લંડનઃ વેસ્ટ લંડનના ઇલીંગ બરોના ગ્રીનફર્ડમાં રહેતા ૬૨ વર્ષીય માતા હંસાબેન પટેલનું તેમના ઘરમાં માર મારીને મૃત્યુ નીપજાવવા બદલ ગ્રીનફર્ડના ડ્રયૂ ગાર્ડન્સના ૩૧ વર્ષીય પુત્ર શનીલ પટેલ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મેટ પોલીસના પ્રવક્તાએ શનીલ તેમનો સગો પુત્ર હોવાની બાબતે સમર્થન આપ્યું હતું.
આ અંગે ૧ ડિસેમ્બરે સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. શનીલ તેમાં હાજર રહ્યો ન હતો. હવે તેણે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ને મંગળવારે હાજર થવાનું રહેશે. પડોશીઓના જણાવ્યા મુજબ હંસાબેન તેમના પતિ અને પુત્ર સાથે રહેતા હતા જ્યારે તેમનો મોટો પુત્ર રાઈસ્લીપ નજીક રહેતો હતો.
૨૫ નવેમ્બરે સાંજે હંસાબેન માથાના ભાગે ગંભીર ઈજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે પોલીસ ઓફિસર્સ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસનો સ્ટાફ પોલીસ હેલિકોપ્ટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમણે હંસાબેનનો જીવ બચાવવાની ભારે કોશિશ કરી હતી. પરંતુ, ૨૦ મિનિટ પછી તેઓ મૃત્યુ પામ્યા હતા. હંસાબેનના નીકટના પરિવારજનોને તેમના મૃત્યુની જાણ કરાઈ હતી.
મેટપોલીસના સ્પેશીયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર સાયમન હાર્ડિંગે હત્યાની તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે મૃતક અને ધરપકડ કરાયેલ પુરુષ બન્ને એકબીજાને જાણતા હતા તે સ્પષ્ટ છે. હાલના તબક્કે અન્ય શકમંદ વિશે તેઓ વિચારતા નથી.
શ્રીમતી પટેલની સાથે ફરજ બજાવતી મહિલાના પતિ અકબર ખાને જણાવ્યું હતું કે હંસાબેન ખૂબ માયાળુ અને સરળ સ્વભાવના મહિલા હતા. આ ઘટના દુઃખદ છે. હંસાબેન ઇલીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને કોવિડને લીધે તેમના પતિ તેમને વહેલા રિટાયર થવાનું કહેતા હતા. આ વર્ષે રિટાયર્ડ થવાનો પ્લાન હતો. તેઓ ખૂબ સારા પરિવારના માણસો હતા.
૨૮ વર્ષીય અકીબ મિન્હાસે જણાવ્યું કે ઘટનાના દિવસે પટેલના મકાનમાંથી બોલાચાલીનો અવાજ સંભળાતો હતો. પડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, શનીલ અને મારો દીકરો સાથે ક્રિકેટ રમતા હતા.
૨૫મીએ બનેલી ઘટના પછી પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ પૂરાવા એકત્ર કર્યા હતા અને બિન-રહીશોને અવર-જવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
૨૬ નવેમ્બરે મેટના વેસ્ટ એરિયા કમાન્ડના ચીફ સુપરિન્ટેન્ડન્ટ પીટર ગાર્ડનરે જણાવ્યું હતું કે આ ખૂબ આઘાતજનક ઘટના છે અને મુશ્કેલીના આ સમયમાં તેમની સંવેદના પીડિતાના પરિવારજનો સાથે છે. તેમણે ઉમેર્યું, રહીશોએ ૨૫ નવેમબર અને બીજા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસની હાજરીની નોંધ લીધી હશે.
આ દુ:ખદ ઘટના બાબત સમગ્ર ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ છે. ગુજરાત સમાચાર કાર્યાલયને કેટલાય વાંચકોએ આ ઘટના બાબત પૃચ્છા કરી છે. આ કરૂણાજનક ઘટનાથી જાણે પરિવારનો આખો માળો વીંખાઇ ગયો છે. મળતી માહિતી મુજબ પ્રદીપભાઇ પટેલ મૂળ ધર્મજનાં વતની છે અને એમનાં પત્ની હંસાબેન સોજિત્રાનાં દીકરી થાય છે. પ્રદીપભાઇ અને એમના સૌ પરિવારજનોને શાંત્વના પાઠવવા સાથે હંસાબેનના આત્માને પ્રભુ ચિરશાંતિ આપે એવી પ્રાર્થના.