ગિરિબાપુઃ શિવકથાની આહલેક જગાવનારા અનોખા કથાકાર

અચ્યુત સંઘવી Wednesday 20th May 2026 06:55 EDT
 
 

અમદાવાદ,લંડનઃ પ્રસન્ન અને સૌમ્ય મુખમુદ્રા, કપાળે ત્રિપુંડ, વિદ્વતાના ભાર વિનાની સરળ ભાષા. આપણે વાત કરીએ છીએ, અનોખા યુવા કથાકાર ગિરિબાપુની જેઓ યુનાઈટેડ કિંગ્ડમમાં શિવકથાની આહલેક જગાવવા આવી રહ્યા છે. ગિરિબાપુ યુકેમાં કોવેન્ટ્રી, એસ્ટોન, બર્મિંગહામ, લેસ્ટર, લંડન, લિવરપૂલ, બ્રેડફર્ડ અને સાઉથોલ સહિતના શહેરોમાં ભગવાન શિવની અનેરી કથા અને શિવલીલાઓની રસલહાણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ કરવાના છે. તેઓ 2009થી દર વર્ષે યુકેસ્થિત શ્રદ્ધાળુ શિવભક્તોને કથામૃતથી પાવન કરતા રહ્યા છે. હાલ અમદાવાદમાં 14 મેથી તેમની 838મી શિવકથા યોજાઈ હતી અને હવે યુકેમાં મે મહિનાથી ઓગસ્ટ મહિના દરમિયાન 839થી 848 ક્રમ સુધીની શિવકથાનું રસપાન તેઓ કરાવશે. સૌપ્રથમ કોવેન્ટ્રીમાં 23 મેથી 31 મે સુધી કથા યોજાઈ છે.

સામાન્ય રીતે રામકથા, ભાગવતકથા, દેવી ભાગવત સહિત અનેક કથાઓ કહેવાતી અને સંભળાતી આવી છે, પરંતુ અનોખી શિવકથાનો આરંભ કરનારા ગિરિબાપુ પ્રથમ છે. બાલ્યાવસ્થાથી જ ભગવાન શિવની ભક્તિમાં રમમાણ રહેલા ગિરિબાપુએ સૌપ્રથમ 1996માં ભાવનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તોને શિવકથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે શરૂઆતનો સમય કપરો હતો, પરંતુ હવે તો યૂટ્યૂબ ચેનલ, સોશિયલ મીડિયા સહિત બધે જ લોકો શિવકથા સાંભળતા થયા છે. લોકો શિવકથાને સારો પ્રતિભાવ આપી રહ્યા છે અને યુવાવર્ગમાં તેનું વિશેષ આકર્ષણ છે.

યુરોપ, આફ્રિકામાં કેન્યા, યુગાન્ડા, મસ્કત, મોરેશિયસ, કેનેડા, પનામા, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિતના દેશોમાં ગિરિબાપુએ શિવકથામૃતનો લાભ આપ્યો છે. તેમણે ભારતમાં 12 જ્યોતિર્લિંગ સ્થળો તેમજ કૈલાસ માનસરોવર ખાતે પણ કથા કરી છે અને સોમનાથ ખાતે દર વર્ષે તેમની શિવકથા યોજાય છે. તેમણે ગયા વર્ષની મહાશિવરાત્રિએ વારાણસી-કાશીમાં શિવકથાનું શ્રવણ કરાવ્યું હતું અને આગામી મહાશિવરાત્રિએ સૂરતના શિવભક્તો સમક્ષ શિવકથા યોજાવાની છે.

વિશેષતા એ છે કે ગિરિબાપુ પર્યાવરણપ્રેમી છે. તેમનું કહેવું છે કે માણસોએ વૃક્ષો અવશ્ય વાવવા જોઈએ. વૃક્ષ વિના તો ગરમી 50 ડીગ્રી સુધી પહોંચી જાય તો નવાઈ પામશો નહિ. તેઓ પોતાની કથામાં ‘વૃક્ષ વાવો, વરસાદ લાવો’, વૃક્ષ વાવો, વ્યસન છોડો’ જેવા સૂત્રો થકી ભક્તોને વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવે છે. ગિરિબાપુ ‘પરોપદેશે પાંડિત્યમ્’માં માનતા નથી. તેમનો જન્મ ગુજરાતના સાવરકુંડલા નજીક ગામ પણ ન કહેવાય તેવા જંગલ વિસ્તારમાં થયો હતો અને આ ભાડેશ્વર મહાદેવના ભક્તિક્ષેત્રમાં તેમણે એક લાખ જેટલા બિલિવૃક્ષોના જંગલનું સર્જન કર્યું છે.

ગુજરાતી અને હિન્દી ભાષામાં કથા કહેતા ગિરિબાપુ કહે છે કે ભગવાન શિવ ભોળાનાથ છે અને જલ્દી રીઝે છે. તેમની ભક્તિ કરવી સરળ છે અને શિવલીલાઓ પણ સુંદર છે. શિવજી મહાયોગી હોવાની સાથોસાથ સુંદર પારિવારિક જીવનનો પણ ઉપદેશ આપે છે. સ્મશાનવાસી શિવ જીવનની ક્ષણભંગુરતા સમજાવે છે. દેવાધિદેવ શિવજીના દરબારમાં પ્રાણીઓ પણ છે, અસુરો, માનવીઓ અને દેવો પણ છે. શિવજી સહુના છે. મહાદેવ અધૂરા નથી, પરિપૂર્ણ છે અને જીવનના પ્રેરણાદાતા છે. જીવનું શિવ સાથે મિલન કરાવવું એ જ આ શિવકથાનો સાર છે. કથા માનવજીવનનું રસાયણ છે અને આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠ પરંપરા છે. કથાના માધ્યમથી લોકોના જીવન પણ બદલાઈ જાય છે.

તાજેતરમાં દક્ષિણ ભારતના કેટલાક રાજકીય નેતાઓએ ‘સનાતન ધર્મનો સફાયો કરી નાખો’ જેવા ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા. આ બાબતે પ્રશ્નના ઉત્તરમાં ગિરિબાપુએ જણાવ્યું હતું કે,‘સનાતન ધર્મને ખતમ કરવાનું શક્ય જ નથી. સનાતનનો પ્રારંભ જ શિવજી થકી થયો છે. તેનો અંત કદી નહિ થાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter