અમદાવાદઃ નરોડા મહાપ્રભુજી બેઠક ખાતે પુષ્ટિ સંપ્રદાયના ષષ્ઠ પીઠના તેરમા વારસદાર પ.પૂ. ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજનો 59મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મણિનગર ગાદી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રપ્રિય મહારાજ સ્વામીએ ગોસ્વામીજીને ‘પુષ્ટિ ભક્તિ માર્તન્ડ’ ઉપાધિથી સન્માનિત કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાય સાથે વર્ષોજૂની આત્મીયતા જળવાતી આવી છે. ત્રણ દાયકાથી ગોસ્વામીજીએ અખંડ પુષ્ટિ પ્રેમ, સેવા, સત્સંગ અને વચનામૃતના અવિરત પ્રવાહથી વૈશ્વિક સ્તરે પુષ્ટિ ધ્વજને ગૌરવપૂર્વક ફરકાવ્યો છે. આ ઉપાધિ માત્ર વ્યક્તિગત સન્માન નહીં, પરંતુ સમગ્ર પુષ્ટિ સંપ્રદાય માટે ગૌરવ અને પ્રેરણાનો અધ્યાય બની છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકોએ હાજરી આપી હતી.
‘પુષ્ટિ ભક્તિ માર્તન્ડ’ ઉપાધિ શું છે?
‘પુષ્ટિ ભક્તિ માર્તન્ડ’ ઉપાધિ એ પુષ્ટિમાર્ગના તત્ત્વજ્ઞાન - ભક્તિ, સેવા અને સત્સંગના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપનાર સંત અથવા આચાર્યને અપાતું વિશિષ્ટ સન્માન છે. આ ઉપાધિ એ વ્યક્તિના દિવ્ય જીવન, ભક્તિપ્રેમ અને પુષ્ટિ સંપ્રદાય પ્રત્યેની અખંડ સમર્પણની માન્યતા છે. સનાતન હિન્દુ પુષ્ટિ ધર્મ માટે તન - મન અને જ્ઞાનથી વૈષ્ણવ સૃષ્ટિને સેવા માટે પ્રેરણા આપવા આવી પદવી સૌપ્રથમ આપવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રથમ વખત આ પદવી અપાઈ છે.


