ગ્રાન્ડ સેફાયર દ્વારા સાઉથ લંડનના ભક્તિ, નૃત્ય અને ગુજરાતના ગૌરવસમાન સૌથી મોટા નવરાત્રિ ઉત્સવની યજમાની કરવામાં આવી હતી. ઝાકમઝોળ આઠ રાત્રિ સુધી ગ્રાન્ડ સેફાયર સતત ચર્ચામાં રહેલી નવરાત્રિ ઊજવણી 2025 માટે ખુશી, ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક બની રહ્યા હતા.
ગરબા, દાંડિયા, લાઈવ મ્યુઝિક, સ્વાદિષ્ટ આહાર અને દિવ્ય આધ્યાત્મિક પળો થકી માતા દુર્ગાની મંત્રમુગ્ધ કરી દેનારી ઊજવણી માટે આઈકોનિક સ્થળ દ્વારા 23થી 30 સપ્ટેમ્બર સુધી હજારો મહેમાનો અને ખાસ કરીને ગુજરાતી સમુદાયના લોકો માટે તેના દ્વાર ખોલી દેવાયાં હતાં. વાતાવરણમાં ચોતરફ ઉત્સાહ છવાયેલો હતો. પરિવારોના સભ્યો રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ, ચહેરા પર ઉત્સાહપ્રેરક સ્મિત સાથે પ્રકાશિત ઝૂમ્મરો હેઠળ ગરબા ગાવા તૈયાર હતા. ઢોલના નાદ, તાળીઓના તાલની સાથોસાથ સ્વાદિષ્ટ ખોરાક અને અગરબત્તીની મઘમઘતી ખુશબુ હવામાં લહેરાતી હતી.
દરેક સાંજનો આરંભ આરતી અને ભક્તિ સાથે થયો હતો જેના પછી, કલાકો સુધી ગરબાનૃત્ય, હસીખુશી અને આનંદી ઉત્સવનો માહોલ છવાયેલો રહેતો હતો. મહેમાનોએ ગ્રાન્ડ સેફાયરના એવોર્ડવિજેતા શેફ્સ દ્વારા તૈયાર કરાયેલી અવનવી ફરાળી વાનગીઓના વિકલ્પ સાથે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓનો રસથાળ ભાવપૂર્વક માણ્યો હતો.
માનવંતા મહેમાનોમાં ક્રોયડનના પૂર્વ મેયર ડો. મંજુ શાહુલ-હમીદનો સમાવેશ થયો હતો જેમણે આ ઈવેન્ટને ‘એકતા, સંસ્કૃતિ અને ઘનિષ્ઠતાની સાચી ઊજવણી’ તરીકે બિરદાવ્યો હતો. આ માત્ર કહેવા ખાતરનો સામાન્ય ઈવેન્ટ ન હતો, પરંતુ ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક ઊજવણી અને સ્મરણીય પળોનો ઉત્સવ હતો.


