લંડનઃ ભારતીય અને ગુજરાતી મૂળના પ્રખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી, લેખક, વિચારક અને રાજકારણી, હાઉસ ઓફ લોર્ડ્સના સન્માનીય સભ્ય લોર્ડ મેઘનાદ દેસાઈનું મંગળવાર 29 જુલાઈ, 2025ના રોજ 85 વર્ષની વયે નિધન થયું હતું.
મેઘનાદ જગદીશચંદ્ર દેસાઈનો જન્મ 10 જુલાઈ-1940ના રોજ ગુજરાતના વડોદરા ખાતે થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. (ઈકોનોમિક્સ)ની ડિગ્રી મેળવ્યા પછી 1960માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની સ્કોલરશિપ સાથે 1963માં ઈકોનોમિક્સમાં PhDની ડીગ્રી હાંસલ કરી હતી. તેઓ બે વર્ષ પછી લંડન આવ્યા અને લંડન સ્કૂલ ઓફ (LSE)માં લેક્ચરર બન્યા હતા. અહીં જ તેઓ પ્રોફેસર અને પ્રોફેસર એમિરેટસ બન્યા હતા અને 1965થી 2003 સુધી લગભગ ચાર દાયકા આ સંસ્થામાં શિક્ષણકાર્ય કર્યું હતું. લોર્ડ દેસાઈએ LSE ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ મુંબઈમાં મેઘનાદ દેસાઈ એકેડમી ઓફ ઇકોનોમિક્સ (MDAE)ના સ્થાપક અધ્યક્ષ પણ હતા
લોર્ડ મેઘનાદ દેસાઈ 1971થી બ્રિટિશ લેબર પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા હતા અને તેમને 1991માં હાઉસ ઓફ લોર્ડ્સમાં બેરોન દેસાઈ ઓફ સેન્ટ ક્લેમેન્ટ ડેન્સ તરીકે લાઈફ પીઅરેજ અપાયું હતું. તેમણે 2011માં હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્પીકરના પદ માટે પણ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે 49 વર્ષ પછી લેબર પાર્ટી છોડી હતી. ભારત સરકારે તેમને 2004માં ભારતીય પ્રવાસી પુરસ્કાર એનાયત કર્યો હતો અને 2008માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે,‘ શ્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી હું દુઃખી થયો છું. તેઓ વિચારશીલ લેખક, અર્થશાસ્ત્રી અને વિદ્વાન હતા. તેઓ હંમેશાં ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા. ભારત અને બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં તેમણે ભૂમિકા નિભાવી હતી. અમારી વચ્ચે થયેલી ચર્ચાઓ હંમેશાં યાદ રહેશે, જેમાં તેમણે અમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદનાઓ છે.’ વડા પ્રધાન મોદીએ લોર્ડ દેસાઈ સાથેની તસવીર પણ મૂકી હતી.
બહુમુખી પ્રતિભા ધરાવતા મેઘનાદ દેસાઈએ ઈકોનોમિક્સ તેમજ અન્ય વિષયો પર 20થી વધુ પુસ્તકો અને 200થી વધુ શૈક્ષણિક લેખો ઉપરાંત, ભગવદ્ ગીતા અને મહાભારત જેવાં ભારતીય મહાકાવ્યો પર પણ અનોખા દૃષ્ટિકોણ સાથે પુસ્તકો લખ્યા છે. તેમનું આખરી પુસ્તક ‘ધ પોવર્ટી ઓફ પોલિટિકલ ઈકોનોમીઃ હાઉ ઈકોનોમિક્સ એબેન્ડન્ડ ધ પૂઅર’ 2022માં પ્રસિદ્ધ થયું હતું. તેમણે 2004માં ફિલ્મસ્ટાર દીલીપ કુમારની બાયોગ્રાફી ‘નેહરુઝ હીરોઃ દીલીપ કુમાર ઈન ધ લાઈફ ઓફ ઈન્ડિયા’ પ્રસિદ્ધ કર્યું હતું.
લોર્ડ દેસાઈએ બે વખત લગ્ન કર્યા હતા. તેમણે 1970માં LSEના કલીગ ગેઈલ વિલ્સન સાથે સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ સંતાન છે. ગેઈલ વિલ્સન સાથે ડાઈવોર્સ પછી ‘નેહરુઝ હીરો’ પુસ્તકના લેખનકાર્ય દરમિયાન તેમની મુલાકાત કિશ્વર અહલુવાલિયા સાથે થઈ અને 2004માં તેમણે લગ્ન કરી લીધા હતા.
-------------------------------
મેં મારા મિત્રને ગુમાવ્યા છેઃ સીબી
ઓમ. લોર્ડ મેઘનાદ દેસાઈ.... યાદોનો આ કેટલો ખજાનો... હું તેમના વડોદરાના દિવસોથી તેમને જાણતો હતો. તેઓ અને તેમનો પરિવાર ખંડેરાવ માર્કેટની સામે લિંબચ ભૂવનમાં રહેતા હતા. ભારે તેજસ્વી વિદ્યાર્થી અને વધુ અભ્યાસાર્થે વિદેશ ગયા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના યુવાન અને અદ્ભૂત વિદ્વાન હતા જેઓ ઈકોનોમિક્સના પ્રસિદ્ધ પ્રોફ્સર બન્યા. તેઓ લેબર પાર્ટીના સક્રિય કાર્યકર બનવા સાથે ઈઝલિંગ્ટન (નોર્થ લંડન) વિસ્તારના નેતા પણ બન્યા. વર્ષ 1982 અથવા 1983માં લેબર લીડર મિ. સ્મિથે હાઉસ ઓફ લોર્ડ્સમાં પાર્ટીના પ્રવક્તા તરીકે તેમની પસંદગી કરી હતી, તેમને હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રમોશન પણ અપાયું. ભારતની સ્વતંત્રતા પહેલા લોર્ડ સિંહા આખરી લોર્ડ હતા. આ પછી, લિબરલ પાર્ટીના ટ્રેઝરર પ્રતાપ ચિટનીસ 1970ના દાયકામાં લોર્ડ નિયુક્ત થનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હતા. આ પછી, શ્રીલા ફ્લેધર કન્ઝર્વેટિવ લોર્ડ બન્યાં અને તેમના પછી લોર્ડ દેસાઈ આવ્યા.... મેઘનાદ અમારા ગાઢ પરિચિત અને મિત્ર રહ્યા છે. તેમના નાના ભાઈ આશુતોષ મારો કોલેજકાળનો મિત્ર હતો જેઓ યુએસએમાં પ્રોફેસર હતા, તેઓ પણ ચિરવિદાય લઈ ગયા. મેં મારા મિત્રને ગુમાવ્યા છે. ઓમ શાન્તિ.... સીબી