લંડનઃ હિન્દુઓએ ખાદ્યપદાર્થોમાં જિલેટીનનો સ્રોત ફરજિયાત જણાવવા સ્કોટિશ સરકાર સમક્ષ માગણી મૂકી છે. જિલેટીનના ઘણા સ્રોતમાં ગોવંશના માંસ (બીફ)નો સમાવેશ પણ થાય છે. ખાદ્યપદાર્થોમાં જિલેટીન હોય તો ‘ઈન્ગ્રેડિયન્ટ્સ’ લેબલમાં તેનો સ્રોત જણાવવા ખાદ્ય ઉત્પાદકો માટે ફરજિયાત બનાવવું જોઈએ તેમ હિન્દુઓએ સ્કોટિશ સરકાર અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ સ્કોટલેન્ડ (FSS)ને અપીલ કરી છે.
જિલેટીનનો સ્રોત દર્શાવાયો ન હોય અને તેમાં બીફ હોય તો હિન્દુ આસ્થાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનું યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે એક નિવેદનમાં જણાવ્યું છે. હિન્દુ માન્યતા અનુસાર ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે અને તેનું માંસ ખાવું વર્જ્ય છે. હિન્દુઓ વર્ષોથી અજાણે એવા લોકપ્રિય ખાદ્યપદાર્થો ખાતા આવ્યા છે, જેમાં જિલેટીનના હિસ્સા તરીકે બીફ હોઈ શકે છે.
FSSના પોલિસી ઓફિસર કેટ ફોરસાઈથે જણાવ્યું છે કે, ‘લેબલ પર જિલેટીનનો સોર્સ જણાવવા વિશે કાનૂની આવશ્યકતા નથી.’ ગાય, ડુક્કર, માછલી અને ચિકન સહિતના પ્રાણીઓનાં અંગોમાંથી જિલેટીન મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ ચ્યુઈંગ ગમ, સીરિઅલ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, યોગર્ટ્સ, પુડિંગ્સ, કેક્સ, ડેઝર્ટ્સ, માર્જરીન, કન્ફેક્શનરીઝ, લોજેન્સિઝ, જ્યુસ, વાઈન સહિતના પદાર્થોમાં કરાય છે.

