભીર હાનિ પહોંચે; ક્રિમિનલ અથવા ગેરકાયદે પ્રવૃત્તિ; ત્રાસવાદી પ્રવૃત્તિ; ગેરકાયદે અથવા અયોગ્ય હેતુઓ માટે તેની રચના થઈ હોય; કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને ચેરિટી તરફથી નોંધપાત્ર નાણાકીય લાભ મળતો હોય; ચેરિટી કાયદાનું અનુસરણ થતું ન હોય અને પરિણામસ્વરુપ ચેરિટીની પ્રતિષ્ઠાને નુકસાન થતું હોય તેવા સંજોગો અને સામાન્ય જનતાનો ચેરિટીઝમાં વિશ્વાસ ન રહે તેનો સમાવેશ થઈ શકે છે.

તમારું નામ ચેરિટી સમક્ષ જાહેર કરવું કે ન કરવું તેની માહિતી પણ તમારે ચેરિટી કમિશનને આપવાની રહેશે. આ ઉપરાંત, આ મુદ્દાઓ પરત્વે ચેરિટી પાસેથી સ્પષ્ટતા મેળવવા તમે કરેલા સંપર્કના પ્રયાસોના સંપૂર્ણ પુરાવા પણ આપવાના રહેશે.

આ જરુરિયાતોમાં પહેલી શરત જ આવી ફરિયાદો થતી અટકાવે છે, ખાસ કરીને તમારી પોતાની કોમ્યુનિટીની સંસ્થાઓ વિશે ફરિયાદ હોય. પરંતુ, તમારે યાદ રાખવું જોઈએ કે તમે ચેરિટી કમિશનને તમારું નામ જાહેર નહિ કરવાનું પણ જણાવી શકો છો.

તમારી ફરિયાદ અંગત અસંતોષ તરીકે થવી ન જોઈએ પરંતુ, યોગ્ય પુરાવા સાથે રજૂ કરાવી જોઈએ.

હિન્દુ કોમ્યુનિટીમાં એક તાજું ઉદાહરણ નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (NCHT) વિશે છે. રેગ્યુલેટરી ફાઈલિંગ્સ અનુસાર ગત પાંચ વર્ષમાં ચેરિટીએ તેની આવકના પ્રમાણમાં નોંધપાત્ર વધુ ખર્ચ કર્યો હતો. તેના જનરલ સેક્રેટરી છ ટ્રસ્ટીશિપ સંભાળતા હતા, જે ઘણા સેક્ટર નિષ્ણાતોના મતે દરેક માટે પૂરતી ફરજ બજાવવા માટે વધુપડતી હતી. જોકે, રેગ્યુલેટર તપાસ આદરે તેવા મુદ્દાના પ્રકારમાં આ આવે નહિ. આ બાબત ટ્રસ્ટીઓ અને સભ્યો આંતરિક રીતે અથવા AGM-વાર્ષિક સામાન્ય સભાઓમાં હલ કરી શકે તેવી છે.

આમ છતાં, ગત બે વર્ષમાં ત્રણ અલગ ઘટનામાં સામાન્યજન દ્વારા ચેરિટી વિશે આવી ફરિયાદ થઈ હતી. પ્રથમ ઘટનામાં ૨૦૧૫માં ચેરિટી કમિશને જણાવ્યું હતું કે, ‘NCHTની કાર્યવાહી ‘ચેરિટી માટે કાયદેસરની પ્રવૃત્તિ નથી’, અને ૨૦૧૭માં રેગ્યુલેટરે NCHTને ‘આવા નિવેદનો કરવાથી દૂર રહેવા’ જણાવ્યું હતું.

આ બન્ને ઘટના એ ગાઈડલાઈન્સ સંબંધિત હતી કે ચેરિટીઓએ ‘કોઈ ચોક્કસ પક્ષ અથવા ઉમેદવારો માટે સમર્થનને પ્રોત્સાહન આપવું ન જોઈએ.’ ધ ચેરિટી કમિશન ફરી એક વખત ચેરિટીની પ્રવૃત્તિઓમાં તપાસ કરી રહી છે, જેને આ સાથે સંબંધ નથી.

પ્રથમ બે ઘટનામાં સામાન્યજન ચેરિટી કમિશનને તેની વેબસાઈટ પર ફરિયાદ રજૂ કરવા શક્તિમાન હતો. ત્રીજી ઘટનામાં, એક વ્યક્તિ અને અન્ય કેટલીક ચેરિટી સંસ્થાઓ અને હિમાયતી જૂથોએ ખુલ્લો ફરિયાદપત્ર લખ્યો હતો, તેને PR કેમ્પેઈન થકી ટેકો આપ્યો હતો અને ચેરિટી કમિશન સમક્ષ તેને સુપરત કર્યો હતો. ઘણી વખત ચેરિટી કમિશન પબ્લિક દ્વારા વ્યાપક પ્રતિભાવો મેળવે છે. તેની સલાહ ઘણી વખત ચેરિટી તેની સમક્ષના પડકારોથી માહિતગાર બને અને તેના થકી સુધારો કરે તેમાં મદદરુપ થવાના ‘ગાઈડન્સ’ પર કેન્દ્રિત રહે છે. ચેરિટી સંસ્થાને બંધ કરવામાં આવે તે ભાગ્યે જ બને છે.

જો તમે વધુ માહિતી ઈચ્છતા હો અથવા તમારી ચિંતા વિશે અમારી સાથે ગુપ્તપણે વાત કરવા ઈચ્છતા હો તો, અમને [email protected] પર ઈમેઈલ કરી શકો છો.     


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter