ગાઈડ ડોગ ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓને ભેદભાવપૂર્ણ વર્તનના અનુભવો

- રુપાંજના દત્તા Wednesday 10th July 2019 03:06 EDT
 
 

લંડનઃ સમગ્ર દેશમાંથી ૧૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ ગાઈડ ડોગ માલિકો તેમના શ્વાનના લીધે બિઝનેસ અને સર્વિસીસ દ્વારા કરાતા અપમાનજનક વર્તનના અનુભવો વર્ણવવા ૧૯ જૂનને બુધવારે સંસદના વેસ્ટમિન્સ્ટર હોલમાં એકત્ર થયા હતા. દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો સાથે અલગ અલગ રીતે ભેદભાવ થાય છે. જો તે એશિયન હોય તો મુશ્કેલી બમણી થઈ જાય છે. ટેક્સી, અને મીનીકેબ્સ, રેસ્ટોરાં અને શોપ્સના માલિકો ટ્રેઈન્ડ ગાઈડ ડોગ્સ સાથેના લોકોને પ્રવેશનો ઈનકાર કરે છે. સહાયક શ્વાન ધરાવતા પૂર્વ ડોક્ટર અમિત પટેલ તેમજ ગૂડમેઝમાં વસતાં ભાવિની મકવાણાને ભેદભાવપૂર્ણ વર્તનનાં ઘણાં નરસાં અનુભવો થયાં છે. જોકે, એક મંદિર દ્વારા યોગ્ય દિશામાં મોટું પગલું લઈને દિવ્યાંગ વિઝિટરોને સહાયક શ્વાનો સાથે પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે.

ગાઈડ ડોગ સાથેની વ્યક્તિને બેસાડવાનો ઈનકાર કરીને ટેક્સી ડ્રાઈવરો કાર હંકારી ગયા હોય તેવા ઘણાં કિસ્સા બન્યા હતા. આસિસ્ટન્સ ડોગ સાથેની દિવ્યાંગ વ્યક્તિને અતિ અપવાદરૂપ સંજોગો સિવાય પ્રવેશનો ઈનકાર કાયદા વિરુદ્ધ છે. તાજેતરમાં પ્રકાશિત આંકડા મુજબ ચાર ગાઈડ ડોગ માલિકો પૈકી ત્રણને (૭૬ ટકા) બિઝનેસીસ અને સર્વિસીસ દ્વારા ગેરકાયદે ઈનકાર કરાયો હતો. તેમાં ટેક્સી અને મિનીકેબના ડ્રાઈવરો સૌથી વધુ દોષી હતા. છેલ્લાં ૧૨ મહિનામાં સેવાના ઈનકારનો ભોગ બન્યા હતા તેમાંથી ૭૩ ટકાને આ અનુભવ થયો હતો. રેસ્ટોરાં દ્વારા ૫૪ ટકા, ન્યૂઝ એજન્ટસ દ્વારા ૪૨ ટકા અને હાઈ સ્ટ્રીટ શોપ્સ દ્વારા ૩૬ ટકાને ઈનકાર કરાયો હતો.

જોકે, આવી ઘટનાઓ વચ્ચે એક મંદિર દ્વારા આસિસ્ટન્સ ડોગ સાથેના દિવ્યાંગો માટે ઘડાયેલી નીતિ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને મંદિરના મુખ્ય બિલ્ડિંગમાં ગાઈડની સુવિધા અપાશે. મંદિરના વોલન્ટિયર શ્વાનની સંભાળ રાખી તેને પાણી પીવું હોય તેની વ્યવસ્થા કરશે.

ચેરિટી ગાઈડ ડોગ્સ અને રોયલ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ બ્લાઈન્ડ પીપલ (RNIB)એ આવો ભેદભાવ વેઠતા લોકો માટે નવો સપોર્ટ ઉભો કર્યો છે. ઈક્વલિટી એક્ટ ટૂલકીટ યુકેના ગાઈડ ડોગ માલિકોને પ્રવેશના ઈનકારને કેવી રીતે પડકારવો, કાનૂની હક્કો વિશે વ્યવહારિક માહિતી અને માર્ગદર્શન સહિત સલાહ પૂરી પાડે છે.

ગાઈડ ડોગ માલિકોને થતાં ભેદભાવ વિરુદ્ધ અભિયાન ચલાવતા સાંસદ વીરેન્દ્ર શર્મા પાર્લામેન્ટમાં ગાઈડ ડોગ્સ ચેરિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘ સહાયક શ્વાન સાથેના માલિકો પ્રત્યે ભેદભાવના કિસ્સાઓ સાંભળીને ખૂબ દુઃખ થાય છે. આસિસ્ટન્સ ડોગને લીધે કોઈને પણ લોકલ હાઈ સ્ટ્રીટ પર કોઈ બિઝનેસે ઈનકાર કરવો જોઈએ નહિ. અજ્ઞાનના કારણે પ્રવેશ માટે ઈનકાર બદલ બિઝનેસીસને જવાબદાર ઠેરવવાની ગાઈડ ડોગ્સની ‘એક્સેસ ઓલ એરિયાઝ’ ઝુંબેશને મારું સમર્થન છે.’

ગાઈડ ડોગ્સના પબ્લિક અફેર્સ મેનેજર ક્રિસ થીઓબાલ્ડે જણાવ્યું હતું,‘ આસિસ્ટન્સ ડોગ ઓનર્સને પણ સામાન્ય માણસની માફક શોપિંગ કરવાનો, ટેક્સીમાં બેસવાનો અથવા રેસ્ટોરાંમાં જવાનો અધિકાર હોવાનું કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter