લંડનઃ બોરિસ જ્હોન્સન સરકારે ૨૪ જુલાઈથી સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ખરીદી કરવા જનારા લાખો લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનું પાલન નહિ કરનારને ૧૦૦ પાઉન્ડનો દંડ કરાશે. જોકે, આ નવા નિયમ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પોલીસ કહે છે કે ૧૦૦ પાઉન્ડના દંડનો અમલ અશક્ય બનશે. ખુદ સરકારના પ્રધાનોમાં પણ આ મુદ્દે મતભેદ છે. સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને એક સપ્તાહ અગાઉ જ દુકાનોમાં માસ્ક ફરજિયાત બનાવ્યો છે.
સરકારે કોરોના વાઈરસના બીજા મોજાંને અટકાવવા દુકાનોમાં ખરીદારો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક નહિ પહેરનાર શોપર્સને ૧૦૦ પાઉન્ડ દંડ કરાશે. જોકે, તેનાથી રીટેઈલર્સ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે હાઈ સ્ટ્રીટ્સ તો વેરાન દેખાય છે અને હવે ફેસ માસ્ક પર ભાર મૂકાય છે. તેમના મતે સરકારે કોફીનમાં છેલ્લો ખીલો ઠોક્યો છે. પોલીસ પણ કહે છે કે નિયમભંગ માટે ૧૦૦ પાઉન્ડનો દંડ વસૂલ કરવો મુશ્કેલ બનશે.
વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવે ગુંચવાડો ઉભો કરતા જણાવ્યું છે કે દુકાનોમાં માસ્ક પહેરવા તે આવશ્યક નહિ પરંતુ, ‘વિવેક’ અને ‘સામાન્ય સમજ’ની બાબત હોવી જોઈએ. તેમણે કહ્યું કે દુકાનોમાં માસ્ક પહેરવા ‘પાયારુપ સારી મેનર્સ’ ગણાય. જોકે, તેમણે એક સ્થળે માસ્ક પહેર્યો ન હતો તેવું પિક્ચર જાહેર થયું છે. એન્વિરોન્મેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટિસે માસ્કને ઓફિસીસ અને કામકાજના અન્ય સ્થળોએ ફરજિયાત નહિ કરાય તેમ કહેવાનું નકાર્યું હતું.
મેટ્રોપોલીટન પોલીસ ફેડરેશનના ચેરમેન કેન માર્શે સ્પષ્ટ કહ્યું હતું કે ફરજિયાત માસ્ક પહેરવાના અમલ અને ભંગ બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ વસૂલવાનું અશક્ય છે. દરેક દુકાનની બહાર પોલીસ રાખી શકાય નહિ. બીજી તરફ, લંડનના મેયર સાદિક ખાને બીબીસી રેડિયો ૪ને જણાવ્યું હતું કે એક મહિના અગાઉ લોકડાઉન હળવું કરાયા પછી માત્ર ૫૯ લોકોને ટ્યૂબમાં માસ્ક નહિ પહેરવા બદલ દંડ કરાયો છે.


