લંડનઃ ગાંધીજીની ૧૪૮મી જયંતીએ કાર્ડીફમાં ફર્સ્ટ મિનિસ્ટર કેરવિન જોન્સ અને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ વેલ્સ ખાતેના ભારતના કોન્સુલ જનરલ રાજ અગ્રવાલ OBE સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્ડીફમાં બાપૂની બ્રોન્ઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અનાવરણ પ્રસંગે દક્ષિણ આફ્રિકાથી ખાસ આવેલા મહાત્મા ગાંધીના ગ્રેટ-ગ્રાન્ડસન સતીષકુમાર ધુપેલીઆ સહિત વિવિધ ક્ષેત્રોના લગભગ ૧,૦૦૦ લોકો વેલ્સ મિલેનિયમ સેન્ટર ખાતે હાજર રહ્યા હતા. ગાંધી જયંતીની આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે.
ગાંધીજીની આ પ્રતિમા ૬ ફૂટ ઉંચી અને ૩૦૦ કિલો વજનની છે અને દિલ્હી નજીક નોઈડાના શિલ્પકારો રામભાઈ સુતાર અને તેમના પુત્ર અનિલભાઈએ બનાવી છે. ગાંધીજીની પ્રતિમાના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ભગવદ ગીતા છે અને તેમણે ખાદીનું વસ્ત્ર પહેરેલું છે. હવે કાર્ડીફ બેમાં વેલ્સ મિલેનિયમ સેન્ટર પાસે લોઈડ જ્યોર્જ એવન્યુ ખાતે તેની કાયમી સ્થાપના કરાઈ છે.
આ પ્રસંગે કોન્સુલ જનરલ રાજ અગ્રવાલે જણાવ્યું હતું , 'આજનો દિવસ કાર્ડીફ, વેલ્સ, યુકે અને સમગ્ર વિશ્વ માટે મહત્ત્વનો છે. હું ધન્યતા અનુભવું છું કારણ કે આ પ્રતિમાને લીધે મહાત્મા ગાંધી આપણા આંગણે આવ્યા હોય તેવું આપણને લાગે છે. અનાવરણ વિધિમાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે તેનાથી મને ખૂબ આનંદ થયો છે. આ મહાન વ્યક્તિ અને તેમણે મેળવેલી સિદ્ધિઓને યાદ રાખવી અગત્યની છે.'
પ્રતિમા નીચે આરસની તક્તીમાં વેલ્શ અને ઈંગ્લિશ બન્ને ભાષામાં લખાયું છે કે માનવજાતની સમસ્યાના ઉકેલ માટે અહિંસા સૌથી મોટું બળ છે. માણસના કૌશલ્યથી બનેલા વિનાશના સૌથી શક્તિશાળી શસ્ત્ર કરતાં પણ અહિંસા વધુ શક્તિશાળી છે.
આ પ્રતિમાના નિર્માણનો ખર્ચ ૬૫,૦૦૦ પાઉન્ડ થયો છે અને તમામ રકમ હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ અને તેના અધ્યક્ષા વિમળાબહેન પટેલ દ્વારા એકત્ર કરાઈ છે. ફંડ રેઈઝિંગ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલી હતી. વિમળાબહેન પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની પ્રતિમા આપણી વર્તમાન અને ભાવિ પેઢીઓને શાંતિ અને સંવાદિતાથી હળીમળીને સાથે જીવવાની પ્રેરણા આપતી રહેશે.