લંડનઃ સાંસદ ગેરેથ થોમસે યુકેમાં વિદ્યાર્થીઓને સાઉથ એશિયન ભાષાઓ શીખવવા સરકારી કાર્યવાહીની હિમાયત કરી છે. તેમણે ખાસ કરીને, ગુજરાતી, ઉર્દુ, બંગાળી, પંજાબી, તામિલ અને હિન્દી સહિતની સાઉથ એશિયન ભાષાઓમાં ઈન્વેસ્ટમેન્ટની હાકલ કરતા કહ્યું છે કે આપણે સાઉથ એશિયામાં ગાઢ વેપાર અને સુરક્ષા સંબંધો વિકસાવવા ઈચ્છીએ છીએ ત્યારે સાઉથ એશિયન ભાષાઓ બોલવાની ક્ષમતાનું મહત્ત્વ વધી જાય છે. યુકેસ્થિત ભારતીય ડાયસ્પોરા યુકે અને ભારત વચ્ચે વધુ સાંસ્કૃતિક અને બિઝનેસ સંપર્કોના નિર્માણનો પાયો રચે છે પરંતુ, યુકેમાં સાઉથ એશિયન ભાષાઓની વ્યાપક સમજણનો અભાવ અવરોધ બની રહ્યો છે.
કન્ઝર્વેટિવ સરકારના ગત પાંચ વર્ષમાં હાલ પંજાબી, બંગાળી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, તામિલ, પશ્તુ અને ડારી ભાષાઓને શીખવવા કોઈ પ્રત્યક્ષ ભંડોળ અપાતું નથી. વર્ષ 2013થી 2018ના ગાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. ગુજરાતી GCSEમાં 42 ટકા, બંગાળી 58 ટકા અને ઉર્દુમાં 16 ટકાનો ઘટાડો થયો છે. સાઉથ એશિયન ભાષાઓ શીખવવાની જવાબદારી મંદિરો, મસ્જિદો અને વીકએન્ડ શાળાઓ મારફત ડાયસ્પોરા કોમ્યુનિટીના ખભા પર જ છે. તેમની કામગીરી સરાહનીય છે પરંતુ, સરકાર તરફથી પૂરતો સપોર્ટ મળવો જરૂરી છે. પતન થયું છે તેવી અન્ય ભાષાઓ મેન્ડેરિન અને લેટિનને સરકારનો સપોર્ટ અપાયો છે ત્યારે સાઉથ એશિયન ભાષાઓને પણ આવા સપોર્ટની જરૂર છે તેમ સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું.


