ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં તેઓ સ્વયંસેવક તરીકે તેમજ ભંડાળ એકત્રીકરણ અને પેશન્ટને હિંમત આપવાનું કાર્ય કરે છે. તેમને તાજેતરમાં જ હિલિંગ્ડન કોમ્યુનિટી એવોર્ડ્ઝમાં પ્રમોટિંગ હેલ્થ એન્ડ વેલબીઈંગ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો.
જોરદાર હિમાયત, ક્રીએટિવ વર્કશોપ્સ અને જાગૃતિના અથાક કેમ્પેઈન્સ થકી તેઓ વ્યાપકપણે ગેરસમજ, અવારનવાર ખોટાં નિદાન અને તદ્દન ઓછાં ભંડોળ ધરાવતી પરિસ્થિતિ માટે મહત્ત્વપૂર્ણ અવાજ બન્યાં છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં અમીષાબહેને ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવા છતાં, બચી જવાની યાત્રા વિશે જણાવતાં કહ્યું હતું કે,‘બ્રેઈન ટ્યુમર્સ બાળકો તથા 40થી ઓછી વયના પુખ્તો માટે સૌથી મોટા પ્રમાણમાં મોત લાવતું કેન્સર છે. 2005 અને 2010માં મારી બે સર્જરી પછી મને સમજાયું હતું કે પેશન્ટ્સ એક વખત હોસ્પિટલ છોડે તે પછી તેમને ઘણો ઓછો સપોર્ટ મળતો હોય છે. બદલાતા મિજાજ, ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ, એકાગ્રતાની સમસ્યા, થાક, માથાનો દુઃખાવો, અંશતઃ દૃષ્ટિસમસ્યા અને વ્યક્તિત્વમાં બદલાવ સહિત ઈમોશનલ અને માનસિક આઘાત દેખાઈ આવે છે. પરિવારને ચિંતા ના થાય તે માટે આ બધુ તમે જણાવતાં નથી.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ હું એક યુવા માતાને મળી જેનાં બે વર્ષના પુત્ર મેક્સ અર્લીને મહિના સુધી ખોટું નિદાન થયું અને દુઃખદ રીતે તેનું મોત થયું ત્યારે મારાં માટે મોટો વળાંક આવીને ઉભો રહ્યો. તેણે પોતાનાં બાળકને ખોટી અને ટાળી શકાય તેવી અનાવશ્યક પીડાદાયક પ્રોસીજર્સમાંથી પસાર થતાં નિહાળવાનું થયું. જો વેળાસર નિદાન થયું હોત તો બાળક બચી શક્યો હોત. મેક્સના સંદર્ભે જાગૃતિ અને સપોર્ટના અભાવ જેવી વાતોએ મને જાગૃતિ સર્જવા અને આવી જ લડાઈ લડતા અન્યોને મદદરૂપ થવાની હિમાયત કરવા તરફ દોરી હતી.
વેળાસર નિદાન જીવન બચાવી શકે
તેમણે કહ્યું કે, ‘ખોટાં નિદાનની સમસ્યા ઘણી ગંભીર છે. તમારે લક્ષણો વિશે જાણવું જોઈએ, આંખોની તપાસ કરાવવી, મગજનો MRI કરાવવો અને જરૂર પડે બીજો અભિપ્રાય પણ મેળવવો જોઈએ. વર્ષોના લક્ષણોના આધારે મારા ઓપ્ટિશિયને આખરે ટ્યૂમરનું નિદાન કર્યું હતું. નિદાન કરાયા પછી તમારે સપોર્ટ ગ્રૂપ અથવા ચેરિટી સાથે જોડાવું જોઈએ જેથી યાત્રા એકલાં ન કરવી પડે. બ્રેઈન ટ્યૂમર નહિ દેખાતી બીમારી છે. તમે ઉપરથી સારા લાગો, પરંતુ કોઈને તમારો આંતરિક સંઘર્ષ દેખાતો નથી.’
તેમણે જણાવ્યું હતું કે, ‘મને 2009માં બેકી હેગર દ્વારા ચલાવાતા સ્થાનિક સપોર્ટ ગ્રૂપની જાણકારી મળી હતી. તેમના પતિના બ્રેઈન ટ્યુમરનું સાઈટિકા તરીકે ખોટું નિદાન કરાયું હતું. વર્ષોના ફંડરેઈઝિંગ પછી આ ગ્રૂપ હવે ચેરિટીમાં ફેરવાયું છે. હું હવે ટ્રસ્ટી અને હિલિંગ્ડનમાં અમારી ચેરિટી શોપ ‘ધ સેન્ટર ઓફ હોપ’માં વોલન્ટીઅર તરીકે સેવા આપું છું. મારાં કાર્યોમાં પેશન્ટ્સને સપોર્ટ, સ્પોન્સરો સાથે સંપર્ક, આર્ટ્સ અને ક્રાફ્ટ્સ સે શન્સ, તેમજ સ્કૂલના મેળા અને ક્વિઝ નાઈટ્સ જેવાં ફંડરેઈઝિંગ ઈવેન્ટ્સના આયોજનમાં મદદ કરવાનો સમાવે શ થાય છે. હું જાહેર વક્તવ્યો થકી જાગરુકતા ફેલાવું છું.
બ્રેઈન ટ્યૂમરના સંશોધનને ઘણું ઓછું ભંડોળ
અમીષાબહેને જણાવ્યું હતું કે, ‘કેન્સર સંશોધનોનાં ભંડોળનો માત્ર 1 ટકા હિસ્સો બ્રેઈન ટ્યૂમર પાછળ ખર્ચાય છે. દરરોજ આશરે 35 વ્યક્તિ અને દર વર્ષે 13,000ને બ્રેઈન ટ્યૂમરનું નિદાન થાય છે. બાળકો લ્યુકેમીઆની સરખામણીએ બ્રેઈન ટ્યૂમરથી વધુ મરે છે, 35 વર્ષથી નીચેની સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સર કરતાં બ્રેઈન ટ્યુમરથી વધુ મરે છે, 70થી ઓછી વયના પુરુષો પ્રોસ્ટેટ કેન્સર કરતાં વધુ બ્રેઈન ટ્યુમરનો શિકાર બને છે. આમ છતાં, અન્ય કેન્સરોના સંશોધનોની સરખામણીએ બ્રેઈન ટ્યૂમર માટે ઓછું ભંડોળ મળે છે.
તેમણે કહ્યું હતું કે,‘મારાં પતિ અનિશ અને બે જોડિયાં બાળકો 20 વર્ષની મારી આ યાત્રામાં મારાં માટે સૌથી મજબૂત સપોર્ટ બની રહ્યા હતા. મારા પેરન્ટ્સ અને બહેનો, વિસ્તૃત પરિવાર અને મિત્રો પણ મારું પીઠબળ બની રહ્યાં. બેકી અને ચેરિટીએ મારું જીવન બદલી નાખ્યું. મારા હીરો તો મારા પિતા ડો. અમરત ગોકાણી હતા, જેઓ દરેક એપોઈન્ટમેન્ટમાં મારી સાથે આવતા અને તેમના આ ખરી દિવસો સુધી મારા ઉત્સાહને જગાવતા રહેતા હતા. મને આશા છે કે તેમને મારા વિશે ગર્વ થતો હોય.’


