લંડનઃ હોરાઈઝન આઈટી સ્કેન્ડલનો ભોગ બની ખોટી રીતે સજા કરાયેલા પોસ્ટલ વર્કર્સને સંપૂર્ણપણે વળતર અપાવું જોઈએ તેવી ભલામણ બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી (BEIS)ની સંસદીય સમિતિએ કરી છે. સાંસદોએ કહ્યું છે કે પોસ્ટ ઓફિસ અને સરકારે હોરાઈઝન આઈટીની ખામીપૂર્ણ હિસાબી સિસ્ટમનો શિકાર બનેલા વર્કર્સને વળતર આપવામાં કરાતા વિલંબ બાબતે ચિંતા દર્શાવી વળતરની ચૂકવણી ઝડપી બનાવવા જણાવ્યું છે.
BEIS સંસદીય સમિતિએ બ્રિટિશ કાનૂની ઈતિહાસમાં ન્યાય બાબતે સૌથી ખરાબ બનેલા કિસ્સામાં એક હોરાઈઝન આઈટી સ્કેન્ડલની સુનાવણી ૨૦૨૦થી શરૂ કરી હતી અને હવે તેનો વચગાળાનો અહેવાલ રજૂ કરાયો છે. આ કૌભાંડમાં પબ્લિક ઈન્ક્વાયરી શરૂ થઈ હોવાથી સમિતિએ સુનાવણીઓ મુલતવી રાખી છે. સમિતિએ ભલામણમાં જણાવ્યું છે કે પૂર્વ પોસ્ટ ઓફિસ ઓપરેટર્સને વળતરનો મુદ્દો ઝડપથી ઉકેલાવો જોઈએ કારણકે લાંબા સમયના કૌભાંડના અસરગ્રસ્ત વર્કર્સ વૃદ્ધ બની ગયા છે, નિરાકરણની રાહ જોઈ રહેલા કેટલાકના મોત નીપજ્યા છે અને ઘણા લોકો પોતાનું ઘર ગુમાવવાના જોખમ હેઠળ છે.
પોસ્ટ ઓફિસે જાપાનની ફ્યુજિત્સુ કંપની દ્વારા ગોઠવાયેલી હોરાઈઝન આઈટી સિસ્ટમ્સ પરથી પ્રાપ્ત માહિતીના આધારે ૨૦૦૦થી ૨૦૧૪ સુધીના ગાળામાં ૭૩૬ પોસ્ટ ઓફિસ ઓપરેટર્સને ચોરી, ફ્રોડ અને ખોટા હિસાબોના આરોપ સાથે પ્રોસીક્યૂટ કર્યા હતા.
ડિસેમ્બર ૨૦૧૯માં ૫૫૫ પૂર્વ વર્કર્સના જૂથે પોસ્ટ ઓફિસ સામે કાનૂની લડતમાં વિજય હાંસલ કર્યો હતો. હાઈ કોર્ટ જજે ઠરાવ્યું હતું કે હોરાઈઝનની સિસ્ટમમાં અનેક ખામી હતી જેના પરિણામે પોસ્ટ ઓફિસની બ્રાન્ચીસમાં હિસાબી ગરબડો સર્જાઈ હતી.આ જૂથને ૫૭.૭૫ મિલિયન પાઉન્ડનું વળતર જાહેર કરાયું હતું પરંતુ, કાનૂની ખર્ચમાં મોટા ભાગની રકમો ખર્ચાઈ જવાથી દરેકના ભાગે સરેરાશ માત્ર ૨૦,૦૦૦ પાઉન્ડનું વળતર મળ્યું હતું. કોર્ટ ઓફ અપીલે સંખ્યાબંધ પોસ્ટ ઓફિસ વર્કર્સ સામેની સજાને ફગાવી દીધી હતી.
હાઈ કોર્ટના ચુકાદા પછી સરકારે કાનૂની વિજય મેળવનાર જૂથ અન્ય યોજના હેઠળ વળતર માટે અરજી કરી શકશે નહિ તેવો નિર્ણય લીધો હતો. સમિતિએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. સમિતિના અધ્યક્ષ ડેરેન જોન્સે કહ્યું હતું કે ૫૫૫ વર્કર્સ જૂથને સંપૂર્ણ વળતરથી બાકાત રાખવાનું કોઈ યોગ્ય કારણ નથી.
પબ્લિક ઈન્ક્વાયરીમાં હૃદયદ્રાવક જુબાનીઓ
નિવૃત્ત હાઈ કોર્ટ જજ સર વીન વિલિયમ્સના અધ્યક્ષપદ હેઠળની પબ્લિક ઈન્ક્વાયરી કૌભાંડની તપાસનો એક હિસ્સો છે. પબ્લિક ઈન્ક્વાયરીમાં પોસ્ટ ઓફિસ દ્વારા કાનૂની સકંજામાં લેવાયેલા, ખોટી રીતે દોષિત ઠરાવાથી તેમના જીવન પર અસર અને પરિણામસ્વરુપ નાણાકીય મુશ્કેલીઓ બાબતે પૂર્વ વર્કર્સ અને પરિવારજનો દ્વારા હૃદયદ્રાવક જુબાનીઓ બહાર આવી છે .દોષી ઠરાવાયેલા અનેક પોસ્ટ વર્કર્સ-સબ પોસ્ટ માસ્ટર્સને જેલમાં મોકલાયા હતા, ઘણાએ રોજીરોટી અને ઘર ગુમાવ્યા હતા. સજા કરાયા પછી અને ચોરનું લેબલ વાગી ગયા પછી ઘણાને કામ શોધવામાં તેમજ મોર્ગેજ પેમેન્ટ્સ નહિ કરી શકવાની મુશ્કેલી સહન કરવી પડી હતી. ઘણા લોકોને નાદાર જાહેર કરાયા હતા અને ઘણાએ તો આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ખોટી રીતે સજા કરાયેલા ઘણા પોસ્ટ વર્કર્સે આ લાંબા કૌભાંડમાં ભજવેલી ભૂમિકા બદલ કંપનીના પૂર્વ મેનેજમેન્ટને જેલની સજા કરાવી જોઈએ તેમ જણાવ્યું હતું.


