બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ ૨૩ ઓક્ટોબરને ગુરુવારે ગઢડાથી ગોંડલ પધાર્યા હતા. ગોંડલ આવતા તેમણે જસદણ મંદિરની મુલાકાત લીધી હતી અને હરિભક્તોને દર્શન આપ્યા હતા. ગોંડલમાં પૂ. મહંત સ્વામી વહેલી સવારે નિત્યપૂજા કરે છે જેનો હરિભક્તો લાભ લઈ રહ્યા છે. શરદપૂનમ પૂ. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. તેને અનુલક્ષીને તા.૨૪ને બુધવારે શરદપૂનમ નિમિત્તે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૨૩૪મો શરદોત્સવ યોજાયો હતો. વક્તાઓ અને પ્રવચનકારોએ પૂ. ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કવનની વાત સાથે તેમના મહિમાની સમજ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગોંડલના રાજપરિવારના ત્રણ રાજવીઓ જ્યોતિન્દ્રસિંહજી, ગિરીરાજસિંહજી અને જ્યોતિર્મયસિંહજીએ પૂ. મહંતસ્વામીને પુષ્પમાળા પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં વિશેષ જળયાત્રાનું આયોજન કરાયું હતું, જેનો સંતો તથા હરિભક્તોએ લાભ લીધો હતો. રાજકોટમાં પૂ. પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવનું આયોજન કરાયું છે. રાજકોટના સંતોએ તેનું વિધિવત આમંત્રણ પૂ. મહંત સ્વામીને આપ્યું હતું. તા.૨૭ને શનિવારે સંસ્કૃત વિદ્વાન શ્રી ગજેન્દ્ર પંડાજીના પ્રવચનનું આયોજન કરાયું હતું. તેમણે ભદ્રેશ સ્વામીએ લખેલા ભાષ્ય ઉપરાંત અક્ષર પુરુષોત્તમ દર્શન વિશે હરિભક્તોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
તા.૨૮ને રવિવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાંવિદ્યામંદિર દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બીએપીએસ સ્વામીનારાયણ વિદ્યામંદિર, ગોંડલના વિદ્યાર્થીઓએ જો બાળકોને સંસ્કાર ન આપીએ તો કેવા ખરાબ પરિણામો ભોગવવા પડે તેવા ભાવને સંવાદ દ્વારા રજૂ કરી હતી. તે ઉપરાંત, બાળકોએ સ્વાગત નૃત્ય પણ કર્યું હતું. જેને નિહાળીને પૂ. મહંત સ્વામીએ બાળકોને આશીર્વાદ આપ્યા હતા.


