લંડનઃ લીડ્ઝ ક્રાઉન કોર્ટે ગ્રૂમિંગ ગેન્ગના ત્રણ સભ્યો ઝાહિદ હસન, સાકિબ રાહિલ અને શોલાન જેમ્સને બે ટીનેજર છોકરીઓ પર બળાત્કારના ગુનામાં ગુરુવાર ૧૯ ઓગસ્ટે અનુક્રમે ૨૧ વર્ષ, ૧૦ વર્ષ છ મહિના અને ૬ વર્ષની જેલની સજા ફરમાવી હતી. મે મહિનામાં આ ગુનેગારોની ટ્રાયલ નવ દિવસ ચાલી હતી. અપરાધીઓ ટીનેજર્સ પર બળાત્કાર પહેલા ભરપૂર શરાબ પીવડાવતા હતા.
યોર્કશાયર લાઈવના અહેવાલ મુજબ હસન અને તેના મિત્ર ફ્રેડે ૨૦૦૬માં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો હતો. થોડા વર્ષ પછી રાહિલ, જેમ્સ અને ત્રીજી વ્યક્તિએ ૧૫ વર્ષની છોકરી સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ પછી રાહિલે તેના પર બળાત્કાર કર્યો હતો. મેની તરીકે પણ ઓળખાતો હસન અનેક બાળકો પર બળાત્કાર સહિત સેક્સ સંબંધિત ગુનાસર ૨૦૧૮માં કરાયેલી ૧૮ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ટીનેજર છોકરીઓ સામનો ન કરી શકે તે માટે અપરાધીઓ તેમને શરાબ પીવડાવતા હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ થઈ હતી.
જ્યુરીના સભ્યોએ આઠ કલાકની ચર્ચાવિચારણાના અંતે ગુનેગારોને દોષિત ઠરાવ્યા હતા. ૧૯ ઓગસ્ટે લીડ્ઝ ક્રાઉન કોર્ટના જજ સિમોન ફિલિપ્સ QCએ જાહેર કરેલી સજામાં બ્લેન્ડ સ્ટ્રીટ, લોકવૂડ, હડર્સફિલ્ડના ૩૨ વર્ષીય ઝાહિદ હસનને બે પીડિત સામે પાંચ ગુનાઓ બદલ ૨૧ વર્ષ, અપર હાઈ સ્ટ્રીટ, ક્રેડલી હીથ, વેસ્ટ મિડલેન્ડ્સના ૩૪ વર્ષીય સાકિબ રાહિલને બળાત્કાર બદલ ૧૦ વર્ષ, છ મહિના અને ન્યૂ હાઉસ રોડ, શીપરિજ, હડર્સફિલ્ડના ૩૦ વર્ષીય શોલાન જેમ્સને ટીનેજર પર સેક્સ હુમલા બદલ ૬ વર્ષની જેલની સજા ફરમાવી હતી. હસનની સજા તેની હાલની સજા સાથે જ ગણવામાં આવશે.