લંડનઃ પુરુષ કર્મચારીઓની સમકક્ષ વેતન મેળવવાની ગ્લાસગો કાઉન્સિલની હજારો મહિલા કર્મચારીઓની ૧૨ વર્ષ જૂની લડાઈને સફળતા પ્રાપ્ત થઈ છે. કાઉન્સિલની હજારો મહિલા વર્કર્સ કુલ ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ મેળવશે તેમ યુનિયનોએ જણાવ્યું હતું. ગત ઓક્ટોબરમાં હોમકેર, સ્કૂલ્સ અને નર્સરીઓ, ક્લિનિંગ અને કેટરિંગ સેવાઓમાં નોકરી કરતી ૮,૦૦૦થી વધુ મહિલાએ યુકેમાં સૌથી મોટી સમાન વેતન હડતાળમાં ભાગ લીધો હતો.
ગ્લાસગો સિટી કાઉન્સિલ અને Action4Equality Scotland તથા યુનિસન, જીએમબી અને યુનાઈટ યુનિઅનોએ ૧૭ જાન્યુઆરીએ કહ્યું હતું કે ઐતિહાસિક દાવાના નિરાકરણ માટે પેમેન્ટ પેકેજની સૈદ્ધાંતિક સમજૂતી કરાઈ છે. એક દાયકાથી વધુ સમયગાળામાં ટ્રિબ્યુનલ્સ અને કોર્ટ્સમાં લડાયેલા વિવાદમાં અલગ અલગ ૧૪,૦૦૦ દાવાઓનો સમાવેશ થાય છે. લેબર પાર્ટી સંચાલિત કાઉન્સિલ દ્વારા ૨૦૦૬માં લૈંગિક વેતન અસમાનતાનો અંત લાવવા નવી જોબ ઈવેલ્યુએશન સ્કીમ અમલી બનાવાઈ તેમાંથી આ દાવા ઉદ્ભવ્યા હતા. જોકે, કેટરિંગ અને સ્લીનિંગ જેવી મહિલા વર્ચસની નોકરીઓમાં પુરુષ પ્રભાવિત નોકરીઓ કરતા ઓછું વેતન મળતું થયું હતું.
લેબર અંકુશના દાયકાઓ પછી આ દાવાઓના નિરાકરણના વચન સાથે મે ૨૦૧૭માં સ્કોટિશ નેશનલ પાર્ટીએ ગ્લાસગો કાઉન્સિલ પર પ્રભુત્વ મેળવ્યું હતું. જોકે, સામસામા આક્ષેપો અને દાવાઓના કારણે નિરાકરણ આવી શક્યું ન હતું. ગ્લાસગો સિટી કાઉન્સિલના નેતા સુસાન ઐટકિને ઓફર પર સમજૂતી થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.


