લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા અનુસાર વિઝાની મુદત વીત્યે યુકેમાં ગેરકાયદે રોકાનારા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૫,૦૦૦થી પણ ઓછી છે. આના પરિણામે વિદેશી વિદ્યાર્થીઓની ગણતરી સરકારના ઈમિગ્રેશન લક્ષ્યાંકમાં ચાલુ રાખવાનો વડા પ્રધાન થેરેસા મેનો હઠાગ્રહ ખુલ્લો પડી ગયો છે. કન્ઝર્વેટિવ અને વિપક્ષી રાજકારણીઓએ ઈમિગ્રેશન મુદ્દે દરિયાપારના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા અનુરોધ કર્યો છે.
ONSનો નવો ડેટા બ્રિટિશ સરહદો પર નવી એક્ઝિટ ચેક્સ પર આધારિત છે, જે મુજબ માત્ર ૪,૬૦૦ વિદેશી વિદ્યાર્થી તેમના વિઝા પૂર્ણ થતા યુકેમાં ગેરકાયદે રોકાઈ ગયા હતા. અત્યાર સુધીના વર્ષોમાં આશરે ૧૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ ગેરકાયદે રોકાઈ જતા હોવાનો અંદાજ મૂકાતો આવ્યો છે. લિબરલ ડેમોક્રેટ નેતા અને કેમરન સરકારમાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર વિન્સ કેબલે વિદેશી વિદ્યાર્થીઓને દોષિત ગણાવી તેમના પર કોરડો વીંઝવા મુદ્દે તેમની માફી માગવા વડા પ્રધાન મેને જણાવ્યું છે.
નેટ માઈગ્રેશન હજારોની સંખ્યામાં નીચે લાવવા માટેના કન્ઝર્વેટિવ લક્ષ્યાકમાંથી દરિયાપારના વિદ્યાર્થીઓને બાકાત રાખવા ફિલિપ હેમન્ડ અને બોરિસ જ્હોન્સન સહિતના કેબિનેટ મિનિસ્ટર્સના આઈડિયાને પણ વડા પ્રધાન થેરેસાએ ફગાવી દીધાં હતાં. હવે હોમ સેક્રેટરી એમ્બર રડે વિદ્યાર્થીઓના આર્થિક ફાયદા વિશે નિષ્ણાત સમીક્ષા કરાવવાની જાહેરાત કરી છે, જેનો રિપોર્ટ એક વર્ષમાં આવશે. વડા પ્રધાન રિપોર્ટના આધારે પોતાનું વલણ બદલશે તેમ મનાય છે.


