બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી
•••
મારું પ્રિય ‘ગુજરાત સમાચાર’
મારા પ્રિય સખા ‘ગુજરાત સમાચાર’, વર્ષગાંઠ પ્રસંગે તને ભેટ તરીકે શું આપું તે વિચાર્યું તો થયું ચાલને મારા થોડા શુભ વાક્યોની ભેટ આપી, સુશોભિત કરું. સખા, તું તો દર અઠવાડિયે ભાવતા ભોજનીયા ભરેલો છપ્પનભોગનો રસથાળ લઇને આવે છે. એ ભર્યું ભાણું હું ને મારી ખુરશી, મસાલાવાળી ચાય... ને ધીમે વાગતો મારો સંસ્કાર રેડિયો... પાનું પૂરું થાય ત્યારે સાચું કહું તો હું મારી આંગળીથી તને ફેરવતી નથી, પણ સ્મિત કરીને વ્હાલથી હલ્કી ફૂંક મારીને પાનું ઊથલાવું છું. દરેક પાને નવા નવા રૂપનું વાંચન કરું છું. મારા મનને મોહિત કરીને, તારી પ્રશંસા કરી ખૂબ ખૂબ ધન્ય થાઉં છું. મારી પ્રભુને પ્રાર્થના છે કે તું હરહંમેશા, શબ્દોથી, સમાચારો ને વાંચનના ભંડારથી મહેંકતું રહે ને અમારા જેવાઓને પ્રોત્સાહ આપતું રહે.
આ વાંચનરથના હાંકનાર ભાઈશ્રી સી.બી. પટેલ અને એમના સહુ સાથીદારોને ધન્યવાદ.
‘ગુજરાત સમાચાર’ તું તો આશાઓથી ભરેલી નવી સવારનું મારું સ્મિત છે.
આપણામાં કહેવાય છે ને ‘હસતું મન’ અને ‘હસતું હૃદય’ એ જ આપણી સાચી સંપત્તિ. એના પર ઈન્કમટેક્સની રેઈડ ક્યારેય નથી પડતી! એટલે તો આપણું આ સંગાથી મને તો હસતા અને ખુશ રાખતાં શીખવે છે. મને જીવંત રાખે, ધબકતી રાખે છે. જેમ મનુષ્યને ભૂખ લાગે ત્યારે રસોડામાં જઈને જમવાનું બનાવીને આરોગે ને ભૂખ સંતોષે તેમ જ્યારે મારું મન આડુંઅવળું અટવાતું હોય ત્યારે મનને સ્થિર કરવા ‘ગુજરાત સમાચાર’નો સથવારો અનિવાર્ય બની જાય છે. તેને હાથમાં લઈ પાનાં ફેરવતાં જ્ઞાનનો એટલો બધો સંગ્રહ મળી રહે છે ભટકતું મન સ્થિર કરી દે છે. જય હો આપણી માતૃભાષાનું, જય હો આપણા સહુના વ્હાલા ‘ગુજરાત સમાચાર’નું... મારા સંગાથી તને કોટિ કોટિ વંદન અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ કે તું હંમેશા ફૂલતુંફલતું રહે ને પૂરા વિશ્વમાં પ્રગતિ કરે. અત્ર-તત્ર-સર્વત્ર તારું નામ ગુંજતું રહે અને તારા પર લોકોની પ્રેમભરી શુભકામનાઓ સદૈવ વરસતી રહે. - મીનાક્ષી ચાંપાનેરી (સ્કોટલેન્ડ)
•••
આજના શુભ સમાચારઃ ભૂલો ભલે બીજું બધું ‘ગુજરાત સમાચાર’ને ભૂલશો નહીં
મારી ઉંમર 91 વર્ષ છે અને દર સપ્તાહે આપણું ‘ગુજરાત સમાચાર’ અચૂકપણે વાંચું છું. તમારા અહેવાલો અને રસપ્રદ રજૂઆત મને સિટીંગ રૂમમાંથી બહાર નીકળ્યા વગર જ દુનિયાના વિવિધ સ્થળોના પ્રવાસે લઇ જાય છે. મારા માટે તો આ દર અઠવાડિયે યાત્રા જેવું છે. ‘ગુજરાત સમાચાર’ મને ઘર બેઠાં દુનિયાના સારાં કે માઠાં સમાચારથી વાકેફ કરે છે. આપણા ધર્મના મંદિરોની યાત્રા કરાવીને પૂણ્યનું ભાથું બંધાવે છે. પરિણામે મારા ‘જલારામ બાપા’ મારો હાથ પકડીને તેમના રથમાં બેસાડી એમના ધામમાં જરૂર લઈ જશે. તમને બધાયને સહપરિવાર મારા બ્લેસિંગ કે ભગવાન તમને રિદ્ધિસિદ્ધિ, સુખશાંતિ અર્પે. દરેક ગુજરાતી પરિવારના ઘરમાં ‘ગુજરાત સમાચાર’ વંચાય એ જ અંતઃકરણપૂર્વક પ્રાર્થના. - કુસુમબેન વારિયા