ખેડૂતોને વધુ ઉત્પાદન માટે માર્ગદર્શન આપતા રાજકોટના ૫૪ વર્ષીય ઉદ્યોગપતિ ભરત પરસાણા

નિશ્ચલ સંઘવી Wednesday 12th January 2022 06:06 EST
 
 

રાજકોટમાં રહેતા ૫૪ વર્ષીય ભરતભાઈ પરસાણા  આ પ્રાંતના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના સભ્ય છે. છેલ્લાં ૫૦ વર્ષથી તેમનો પરિવાર એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેઓ દુનિયાના ૧૨ દેશમાં તેમની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. ગ્રૂપનું ટર્નઓવર ૪૯.૫૩ મિલિયન પાઉન્ડથી વધુ છે. તેઓ પટેલ સમાજના હોવાથી પરિવાર પાસે પોતાનું ખેતર હતું જે પૂર્વજો પાસેથી તેમને વારસામાં મળ્યું હતું. પરિવાર પાસે ૩૦૦ વર્ષ કરતાં વધુ સમયથી ૧૦ પેઢીઓ દ્વારા એક પછી એક પેઢીને અપાયેલી ૨૦ ગાયો પણ છે.    
ભરતભાઈએ તેમના શરૂઆતના વર્ષોથી જ રાજકોટ નજીકના તેમના ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હતો. ૩૯ વર્ષની ઉંમરે તેમણે ખેડૂતોને તેમના નફામાં ૫૦ ટકા વધારો કરી શકે તેવી ગાય આધારિત ખેતીની સરળ ટેકનીકો શીખવવાનું મિશન હાથ ધર્યું.
ભરતભાઈના જણાવ્યા મુજબ તેમને સરળ ઓર્ગેનિક ફાર્મિંગ ટેકનીકો શીખવવા માટે ખાસ કરીને નાના ગામડાઓમાં દૂર દૂર સુધી પ્રવાસ કરે છે. તેઓ આ ટેકનીકો સાથે ઉત્પાદકતામાં ૨૫ ટકા વૃદ્ધિની ખાતરી આપે છે.
કેમિકલ્સનો ઉપયોગ કર્યા વિના આ ટેક્નીક સાથે ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી શ્રેષ્ઠ ગુણવત્તાના હોય છે અને ખેડૂતો તેને સામાન્ય રીતે મળતાં શાકભાજીના ભાવ કરતાં ૨૫ ટકા વધુ ભાવે વેચી શકે છે.    
તેમણે જણાવ્યું કે છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ રોજેરોજ જુદા જુદા ગામડાઓમાં ફરે છે. આ ગામોમાં તેઓ ખેડૂત સભાઓ કરે છે અને તેમને શીખવવા માટે અલગ-અલગ ખેતરોમાં પણ જાય છે. તેમણે ઉમેર્યું કે કોઈ ઈચ્છે તો મફત તાલીમ માટે તેમનું ફાર્મ  ખુલ્લું છે. ખેડૂતોથી ભરેલી બસો ખેતી માટે આવતી હોવાના ઉદાહરણો છે.
તેમણે યોગ્ય પ્રમાણમાં ગાયના દૂધ સાથે ગોળ મીક્સ કરીને દર દસ દિવસે એક વખત છોડ પર છાંટવાની અને દીવેલા તથા ગાયના છાણમાંથી બનાવેલા ખાતરનો ઉપયોગ કરવા જેવી ખેતીની સરળ ટેક્નીકો વિક્સાવી છે. તેઓ પ્લાન્ટ મેડિસીન બનાવવાની પ્રક્રિયામાં ગૌમૂત્ર, ખાટી છાશ અને ફટકડી જેવી સામગ્રીનો ઉપયોગ કરે છે. તેમને ખેડૂતોને તેમની પદ્ધતિ મફતમાં શીખવાડવામાં અને પાછળથી તેમને સારા પરિણામો મળે છે કે નહીં તે જાણવામાં ખૂબ રસ છે.      
ભરતભાઈ અનુસાર, દૂધમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જ્યારે ગોળમાં ભારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જ્યારે આ મિશ્રણ છોડ પર છાંટવામાં આવે છે ત્યારે તે છોડને જીવ - જંતુઓ સામે લડવા માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે.
બોટાદ જિલ્લાના સુરેશ ભદ્રેસિયાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ખેતી સંભાળી હતી.  ભરતભાઈના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક ખેતી દ્વારા તેઓ ૨૫ ટકા વધુ ઉત્પાદન મેળવે છે.  
ભરતભાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં ૫૦૦૦થી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે. તેમની તમામ પ્રવૃત્તિઓ કોઈ નફો રળવા માટે નથી. કૌટુંબિક વ્યવસાયમાં તેમના ઓછાં યોગદાનને સ્વીકારીને તેમને ઓર્ગેનિક ખેતીના મિશન માટે સમય અને ટેકો આપવા બદલ તેઓ તેમના ભાઈઓ અને પરિવારનો આભાર માને છે. તેમના ફાર્મમાં ગાયો ઉપરાંત ઘોડા, શ્વાન અને કેટલાંક મોર પણ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter