ગોલ્ડન ટુર્સના નીતિનભાઈ પલાણ કોમ્યુનિટીઝની વહારે ચડ્યા

રુપાંજના દત્તા Wednesday 22nd July 2020 01:22 EDT
 
પત્ની કમુબહેન સાથે નીતિનભાઈ પલાણ MBE
 

લંડનઃ કોરોના મહામારીએ પ્રેરણારુપ બિઝનેસીસ અને વ્યક્તિઓની કહાણીઓ ઉજાગર કરી છે જેમણે પરિવર્તન લાવવામાં વિશેષ કર્તવ્ય બજાવ્યું છે. માર્ચ ૨૦૨૦માં લોકડાઉન જાહેર કરાયું ત્યાર પછી ઘણા બિઝનેસીસે તેમના શટર પાડવા પડ્યા અથવા કામગીરીની સ્વરુપ બદલવું પડ્યું હતું. બિઝનેસીસ નાણાકીય સહાય, આવશ્યક ચીજવસ્તુઓ અને PPE પૂરવઠો પૂરો પાડી તેમના કર્મચારીઓ, કસ્ટમર્સ અને વ્યાપક કોમ્યુનિટીને મદદ કરવાના પ્રયાસોમાં આગળ આવ્યા તેના વિશે આપણે ઘણું જોયું અને સાંભળ્યું છે. યુકે સરકારની નવી ગાઈડલાઈન્સ સાથે બિઝનેસીસ ચોથી જુલાઈથી ફરી ખુલ્યાં છે. આજે આપણે ગોલ્ડન ટુર્સના નીતિનભાઈ પલાણ MBEની કહાણી જાણીશું.

નીતિનભાઈ પલાણનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેઓ ૧૬ વર્ષના થયા ત્યારે પરિવાર સાથે સ્થળાંતર કરી યુકે આવ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ક્વોલિફિકેશન ધરાવતા નીતિનભાઈએ તેમના પત્ની કમુબહેન સાથે મળી ટ્રાવેલ બિઝનેસ, ગોલ્ડન ટુર્સની સ્થાપના કરી હતી. ૫૭ મિલિયન પાઉન્ડથી વધુ ટર્નઓવર સાથેની તેમની કંપનીમાં યુકેમાં ૨૫૦થી વધુ અને ભારતમાં ૮૦ કર્મચારી કામ કરે છે. લંડનની ટુરિસ્ટ સાઈટ્સ પર તેમની બસ અવશ્ય જોવા મળે છે. BAPS સ્વામિનારાયણ ટેમ્પલ માટે ઈન્ટર-ફેઈથ લીડર નીતિનભાઈ ગોલ્ડન ટુર્સ ફાઉન્ડેશનના ચેરમેન છે. શિક્ષણ, સાંસ્કૃતિક ધરોહર અને ઈન્ટર-ફેઈથ સંબંધોના ત્રિવેણી સંગમે નીતિનભાઈને ૨૦૧૩માં પલાણ ફાઉન્ડેશનની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. તેમના ફાઉન્ડેશને સારા કાર્યોના ઉદ્દેશ માટે ૪ મિલિયન પાઉન્ડથી વધુનું દાન આપ્યું છે.

નીતિનભાઈ માને છે કે ટુરિઝમ લોકો વચ્ચે સારી સમજ કેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. લોકડાઉનના કારણે તેમની ઓફિસો બંધ કરવી પડી ત્યારે તેમણે કોમ્યુનિટીની વહારે જવામાં જરા પણ સમય લગાવ્યો નહિ. નીતિનભાઈ માટે તેમના સ્ટાફનું ક્લાયણ પ્રાથમિકતા ધરાવે છે આથી, પોતાના તમામ કર્મચારીને ચોપડા પર રાખવા તેમમે યુકે સરકારની ફર્લો સ્કીમનો ઉપયોગ કર્યો હતો.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાત કરતા નીતિનભાઈએ જણાવ્યું હતું કે,‘ કોમ્યુનિટી પ્રત્યે મારી ફરજમાં મારા સ્ટાફ તરફની જવાબદારીનો પણ સમાવેશ થાય છે. આથી, અમે અમારા તમામ સ્ટાફ માટે ઓફિસમાં જ ફૂડ બેન્ક ઉભી કરી હતી જ્યાં તેઓ આવે અને જમી શકે. અમારા સ્ટાફમાંથી કોઈને તણાવ હોય કે નાણાકીય સમસ્યા હોય તે તેમના માટે સલાહ અને પરામર્શની પદ્ધતિ પણ ઉભી કરી હતી. કર્મચારી અમારા HR વિભાગના સ્ટાફને ફોન કરે જેઓ, તેમની ભાવનાત્મક અથવા નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવામાં સપોર્ટ કરે. અમે સારસંભાળની સિસ્ટમ બનાવી છે. એમે દર પખવાડિયે વેબિનાર યોજીએ છીએ. અમે અમારા ડ્રાઈવર્સને પણ દર ગુરુવારે આમંત્રણ આપીએ છીએ અને ભવિષ્ય કેવું લાગશે તે સમજવામાં મદદ કરીએ છીએ. યુકે સરકારે લોકોને પાર્ટ-ટાઈમ કામ કરવાની છૂટ આપી હોવાથી ગોલ્ડન ટુર્સની બહાર તેમના માટે નોકરી મળી શકે તેમ હોય તેની જાણ કરીએ છીએ.’

વંચિત અને અશક્ત લોકોને ફૂડ અને આવશ્યક ચીજવસ્તુઓ વહેંચતા મંદિરો અને અન્ય સંસ્થાઓને નાણાકીય યોગદાન કરવા ઉપરાંત, નીતિનભાઈએ હોસ્પિટલ વર્કર્સને PPE અને ટ્રાન્સપોર્ટની પણ મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે,‘અમે વોર્નર બ્રધર્સ સાથે ભાગીદારી કરીને ડોક્ટર્સ અને નર્સીસને વોટફર્ડ જનરલ હોસ્પિટલ સહિત ત્રણ હોસ્પિટલોએ લઈ જવા ત્રણ ડબલ ડેકર બસીસ પૂરી પાડી હતી. ફરતી રહેતી આ બસીસ રિસોર્સીસનો સહકાર કરતી આ હોસ્પિટલો વચ્ચે ફ્રન્ટલાઈન વર્કર્સને ટ્રાન્સફર કરતી હતી. બસીસ ઓન ડ્યૂટી હોય અને ફ્રન્ટલાઈન વર્કર્સ બસમાં બેસે તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ડ્રાઈવર્સ નીચે ઉતરી જતા હતા. અમારા ડ્રાઈવર્સની સલામતી માટે કોઈને લોઅર ડેક પર બેસવાની છૂટ ન હતી. અમે સાઉથમ્પ્ટન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સીસને આશરે ૫૦,૦૦૦ પ્લાસ્ટિક પ્રોટેક્ટિવ ગાઉન્સ પૂરાં પાડ્યાં હતાં.’

સામાન્ય રીતે જુલાઈમાં ગોલ્ડન ટુર્સ લંડનમાં દૈનિક ૬૦ બસ ચલાવે છે પરંતુ, ગત ત્રણ મહિનામાં તેમણે એડવાન્સ બૂકિંગ કરાવનારા કસ્ટમર્સને ૬ મિલિયન પાઉન્ડ પરત કરવાના થયા હતા. ચોથી જુલાઈએ તેમણે ફરીથી સેવા શરુ કરી ત્યારે રોડ પર માત્ર એક બસ હતી. નીતિનભાઈ કહે છે કે,‘અમારે શરુઆત કરવાની હતી. તમારા અસ્તિત્વ વિશે લોકો જાણે તે જરુરી બને છે. તેનાથી લોકોને બહાર આવવાની હિંમત મળે છે. જો ઓગસ્ટ મહિનામાં ડિમાન્ડ હશે તો ૧૦ બસ ચલાવીશું અને સપ્ટેમ્બરમાં ૨૦ બસ ચલાવવા સુધી પણ પહોંચીશું!’ જોકે, પેસેન્જર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખી કંપનીએ બસની નિયમિત સફાઈ માટે ફ્યુમિગેશન ઈક્વિપમેન્ટનો ઉપયોગ પણ શરુ કર્યો છે. કોઈ પણ પેસેન્જર બસમાં બેસવા જાય તે પહેલા નોન-કોન્ટેક્ટ ઈન્ફ્રારેડ થર્મોમીટરથી તેમનું તાપમાન માપવામાં આવે છે. તેઓ કહે છે, ‘બસની અંદર પણ અમારે ચોથા ભાગની બેઠક ખાલી રાખવા સરકારની ગાઈલાઈન્સનો અમલ કરવાનો રહે છે. દરેક વ્યક્તિ અપર ડેકમાં બેસે છે અને તેઓ અંદર પ્રવેશે તે પહેલા તેમના હાથ સાફ-સ્વચ્છ કરવા વિનંતી કરાય છે. તેમને પહેરવા માટે માસ્ક અને ગ્લોવ્ઝ મફત આપવામાં આવે છે.’

તેમણે જણાવ્યું હતું કે,‘ ગાઈડલાઈન્સને અનુસરી જે સ્ટાફ ઘેરથી કામ કરી શકે તેમ ન હોય તેમને જ અમારી સેન્ટ જેમ્સ પાર્ક ઓફિસમાં આવવા કહીએ છીએ. અમારો ૯૫ ટકા સ્ટાફ ઘેર રહીને કામ કરવામાં ખુશ છે. અમે તમામ સ્ટાફ સાથે સંપર્ક જાળવી રાખવા દર સોમવારે વેબિનાર યોજીએ છીએ. ત્રણ મહિનામાં પ્રથમ વખત શુક્રવાર ૨૬ જૂને અમે ઓફિસમાં મેનેજમેન્ટ મીટિંગ યોજી હતી જેમાં દરેક કર્મચારી રુબરુ હાજર હતા. આવી મીટિંગ હવે દર પખવાડિયે યોજાશે પરંતુ, અમે ચોકસાઈ રાખીએ છીએ કે મેનેજમેન્ટ સ્ટાફ માત્ર કારમાં જ આવે અને તેમના પ્રવાસ અને પાર્કિંગ માટે અમે ચૂકવણી કરીએ છીએ.’

સામાન્ય સંજોગોમાં, ‘વિઝિટબ્રિટન’ અનુસાર યુકેની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીનું વાર્ષિક મૂલ્ય આશરે ૧૨૭ બિલિયન પાઉન્ડ છે. તે ૨૦૦,૦૦૦ નાના અને મધ્યમ બિઝનેસીસને સપોર્ટ કરે છે અને યુકેના ૩.૧ મિલિયન લોકોને એટલે કે કુલ વર્કફોર્સના આશરે ૮ ટકાને રોજગારી આપે છે જે, કેટલાક વિસ્તારોમાં ૩૫ ટકા સુધી પણ હોય છે.

જોકે, ભવિષ્ય વિશે આશાવાદી નીતિનભાઈ કહે છે કે,‘કેટલોક સમય લાગશે પણ, હું પોઝિટિવ છું કે આજે કે કાલે, અમારો સમય આવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter