ગુરુ વંદનાઃ આધ્યાત્મિક ગુરુઓને સંગીતમય અર્પણવિધિનો કાર્યક્રમ

ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મહર્ષિ શ્રી અરવિંદની 150મી અને શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મજયંતીની ઉજવણી

Tuesday 06th June 2023 16:43 EDT
 
 

લંડનઃ ભારતમાં આધ્યાત્મિક ગુરુઓને ભક્તિમય ગીતો, સંગીત, શ્લોક-મંત્રો, કાવ્યો અને નૃત્યોના સ્વરૂપે અનોખા પ્રકારે સંગીતમય અર્પણવિધિ એ ગુરુ વંદના છે. આધ્યાત્મિક અને વિદ્વતાપૂર્ણ ગુરુઓની ઉજવણી ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ રાગ જ્યોતિ સંસ્થા દ્વારા મહાયોગી મહર્ષિ શ્રી અરવિંદની 150મી જન્મજયંતી તેમજ દત્તબાવની અને ગુરુલીલામૃતના રચયિતા શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. પૂજ્ય માતાજીના આશીર્વાદ સાથે રાગ જ્યોતિ દ્વારા રવિવાર 2 જુલાઈ, 2023ના દેવસે સાંજે 7.30 કલાકે લંડનના સાઉથ બેન્ક સેન્ટરના ક્વીન એલિઝાબેથ હોલમાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના આર્ટિસ્ટિક ડાયરેક્ટર રાકેશ જોશી છે.

આ કોન્સર્ટમાં દિવ્ય રાગો આધારિત પરંપરાગત ભારતીય અને પાશ્ચાત્ય વાદ્યોનો સમન્વય કરાશે જેમાં, સિતાર, વીણા, સંતૂર, મોહનવીણા, બાંસૂરી, તબલા, મૃદંગમ, પખવાજ, તાનપૂરા, હાર્મોનિયમ, વાયોલીન, વાયોલા, સેલો, હાર્પ અને પિયાનોનો સમાવેશ થાય છે. પ્રખ્યાત સંગીતકારો દ્વારા વેદિક શ્લોકો અને પવિત્ર સુમધુર ગીતો સાથે પ્રાચીન ભારતીય વૃંદસંગીતની રચનાઓ રજૂ કરાશે.

પૂજ્ય માતાજી અને મહર્ષિ શ્રી અરવિંદના આજન્મ ભક્ત રાકેશ જોશી તેમજ ભારતીય વૃંદ ગાનના પ્રતિભાશાળી વૃંદગાયકો અને પ્રતિષ્ઠિત સંગીતકારો દ્વારા ભક્તિસંગીતના ડિવાઈન લાઈટ (દિવ્ય પ્રકાશ)ના ગીતોની રજૂઆત કરવામાં આવશે. મહર્ષિ શ્રી અરવિંદ દ્વારા લિખિત મહાકાવ્ય ‘સાવિત્રી’ના વિષયવસ્તુ પર આધારિત ભારતીય નૃત્ય પણ રજૂ કરાશે જેની કોરિયોગ્રાફી ઉષા રાઘવન દ્વારા કરાઈ છે.

આ સલૂણી સાંજને લંડનના શ્ર અરવિંદ ટ્રસ્ટ તેમજ લંડનના શ્રી રંગ અવધૂત મહારાજના સ્થાનિક ભક્તગણ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. આપણા ગુરુઓના ચરણારવિંદોમાં સામૂહિક અર્પણ પ્રસંગે આપની ઉપસ્થિતિની આતુરતાથી રાહ જોવાશે. વધુ વિગતો માટે વેબસાઈટ www.southbankcentre.co.ukની મુલાકાત લેવા અથવા [email protected]નો સંપર્ક કરવા વિનંતી છે.

ભારત, યુએસએ, યુરોપ અને યુકેમાં મ્યુઝિક કોન્સર્ટ્સ પરફોર્મ કરનારા રાકેશ જોશી રાગ જ્યોતિ, શાસ્ત્રીય વાદ્ય વૃંદ અને વૃંદ ગાનના કલા નિર્દેશક છે. તેમણે પદ્મભૂષણ પંડિત અજોય ચક્રવર્તી, શ્રી શશાંક ફડનીસ, શ્રી બ્રિજ જોશી અને દિવંગત શ્રી દિનેશ મજમુદાર જેવા સંગીત ઉસ્તાદો પાસેથી ભારતીય સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેઓ 1999થી માન્ચેસ્ટરના ભારતીય વિદ્યા ભવન ખાતે ભારતીય સંગીત શીખવી રહ્યા છે.

યુકેમાં પ્રથમ ભારતીય ગાયકવૃંદની સ્થાપના 2014માં કરાઈ હતી જેમાં વયસ્ક ભારતીયો માટે ભારતીય વૃંદ ગાન (BVG) અને યુવાવૃંદ SHIVA છે. ફોર્મલ ઓડિશન અને આમંત્રણો થકી 50થી વધુ વયસ્ક અને 30 યુવા વૃંદગાયકોની પસંદગી કરાય છે જેઓ સાત ભારતીય ભાષાઓમાં ગીતોની રજૂઆત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter