ગુજરાત સમાચાર અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી GCSEના વિદ્યાર્થીઅો માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

Tuesday 24th April 2018 12:59 EDT
 
 

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી યુકેના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧૭મી જૂન ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે. વિજેતા વિદ્યાર્થીને આઇપેડથી લઇને અન્ય પ્રત્સાહક ઇનામો અપાશે.

આપ સૌ જાણો છો કે ગુજરાતી ભાષાની ગરિમાને જાળવવાનો અને માતૃભાષા વિષે જાગૃતતા ફેલાવવાનો ‘ગુજરાત સમાચાર’ની સતત પ્રયાસ રહ્યો છે. બ્રિટન જેવા અને ક્યારેક આપણા માટે નવા એવા આ દેશમાં માતૃભાષા ગુજરાતી શિખવવા માટે કંઇ કેટલીય સંસ્થાઅો કાર્યરત છે અને ગુજરાતી ભાષાના વર્ગો પણ ચાલે છે. પરંતુ ગુજરાતીની GCSE અને A Levelની પરિક્ષાઅો આપતા આપણા વિદ્યાર્થીઅોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. ગુજરાતી ભાષાની પરિક્ષાઅો આપવા માટે વિદ્યાર્થીઅોમાં ઉમંગ આવે અને વધુને વધુ વિદ્યાર્થીઅો તેમના વિસ્તારોની સ્થાનિક સેવાભાવી શાળાઅોમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરે તેમજ ઘર ઘરમાં ગુજરાતી બોલવામાં આવે તે આશયે ગુજરાત સમાચાર દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવે છે. જે પૈકી વકૃત્વ સ્પર્ધાનું આયોજન સૌ પ્રથમ છે.

અમારો પ્રયાસ છે કે આવા કાર્યક્રમો અંતર્ગત સૌ વિદ્યાર્થીઅો એક સાથે એક છત્ર હેઠળ ભેગા થાય અને પોતાના વિચારોની એક બીજા સાથે આપલે કરે. વકૃત્વ શક્તિ પોતાના વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જ આવશ્યક છે પછી તે ગુજરાતી ભાષામાં જ કેમ ન હોય.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ તેમની ગુજરાતી શાળા મારફત પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર (Certificate of Appreciation) આપવામાં આવશે અને પ્રથમ વિજેતાને ipad ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઈનામો અંગે પણ વિચારણા ચાલી રહી છે. વિજેતા વિદ્યાર્થીની પસંદગી અંગે સ્વતંત્ર નિર્ણાયક સમિતિનો નિર્ણય આખરી રહેશે. વિજેતાની પસંદગી ભાષાશુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ, સ્વતંત્ર વિચારો, સમયમર્યાદા અને આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સહયોગી સંસ્થા માકૃપા ગુજરાતી શાળા દ્વારા દર રવિવારે સવારે ૧૦થી ૧૨ દરમિયાન ગુજરાતી શાળાના વર્ગો ચલાવવામાં આવે છે.

આપના પ્રવેશપત્ર તા. ૩૧-૫-૨૦૧૮ સુધીમાં ગુજરાત સમાચાર કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા વિષે વધુ વિગતો જાણવા અને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે સહાય કરવા માંગતા હો અથવા સોનેરી સૂચનો રજૂ કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી છે.

કલ્પેશ પાંઢી - [email protected] / 0789 49 89 103

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177

કમલ રાવ [email protected] / 07875 229 211


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter