ઘર દીવડાં - "લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"નું આજીવન સભ્યપદ મેળવતાં પ્રથમ મહિલા : સ્મિતા શાહ

નાની વયથી જ સમાજમાં બદલાવ લાવવાની તીવ્ર ઇચ્છા ધરાવતાં કર્મઠ મહિલાનું પ્રેરક જીવન

- જ્યોત્સના શાહ Tuesday 09th March 2021 14:32 EST
 
 

વ્હાલા વાચક મિત્રો, ૮ માર્ચનો દિવસ "આંતરરાષ્ટ્રીય મહિલા દિન" તરીકે વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવાયો. મહિલાઓના અનુદાનની કદરના આ ગૌરવવંતા દિને "લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"એ એના ઇતિહાસમાં પ્રથમ મહિલા સ્મિતાબહેન શાહને માનદ્ આજીવન સભ્યપદ આપી એની યોગ્યતા સન્માની છે. નારી શક્તિ અને ગુજરાતીઓનું એ ગૌરવ છે.

 ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે "લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"એ સ્મિતાબહેનની નિમણૂંકની જાહેરાત ગૌરવભેર કરતા સ્ત્રી શક્તિને બિરદાવી જણાવ્યું હતું કે, સ્ત્રીઓ સમાજના પાયાના સ્તંભ સમી છે. એ સ્વહિત સાથે પોતાના પરિવાર, સમાજ અને ધર્મના હિતાર્થે અદ્ભૂત સેવા આપે છે એની કદર કરતા અમને ગૌરવ થાય છે. દરેક ધર્મમાં આવી અનેક બહેનો પોત-પોતાના સમાજમાં સક્રિય બની સેવા આપી રહેલ છે તે સૌના સન્માનનો અને ગૌરવનો આ દિવસ છે.

"લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"ના ચેર શ્રી ફૈયાઝ સુલેમાને જણાવ્યું હતુંકે, “મહિલાઓની યોગ્યતા હોવા છતાં એમના કાર્યની કદર સમાજમાં જોઇએ એવી થતી નથી. આપણા સૌની એ ફરજ બને છે કે એમની યોગ્યતાનું સન્માન થાય.”

"મહિલાઓના અનુદાનથી માત્ર ઇતિહાસ જ નથી સર્જાતો પરંતુ સમાજમાં હકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. જેથી વર્તમાન અને ભવિષ્યના સમાજની સુખાકારી વધવા સાથે માનવતા મહેંકી ઉઠે છે.

લેસ્ટરશાયર ફેઇથ કોમ્યુનિટીમાં ઘણી બધી બહેનો, પોત-પોતાના સમાજમાં અણમોલ પ્રદાન કરી રહેલ છે એ બધાંનો હું આભાર વ્યક્ત કરતા તે સૌને અપીલ કરું છું કે, તેઓ પોતપોતાનું કામ ચાલુ રાખે અને બીજાને એમ કરવા પ્રેરણા આપતાં રહે.”

 સ્મિતાબહેન બે દાયકાથી "લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"ના બોર્ડ સભ્ય તરીકે સક્રિય છે. એમનું લક્ષ્યાંક વિશ્વભરમાં ભગવાન મહાવીરનો શાંતિ અને અહિંસાના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાનો છે અને બધા જ ધર્મો વચ્ચે એકબીજા માટે સન્માનની ભાવના કેળવાય એ છે. એ માટે જૈન ધર્મના અનેકાન્તવાદની અનુમોદના કરતાં કહે છે કે, દરેકની પોતાની વિચારસરણી પોતપોતાના હેતુ સર કરવા માટે સાચી હોય છે જેનું આપણે સન્માન કરતાં શીખવું જોઇએ.”

પોતાની આ નિમણૂંકનો પ્રતિસાદ આપતાં સ્મિતાબહેને જણાવ્યું હતું કે, “જૈન સમાજ યુરોપના સભ્યોએ મારામાં વિશ્વાસ મૂકી મને આગળ આવવાની તક આપી જેથી દાયકાઓની પરંપરામાં બદલાવ આવ્યો અને પ્રથમ મહિલા પ્રમુખ (૨૦૦૯-૧૧)તરીકે મારી નિયુક્તિ થઇ હતી એ મારા માટે ગૌરવ અને આનંદદાયી ઘટના કહી શકાય.”

 "મારો જન્મ ભારતમાં, શિક્ષણ આફ્રિકા અને ભારતમાં, કર્મભૂમિ યુરોપ, અને અમેરિકાનું ગ્રીનકાર્ડ પણ હોવાથી ચાર ખંડોમાં વિચરણ કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું. પરિણામે બધા જ દેશના સંસ્કાર-સંસ્કૃતિ-ધર્મ અને પરંપરાને સમજવાની તક મળી એથી બધા ધર્મો પ્રત્યે મને માન છે. પબ્લીક, પ્રાઇવેટ, કોમ્યુનિટી અને ધાર્મિક સંસ્થાઓમાં વોલંટીયરી કામ તેમજ સેલ્ફ એમ્પલોયર હોવાને કારણે અલગ-અલગ પ્રકારના અનુભવોથી હું ઘડાઇ છું જે મને "લેસ્ટર કાઉન્સિલ ઓફ ફેઇથ્સ"ના સભ્ય બન્યા બાદ કામ લાગ્યું. એ મારા હ્દયથી નજીક છે. લેસ્ટર અને લેસ્ટરશાયરની ફેઇથ કોમ્યુનિટીસના ચેર અને બોર્ડ સભ્યો સાથે કામ કરી એને વધુ શક્તિશાળી બનાવવા મારી શક્તિ કામે લગાડીશ.”

"પિતાશ્રી બાબુલાલ માણેકલાલ પાસેથી વૈચારિક શક્તિ, બુધ્ધિ અને શિક્ષણનો વારસો અને માતુશ્રી શાંતાબહેન પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. સાથે જ મને મા-બાપનો અનહદ પ્રેમ અને પ્રોત્સાહન મળ્યા. જેના કારણે હું જીવનમાં પ્રગતિ કરી શકી. ભારતમાં મૂળ માણસા, મહેસાણાના અને યુગાન્ડાના જીન્જામાં સ્થાયી થયા બાદ ૧૯૬૮માં ભારત અને ૧૯૭૫માં બ્રિટન આવી લેસ્ટરને કર્મભૂમિ બનાવી વિશાળ અનુભવના ભાથાની સ્મિતાબહેના અનુદાનની કથા લાંબી છે. ભારતથી નવી-નવી પરણેલ આવેલ વધૂઓને અત્રેના વાતાવરણમાં સ્થાયી થવા માટે પણ પાયાનું કામ કરેલ છે. લેસ્ટર સીટી કાઉન્સિલમાં નારી લેટ્સ (Naari Lets )ની રચના કરી એ દ્વારા લોકલ એક્સચેન્જ સ્ટેટસ અન્વયે ૫૦૦ થી વધુ બહેનોના મસીહા બની સેવા આપી છે.

હાલ તેઓ વર્ષીતપ કરી રહ્યાં છે અને જૈનીઝમમાં P.hd. કરવાની ઇચ્છા ધરાવે છે. અભિનંદન સ્મિતાબહેન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter