લંડનઃ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ચેશાયરના ૨૬ વર્ષના ગુજરાતી યુવાન હિતેશ પટેલ અને તેના બે સાથી બિલાલ ખાન (૩૨) અને ઉમર ઝહીર (૩૩)ને મોટા પાયે ગેરકાયદે શસ્ત્રસરંજામ રાખવાના આરોપસર બુધવાર, ૨૧ ઓક્ટોબરે માન્ચેસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. લંડનમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. લોકો માટે જોખમ અને વ્યક્તિઓને ઇજા પહોંચાડવાના કાવતરાં સબબે નેશનલ ક્રાઇમ એજન્સી (NCA) દ્વારા લાંબા સમયની તપાસના અંતે આ કાર્યવાહી કરાઈ હતી. તપાસના ભાગરુપે ચોથા સાથીદાર ચેશાયરના નિવાસી બ્રિટિશ નાગરિક રોબર્ટ બ્રાઝેન્ડેલ (૩૩)ની સ્પેનમાંથી યુરોપિયન એરેસ્ટ વોરન્ટના આધારે ધરપકડ પછી રિમાન્ડ માટે કસ્ટડીમાં મોકલી અપાયો છે અને હવે તેને બ્રિટન મોકલવા પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરાશે.
અધિકારીઓએ એપ્રિલમાં ચેશાયરના વોરિંગ્ટનના કોમર્શિયલ બિલ્ડિંગમાં છુપાવેલા એકે ૪૭ એસોલ્ટ રાઇફલ સહિત મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત કર્યા હતા. તે જ મહિનામાં પણ અધિકારીઓએ લંડનમાં એક ઉઝી અને સ્કોર્પિયન સબ મશીનગન, ૩૦૦ રાઉન્ડ ગોળીઓ, ૧૮૦,૦૦૦ પાઉન્ડ રોકડ અને એક કિલો કોકેન જપ્ત કર્યા હતા. જૂનમાં માન્ચેસ્ટર ખાતેથી બીજી એકે ૪૭ એસોલ્ટ રાઇફલ જપ્ત કરાઈ હતી.
NCAના ઓપરેશન્સ મેનેજર નીલ ગાર્ડનરે કહ્યું હતું કે,‘ 'આ વર્ષના જુલાઇમાં જાહેર કરાયેલા ઓપરેશન વેનેટિક હેઠળ NCAની લાંબા સમયની તપાસના અંતે પોલીસની મદદ સાથે સૌથી ઘાતક મનાતા શસ્ત્રો જપ્ત કર્યા હતા. આપણા દેશ અને સમાજમાં શસ્ત્રો ઘૂસાડતા અપરાધીઓને અમે નિશાન બનાવતા રહીશું.’ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ ઓપરેશનની વ્યાપકતા જાણવા સાથે જુલાઈમાં જણાવ્યું હતું કે,‘એનસીએના શસ્ત્રો શોધવાના અથાગ પ્રયાસોના કારણે આપણને સહુને સલામત રાખવામાં મદદ મળે છે. હું તેમને આ બહાદૂરીપૂર્ણ કામગીરી કરવા બદલ અભિનંદન આપું છું.’
ઓપરેશન વેનેટિકના ભાગરુપે ચાલુ વર્ષની શરુઆતમાં એન્ક્રોચેટ સંદેશા વ્યવહારની વૈશ્વિક એન્ક્રિપ્ટેડ સેવાના રહસ્યો શોધવા એજન્સીએ કામગીરી કરી હતી. બ્રિટનમાં અંદાજે ૧૦,૦૦૦ સહિત વિશ્વભરમાં એન્ક્રોચેટના ૬૦,૦૦૦ વપરાશકારો છે. આ સેવાનો ઉપયોગ મોટા ભાગે અપરાધી નેટવર્ક દ્વારા ગેરકાયદે માલસામાનના વિતરણ, મની લોન્ડરિંગ અને વિરોધી ક્રિમિનલ્સની હત્યાના કાવતરાં માટે થાય છે. NCA અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સાથે મળી યુરોપીય ઓપરેશન્સમાં એન્ક્રોચેટ સર્વરને બંધ કરાવવામાં સફળતા હાંસલ કરી હતી.