લંડનઃ ઓનલાઈન ડેટીંગ સાઈટ મારફતે મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી બનાવટી વેપારમાં તેમના નાણાનું રોકાણ કરાવવાની લાલચ સાથે અંદાજે ૪૪૦,૮૨૪ પાઉન્ડની છેતરપિંડી આચરનારા ગુજરાતી મૂળના ૪૨ વર્ષીય ઠગ વિમલ પોપટને હેરો ક્રાઉન કોર્ટે ૨૪ સપ્ટેમ્બર ગુરુવારે કુલ ચાર વર્ષ અને ચાર મહિનાની સજા ફટકારી હતી. તેને નવ ગુના માટે ૧૦ ઓગસ્ટે દોષિત ઠરાવાયો હતો.
લંડનની પશ્ચિમે આવેલા સોલ્ટ હિલ ડ્રાઈવ, સ્લાઉના રહેવાસી વિમલ પોપટે Bumble જેવી ડેટિંગ એપ્સનો ઉપયોગ મહિલાઓ સાથે સંપર્કો કેળવવામાં કર્યો હતો. કદી વેપાર નહિ કરનારો અને પોતાને સફળ ફોરેક્સ ટ્રેડર ગણાવતો પોપટ ઓનલાઈન મિત્ર બનાવેલી મહિલાઓ સાથે પ્રેમનું નાટક કરી તેમનો વિશ્વાસ જીત્યા પછી તેમને પોતાના કથિત વેપારમાં નાણા રોકવા દબાણ કરતો હતો.
પોલીસ કહે છે કે તેનો શિકાર બનેલી મહિલાઓની સંખ્યા વધુ હશે પરંતુ, ઘણી મહિલા ફરીયાદ કરવા પણ આગળ આવી ન હતી. પોપટના આઠ શિકારમાંથી છ મહિલા હતી અને તેમાંથી ચાર મહિલાના મગજમાં તેમને ખૂબ પ્રેમ કરતો હોવાનું તેમજ કરન્સીના વેપારમાં રોકાણ કરવાથી અઢળક નફાની લાલચ ઠસાવી દેતાં તેઓ નાણા રોકવા તૈયાર થઈ હતી. તેણે પોતાનો વેપાર ભારે સફળ હોવાનું દર્શાવતા બનાવટી બેન્ક દસ્તાવેજો પણ તૈયાર કર્યા હતા. પોપટે તેના બેન્કખાતામાં જમા કરાયેલા નાણાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા અને કેસિનોમાં જુગાર રમવા કર્યો હતો. રોકાણ કરનારી મહિલાઓએ નફાની વાત કરી ત્યારે પોપટે માંદગી અથવા અકસ્માત સહિતની વિવિધ બહાનાબાજી શરુ કરી હતી.
મેટ્રોપોલીટન પોલીસના કહેવા મુજબ પોપટે ૨૦૧૩થી મહિલાઓ સાથે ઠગબાજી શરુ કરી અને ૨૦૧૫-૧૬માં બંધ કરી હતી. જોકે, આ પછી ૨૦૧૯ના વર્ષમાં તેણે ચાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી. મહિલાઓ ઉપરાંત, તેણે પોતાના સંબંધી, પૂર્વ સાથીદાર અને પૂર્વ પાડોશીને પણ છોડ્યા ન હતા. પારિવારિક લગ્નમાં મળેલા એક સંબંધી સાથે કરન્સી વેપારની ઊંચી વાતો કરી તેને આંજી દીધો હતો અને તેની પાસેથી ૩૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ પડાવી હતી. હેન્ડોનસ્થિત ઈકોનોમિક ક્રાઈમ યુનિટના ઓફિસરોએ તેને પાંચ માર્ચે ઝડપી લીધો હતો.


