લંડનઃ આ વર્ષનો મધર્સ ડે ઓક્સફર્ડના ગર્ગ પરિવાર માટે વિશેષતઃ ‘માતૃવંદના’નો જ બની રહ્યો હતો. શશી ગર્ગની ૮૩ વર્ષીય માતા રત્ના ગર્ગ આખરે તેમની સાથે યુકેમાં કાયમી વસવાટ માટે આવી શકશે. પરિવારને વેરવિખેર થતો બચાવવાના પ્રયાસરુપે હોમ ઓફિસના આદેશ વિરુદ્ધ કરાયેલી સમીક્ષા પિટિશનમાં ગર્ગ પરિવારનો વિજય થયો છે. ભારતીય મૂળનો ગર્ગ પરિવાર આ વિજયને ઉજવવા તેમની દીકરી નેહા, જમાઈ કુણાલ અને તેમના ૧૦ મહિનાના દોહિત્ર રિશીને મળવા ખાસ લંડન ગયા હતો.
શશી ગર્ગના પિતા અને ભારતમાં આઈ સર્જન ડો. પ્યારેલાલ ગર્ગનું જૂન ૨૦૧૫માં અવસાન થયું હતું અને તેમની માતા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એકલાં પડી ગયાં હતા. તેમનું હૃદય નબળું હતું, શરીર શારીરિક દૃષ્ટિએ અંશતઃ પાંગળું હતું અને તેમને ડિમેન્શિયાની અસર પણ થવા લાગી હતી. પત્ની માનવી સાથે ચર્ચા પછી શશી ગર્ગે નિર્ણય લીધો કે માતાને ભારતમાં એકલાં રાખી શકાય તેમ નથી અને તેમને થોડાં સમય માટે પણ યુકેમાં પોતાની સાથે રાખવાં જોઈએ. રત્ના ગર્ગને યુરિસ્ટ વિઝા પર યુકે લાવવામાં આવ્યાં હતાં અને છ મહિનામાં તેની મુદત પૂર્ણ થવાની હતી.
યુકેમાં વસવાટ દરમિયાન જ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના પરિણામે તેમની નાજૂક માતાની સારસંભાળ યુકેમાં જ પોતાની દેખરેખ હેઠળ રાખવી આવશ્યક હોવાનું શશી ગર્ગને લાગ્યું હતું.
શશીએ માનવ અધિકારના કેસીસમાં નામના ધરાવતી ફર્મ ટ્રેન્ટ ચેમ્બર્સના સોલિસિટર ઉષા સૂદ સાથે વાત કર્યા પછી રત્ના ગર્ગને યુકેમાં રહેવા દેવાની પરવાનગી માગતી અરજી કરવામાં આવી હતી. હોમ ઓફિસે અરજી ફગાવી દેવા સાથે તેમને ઈન-કન્ટ્રી અપીલ કરવાના અધિકારને પણ નકાર્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ‘તમારી તબીબી હાલત અંગે તમે ભારતમાં સારવાર લેતાં હતાં અને ભારતમાં તેની સારવાર મળી શકે તેમ છે. ભારત અને યુકેમાં પ્રાપ્ત તબીબી સારવારના ધોરણો સંબંધે પણ પૂરતી વિચારણા કરવામાં આવી છે. યુકે અને ભારતની હેલ્થ કેર સિસ્ટમ એકસમાન નહિ હોવાનું સ્વીકૃત છે ત્યારે પણ તેનાથી તમને અહી રહેવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી....’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે ખાસ મુલાકાતમાં શશી ગર્ગે જણાવ્યું હતું કે,‘ હું ઓક્સફર્ડમાં રહું છું અને કામ કરું છું. મેં આ દેશમાંથી જ માસ્ટર્સ અને પીએચ.ડી કર્યા છે. હું, મારી પત્ની અને બાળકો, બધાં જ બ્રિટિશ છીએ. તમામ પેરન્ટ્સને તેઓ નિવૃત્ત થાય, એકલા પડે અને વય સંબંધિત તકલીફોનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવે ત્યારે તેમના સંતાનોના સપોર્ટ મેળવવાનો અધિકાર ધરાવે છે. અમારા પેરન્ટ્સને યુકેમાં નહિ આવવાનો ઈનકાર તેમની વૃદ્ધાવસ્થામાં તેમના સંતાનો સાથે રહેવાના અધિકારને છીનવી લેવા સમાન છે.’
તેમણે કહ્યું હતું કે,‘અમને આવા ઈનકારની ધારણા હતી જ છતાં, મારી અસહાય માતાએ ભારત પાછાં જવું પડશે અને એકલાં રહેવું પડશે તેમ વિચારવું જ આઘાતજનક હતું. યુકે અને ભારતમાં સારસંભાળનું સ્તર સરખું નથી જ પરંતુ, આપણે સિસ્ટમ્સની સરખામણી કરતા નથી. આ મુદ્દો વધુ તો માનવતાના ધોરણનો છે. મારી માતા અવસ્થામાં વૃદ્ધ, એકલવાયી, અસ્વસ્થ અને નાજૂક છે. તબીબી સંભાળ કરતાં પણ તેમને પરિવારની અંગત દેખરેખની ખાસ જરૂર છે અને અમે બધાં તો અહીં સ્થાયી થયેલાં છીએ. આથી, અમે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)ના આર્ટિકલ ૩ અને પાંચના આધારે અપર ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ રિવ્યુ મેળવવા આગળ વધ્યા હતા.. અમારી માગણી મૌખિક સુનાવણીની હતી, જે ૨૦ માર્ચે યોજાઈ હતી. કાનૂની કાર્યવાહીનાં ઊંચા ખર્ચને પહોંચી વળવા મેં મારી તમામ બચતો પણ વાપરી નાખી છે.’ સારા નસીબે રિવ્યુ ગર્ગ પરિવારની તરફેણમાં આવ્યો હતો, જેમાં જજે તમામ દલીલો માન્ય રાખી હતી. હોમ ઓફિસે અરજી પર સંપૂર્ણ પ્રતિભાવ આપ્યો નથી તેમજ મૂળ અરજીની કેટલીક દલીલોનો ઉત્તર અપાયો ન હોવાં અંગે જજ સંમત થયાં હતાં. શશી ગર્ગે જણાવ્યું હતું કે,‘જજે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વસવાટનો ઈનકાર યથાવત રહે તો પણ અરજદારને ઈન-કન્ટ્રી અપીલનો અને વાજબી કોસ્ટ્સની ચુકવણીનો અધિકાર છે. તેમને રહેવાની પરવાનગી અપાશે તેની અમને આશા છે.’
કોર્ટ ઓફ અપીલમાં ADR ચેલેન્જ ૨૦૧૨થી અમલી નવા નિયમો જણાવે છે કે યુકેમાં ગાઢ સંબંધી દ્વારા સારસંભાળ અને જાત દેખરેખની આવશ્યક્તા હોય તેવા જ વયસ્ક આશ્રિત રીલેટીવ્ઝ અહીં વસવાટ કરવા સક્ષમ છે. યુકે સરકાર ખર્ચાઓમાં કાપ માટે મક્કમ છે ત્યારે જેમને સરકાર તરફથી સપોર્ટ અને અનુકંપાની સાચી જરૂર હોય તેવાં પરિવારોને પણ ખરાબ અસર પડી છે. ગયા વર્ષે BritCits નામની સંસ્થાએ વયસ્ક આશ્રિત રીલેટીવ્ઝના પ્રવેશ પર દેખીતા પ્રતિબંધને પડકાર્યો હતો, જેને ફગાવી દેવાયો હતો. સરકારનું કહેવું હતું કે ૨૦ એપ્રિલ ૨૦૧૬ના જ્યુડિશિયલ રિવ્યુમાં હાઈકોર્ટે એડલ્ટ ડિપેન્ડન્ટ રીલેટીવ્ઝ (ADR)ના નવા નિયમોની કાયદેસરતા માન્ય ઠરાવી છે.
BritCits દ્વારા એપેલન્ટ્સ નોટિસ જારી કરાઈ છે અને કોર્ટ ઓફ અપીલમાં મે ૨૦૧૭માં તેની સુનાવણી કરાવાની છે. આ પિટિશનમાં ૨૬,૦૦૦થી વધુ સહી થઈ છે. જો સહીની સંખ્યા ૧૦૦,૦૦૦ કે તેથી વધુ થાય તો પાર્લામેન્ટમાં તેની ચર્ચા કરવાની રહે છે. પિટિશનમાં સહી કરવા https://petition.parliament.uk/petitions/185283 લિન્ક પર જવા વિનંતી છે. ગર્ગ પરિવાર હોમ ઓફિસના નિર્ણયની રાહ જુએ છે ત્યારે કેસ તેમની તરફેણમાં આવે તેવી શક્યતા વધુ છે. આ કેસના પરિણામે, પોતાના પારિવારિક જીવન માટે ન્યાય ઈચ્છતાં હજારો લોકો માટે કોર્ટ ઓફ અપીલમાં આશાનું કિરણ બની રહેશે. ગર્ગ કેસ વિશે વધુ માહિતી માટે https://www.crowdjustice.org/case/mothers-plea-to-stay-with-son/ લિન્ક જોઈ શકાય છે.