'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના (LCSL) ઉપક્રમે તા. ૨૪મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૮૦ વર્ષ કરતા વધુ વયના ૪૭ જેટલા વડિલોનું ક્રોયડનના મેયર શ્રીમતી મંજુલ શાહુલ-હમીદ, ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડ અને ક્રોયડન સેન્ટ્રલના એમપી ગેવિન બાર્વેલના વરદ હસ્તે લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી. રાયચૂરા સેન્ટર, ક્રોયડન ખાતે શાનદાર સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સૌનું સન્માન કરાયા બાદ ભક્તિ ગીત 'ભૂલો ભલે બીજુ બધું મા બાપને ભૂલશો નહિં' ના ગાન સાથે મંચ પર ઉપસ્થિત એમપી શ્રી સ્ટીવ રીડ અને અન્ય અગ્રણીઅોએ હોલમાં ઉપસ્થિત ૪૭ સન્માનનીય વડિલોની આરતી ઉતારતા હોલમાં ઉપસ્થિત સૌ કોઇએ ઉભા થઇને વડિલોનું બહુમાન કરતા બધાની આંખો ભીની થઇ ગઇ હતી.
આ સમારોહમાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સાઉથ લંડન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનને પી.વી. રાયચૂરા સેન્ટર માટે વિશાળ ધનરાશીનું દાન કરવા બદલ શ્રીમતી કલાબેન રાયચૂરા, ગુજરાતી ભાષાના પ્રસાર-પ્રચાર અને આપણી સંસ્કૃતિના સિંચન માટે આપેલી સેવાઅો બદલ શ્રી રમણિકભાઇ ગણાત્રા તેમજ LCSLના પ્રમુખ શ્રી પિયુષભાઇ ચોટાઇનું સાઉથ લંડન વિસ્તારમાં હોલ-સેન્ટરના નિર્માણ માટે આપેલી સેવાઅો બદલ અને અન્ય સામાજીક ધાર્મિક કાર્યોમાં તેમના પરિવાર તરફથી અપાતી ઉદાર સખાવતો બદલ 'કર્મયોગી સન્માન' એનાયત કરાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ વિધિવત રીતે ક્રોયડનના મેયર શ્રીમતી મંજુલ શાહુલ-હમીદ, શ્રી સીબી પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ચોટાઇ અને લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના યુવાન સેક્રેટરી શ્રી અજયભાઇ ગણાત્રાએ દિપ પ્રગટાવીને કર્યો હતો.
૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સન્માન કરતા પૂર્વે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ક્રોયડનના મેયર શ્રીમતી મંજુલ શાહુલ-હમીદે જણાવ્યું હતું કે 'ખૂબજ અનોખા અને જરૂરી એવા આ સન્માન સમારોહમાં આપ સૌ માતા-પિતા તુલ્ય વડિલોનું સન્માન કરતા હું આનંદ સાથે ગર્વની લાગણી અનુભવું છું. આપ સૌને જાણીને આનંદ થશે કે મારી પસંદગીની ચેરીટી સંસ્થા 'એજ યુકે' છે અને તેના સેવા કાર્યો સાથે જોડાવાથી અને ભારતીય મૂળની હોવાના નાતે આપણા સમાજના વિવિધ ક્ષેત્રના વડિલો સાથે હું ખૂબજ નિકટતા ધરાવું છું. વડિલોએ આપણને જે આપ્યું છે તે કોઇ જ આપી શકે તેમ નથી. મારા અનુભવે મને જણાયું છે કે આજે વડિલોને જરૂર છે તેમની સાથે વાત કરે અને તેમના સુખદુ:ખ વહેંચે તેવી વ્યક્તિની. તેમને બીજુ કશુંજ જોઇતું નથી. બસ પ્રેમ જોઇએ છે. આ કાર્યક્રમનું આયોજન કરનાર 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન'ના આયોજકોને હું ખરા દિલથી અભિનંદન પાઠવું છું.'
સમગ્ર કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'આપણે ગુજરાતીઅો અને ભારતીયો ખૂબજ શાંતિપ્રિય છીએ અને તેની સાબીતી એ છે કે આ દેશની જેલોમાં કેદીઅોની કુલ સંખ્યામાંથી આપણી સંખ્યા માત્ર ૦.૦૨ ટકા જ છે. તે દર્શાવે છે કે આપણા વડિલોએ આપણામાં ખૂબ જ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે. આપણામાં મુલ્યોનો ખજાનો ભરેલો છે. આ હોલ માટે અને સમાજના વિવિધ કાર્યો માટે ધામેચા ભાઇઅોએ, કલાબેન રાયચૂરા, માધવાણી પરિવાર અને અન્ય લોહાણા આગેવાનોએ ઉદાર સખાવતો અને સેવા કરી છે. અમે આ અગાઉ આવા જ બે સન્માન સમારોહ હેરોમાં કરી ચૂક્યા છીએ. આજે વડિલોની આરતી કરીએ છીએ તેની પાછળનું સાચુ કારણ એ છે કે અમે સૌ વડિલોમાં પરમાત્મા અને માતા-પિતાના દર્શન કરીએ છીએ અને તે માટે અમે સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ.'
લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના પ્રેસિડેન્ટ શ્રી પિયુષભાઇ ચોટાઇ વતી મંચ પર ઉપસ્થિત રહેલા LCSLના સ્થાપક સેક્રેટરી અને ભૂતપૂર્વ પ્રમુખ તેમજ લોહાણા કોમ્યુનિટી યુકેના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ ચોટાઇએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે 'આજે આ કાર્યક્રમ યોજવાનો જે લાહવો અમને મળ્યો છે તે ખરેખર અદ્વિતીય છે. અમારા સૌ વડિલોના આશિર્વાદ થકી જ આ હોલનું નિર્માણ કરી શક્યા છીએ. વડિલોના આદર સત્કાર, સેવા કરવી અને તેમનું સન્માન કરવું તેજ આપણી સંસ્કૃતિ છે. શ્રી સીબીએ અમને આ સરસ કાર્ય માટે ભાગીદાર બનાવ્યા તે માટે હું તેમનો આભારી છું. અમારું આ સુંદર પીવી. રાયચૂરા સેન્ટર હવે તૈયાર થઇ ગયું છે અને હવે દર મંગળવારે વડિલો માટેની પ્રવૃત્તિ, દર બુધવારે મહિલાઅોની પ્રવૃત્તિઅો, જલારામ ભજન, યુવાનો માટે સ્પોર્ટ્સ ક્લબ શરૂ કરાઇ રહી છે. આ ઉપરાંત અમે લગ્ન, સગાઇ, સાંજી, ગરબા, ભજન માટે પણ હવે હોલ ભાડે આપનાર છીએ. જેમાં કિચન, ટેબલ ખુરશી સહિતની સંપૂર્ણ સગવડો છે.'
સમારોહમાં ઉપસ્થિત રહેલા ક્રોયડન સેન્ટ્રલના એમપી શ્રી ગેવિન બાર્વેલે ઉપસ્થિત વડિલોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે 'આપ સૌ વડિલો પાસેથી ખરેખર અમારે બહુ શિખવાનું છે. આપ સૌએ બ્રિટનની સફળતા માટે બહુ જ સુંદર યોગદાન આપ્યું છે. કમનસીબે મારા બાળકોની પાસે દાદા નથી, પરંતુ આપ સૌ ખુબજ નસીબદાર છો કે તમારી પાસે દાદા-દાદી અને સંયુક્ત પરિવારના સુખ, અનુભવ, મુલ્યો, સંસ્કારના તમામ લાભો છે. ક્રોયડન અને લંડન સહિત દેશભરમાં વિશાળ ભારતીય સમુદાય છે. આપ સૌ આવાને આવા વધુને વધુ કાર્યક્રમોનું આયોજન કરો અને જેમણે આપણી સફળતા માટે વિશેષ યોગદાન આપ્યું છે તેની સફળતાની સરાહના કરો તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઅો અને અભિનંદન.'
ક્રોયડન નોર્થના એમપી શ્રી સ્ટીવ રીડે વડિલોને સન્માન અર્પણ કરતા જણાવ્યું હતું કે 'આજે આપણે જેમનું સન્માન કરી રહ્યા છીએ તે સૌ વડિલો પાસે એક અનોખી સુઝ હોય છે. આપણા વડિલો પાસે જે અનુભવનું ભાથુ છે, પાકટતાભર્યુ કૌશલ્ય છે તેનો આપણે લાભ લેવાનો છે. કમનસીબે આપણે તેમને ભુલી ગયા છીએ. આજે જમાનો બદલાઇ ગયો છે, પરંતુ આપણે પહેલાના સમયના, આપણા વડિલોએ આપેલા મુલ્યો પાછા લાવવાના છે અને સમાજને બદલવાનો છે. આપણે પારિવારીક મુલ્યોને યાદ કરીને તેનો અમલ કરવાનો છે. આજે આપણા સમાજને એક પરિવારની જરુર છે. આપ અહિં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સન્માન કરો છો તે ખરેખર ગર્વ સાથે આનંદની વાત છે અને હું આ મંચ પરથી તમામ વડિલોને સન્માન સાથે વંદન કરૂ છું.'
કાર્યક્રમના પ્રારંભે આ સમારોહના કો-અોર્ડીનેટર અને 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર શ્રી કમલ રાવે ૮૦ વર્ષથી વધુ વયના વડિલોના સન્માન સમારોહના આયોજન પાછળના હેતુ અંગે માહિતી ભાવપૂર્વક રજુ કરી હતી.
આ પ્રસંગે ગુજરાતી લોકસાહિત્યને રજૂ કરતા યુવાન કલાકાર શૈલેષભાઇ સગરે વિવિધ દ્રષ્ટાંતો સાથે સૌરાષ્ટ્રની તળપદી લોકબોલીમાં અસ્ખલીત પ્રવાહે માતા પિતા અને વડિલોએ આપણા સૌમાં સિંચેલા સંસ્કારો અને માતા-પિતાના મુલ્ય અને મહત્વ વિષે ખૂબ જ મનનીય પ્રવચન કરતા તાળીઅોના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના યુવાન સેક્રેટરી શ્રી અજયભાઇ ગણાત્રાએ સૌ વડિલો અને માનવંતા મહેમાનોને આવકાર આપતાં જણાવ્યું હતું કે આ હોલ આપ સૌનો છે અને અમે આપ સૌની સેવા માટે કટિબધ્ધ છીએ. આપ વિવિધ પ્રસંગો માટે વિના સંકોચે જરૂર જણાય ત્યારે હોલનો ઉપયોગ કરી શકો છો.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે ૪૩ વર્ષ પૂર્ણ કરનાર 'ગુજરાત સમાચાર અનેે એશિયન વોઇસ'ની સોનેરી સફર અને પ્રકાશનો દ્વારા થયેલા વિવિધ સિમાચિહ્ન સમાન સેવા કાર્યો અંગે માહિતી આપી સૌને સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞમાં હોંશભેર જોડાવા અપીલ કરી હતી.
કાર્યક્રમનું બીજુ આકર્ષણ બન્યા હતા યુવાન ગાયક કલાકાર પ્રિયેશ શાહ. પ્રિયેશ શાહે તેમની ખુદની અોડીયો સીડીમાંથી પસંદ કરેલા ચુનંદા ભક્તિ ગીતો 'ઘૂણી રે ધખાવી બેલી હરી તારા નામની, તુ રંગાઇ જાને રંગમાં, ભૂલો બલે બીજુ બધું...' રજૂ કરતા હોલ તાળીઅોના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લક્ષમાં લઇને પ્રિયેશે 'એ મેરે પ્યારે વતન' પણ રજૂ કર્યું હતું. તો બીજી તરફ ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે સૌએ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.
કાર્યક્રમના અંતે કમલ રાવે આયોજનમાં ખૂબજ સુંદર સહકાર આપનાર લોહાણા અગ્રણીઅો સર્વશ્રી પિયુષભાઇ ચોટાઇ, અજયભાઇ ગણાત્રા, નરેન્દ્રભાઇ ચોટાઇ, લોહાણા કોમ્યુનીટી સાઉથ લંડનની કમીટી મેમ્બર્સ તેમજ લેડીઝ ગૃપના સદસ્યો, રીસેપ્શન પર સેવા આપનાર યુથ મેમ્બર્સ નિરજ રૂપારેલીયા, કિશન ગણાત્રા અને કુનલ રૂપારેલિયા, ભોજન માટે સ્પોન્સર શીપ આપનાર નોર્બરીની યુનિવર્સલ એસ્ટેટ એજન્સીના સુશ્રી હીનાબેન વડગામા અને સંસ્થાના પ્રમુખ શ્રી પિયુષભાઇ ચોટાઇ તેમજ રસોઇ પૂરી પાડનાર હેરો સ્થિત કિર્તી કેટરીંગના જયાબેનનો આભાર માન્યો હતો.