ઘર દીવડાં - યુગાન્ડા અને યુકેની ગુજરાતી રંગભૂમિને રસાળ બનાવનાર અભિનેત્રી ઉષાબહેન પટેલ

-જ્યોત્સના શાહ Tuesday 25th May 2021 16:34 EDT
 
 

જીંદગી એક રંગમંચ છે અને આપણે સૌએ આપણી ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ સ્ટેજ પરની ભૂમિકા ભજવવા જે તે પાત્રમાં પોતાની જાતને ઓળઘોળ થવું પડે છે. અભિનય કલામાં હાવભાવ અને સંવેદનાનો સમન્વય કરવાનો હોય છે. એ સાધનાનો વિષય છે. રંગમંચ પરથી હજારો પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગયા હોય એવા કલાકાર અને કલાકારોના 'મમ્મી' એવા ઉષાબહેન પટેલના નામથી ભાગ્યેજ કોઇ કલારસિક અજાણ હશે! જીવનને ભરપૂર જીવનાર ઉષાબહેને જીવનના સાડા આઠ દાયકા વીતાવ્યા છે. એક જમાનાનું કોલાહલથી ગૂંજતું એમનું ઘર સૂમસામ થઇ ગયું છે. તેઓ યાદોના સહારે શેષ જીવન વીતાવી રહ્યાં છે. જીવનની એ બલિહારી છે.

ભારતીય વિધા ભવન, લંડનના ગુજરાતી ડ્રામા વિભાગમાં ભારતથી નાટ્ય જગતના પ્રતિષ્ઠિત પ્રોડ્યુસરો ગિરીશભાઇ દેસાઇ, વિષ્ણુભાઇ પંડ્યા, માર્કંડ ભટ્ટ આદીને આમંત્રી નીતનવા નાટકોનું નિર્માણ થતું. તેઓ સ્થાનિક નવોદિત કલાકારોને તૈયાર કરતા. “*અમે બરફના પંખી" * ઝેર તો પીધાં છે જાણી જાણી *નોખી માટીના નોખાં માનવી" *માંડવાની જૂઇ * સસરાએ મારી સિક્સર * ફિંગર પ્રિન્ટ..” જેવા સંખ્યાબંધ હીટ નાટકોમાં અભિનય કરી સેંકડો કલારસિકોના પ્રિય પાત્ર એવા ઉષાબહેનના પ્રેરક જીવનમાં ડોકિયું કરીએ.

ચરોતરમાં વસો ગામના શ્રી અંબાલાલભાઇ અને શ્રીમતી ચંચળબેનની આ દીકરીમાં બાળપણથી જ નાટ્યકલામાં રસ પેદા કરવામાં પિતાશ્રીનો ફાળો અણમોલ રહ્યો હતો. દર રવિવારે પિતાના મિત્રો ઘરે આવતા ને મેળાવડો જામતો. એમાં ઉષાબહેન અભિનયના ઓજસ પાથરતાં.

 અમદાવાદ, મુંબઇમાં ઉછેર અને શિક્ષણ બી.એસ.સી. થયા બાદ ૧૯૫૮માં કરમસદના શ્રી હરિહરભાઇ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્ન બાદ પતિ સાથે કમ્પાલા, યુગાન્ડા ગયા. બાવીસેક વર્ષની આ યુવતી કમ્પાલાની સ્કુલમાં શિક્ષિકા બન્યાં. એક દીકરાની માતા બન્યાં. દરમિયાન, સ્થાનિક ઇન્ડિયન મહિલામંડળમાં સક્રિય બન્યાં. એ માટે ફંડ ફાળો એકત્ર કરવા જાતે જ નાટકોના સંવાદો લખી એ રંગભૂમિ પર ભજવતાં. એમણે સ્વરચિત એક નાટકમાં વાસણવાળીની ભૂમિકા ભજવી. એનાથી પ્રભાવિત થઇ કમ્પાલા કલા કેન્દ્રના નાટ્યજગતના પિતામહ ગણાતા એન.સી. પટેલ અને પ્રીતમ પંડ્યાએ નક્કી કરી લીધું કે, આ છોકરી આપણા નાટકમાં બરાબર કામ લાગે એવી છે. બસ ત્યારથી જ એમની નાટ્ય યાત્રાનો શુભારંભ થયો. એમનું પ્રથમ નાટક "કંકુના થાપા" ખુબ હીટ ગયું. “ખાધું પીધું ને તારાજ કર્યું" નાટક પણ હીટ ગયું જે લંડનમાં પણ ભજવાયું હતું. એમની કારકિર્દીમાં પતિશ્રી હરિહરભાઇ હંમેશા સાથ આપતા.

૧૯૭૨માં ઇદી અમીનની હકાલપટ્ટીના કારણે ઇંગ્લેન્ડ આવ્યા. ૧૯૭૪માં નોર્થ વેસ્ટ લંડનના કોલીન્ડલમાં ત્રણ બેડરૂમનું મકાન લીધું. પટેલ દંપતિ અને એમના મિત્ર પ્રીતમ પંડ્યા સાથે ત્યાં રહ્યાં. આજસુધી એ જ ઘર એમનું નિવાસસ્થાન છે જે અનેક ખાટાં-મીઠાં સંભારણાંઓથી સભર છે. એમના પતિશ્રીનું ફેબ્રુઆરી ૧૯૭૫માં દુ:ખદ અવસાન થયું. ભારે આઘાત અનુભવ્યો. ૧૯૭૬માં આપણી બહેનોને અજાણ્યા દેશમાં સ્થાયી થવામાં સંઘર્ષ અનુભવતી જોઇ યુકે એશિયન વુમન્સની સ્થાપના કરી, જેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

અત્રે ટી.વી., ફિલ્મ્સ અને મોટી એડ વગેરેના શૂટીંગમાં પ્રવૃત્ત થયાં. એ માટે લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર વગેરે શહેરોની મુસાફરી સાથે ઘરની, દીકરાની જવાબદારી નિભાવવાની કપરું કામ હતું. જીવનના બે છેડા મેળવવા ભારે જહેમત ઉઠાવી. સાડીઓનો ધંધો શરૂ કર્યો. રાતના મોડા બહેનો ખરીદી કરવા આવે એથી અડધી રાત સુધી કામ કરવાનું. ભારે વ્યસ્ત જીવન. જીવનનું બીજું નામ જ સંઘર્ષ!

આ દેશમાં ગુજરાતી નાટકનો રસિકવર્ગ ઉભો કરવામાં એમનું અનુદાન નોંધપાત્ર છે. એની પ્રેક્ટીસ માટે સમયનો ભોગ આપતાં અવેતન કલાકારોને ધન્ય છે. સમાજને બોધપાઠ આપતા સંસ્કારી નાટકોનું નિર્માણ કરવું એ ભારતીય વિદ્યા ભવનનું ધ્યેય હતું જેમાં અનેક કલાકારોએ અભિનયના ઓજસ પાથરી ગુજરાતી રંગભૂમિને સમૃધ્ધ બનાવી છે.

આ દેશનું પ્રથમ હીટ નાટક "અમે બરફના પંખી"માં "ડોક્ટર/મમ્મી" તરીકેની ભૂમિકા ઊષાબહેને ભજવી ત્યારથી એ બધા જ કલાકારોના મમ્મી બન્યાં. એમાં પપ્પાની ભૂમિકા પ્રીતમભાઇએ ભજવી એથી એ પપ્પા બન્યા.

ઉષાબહેન વાચકોને એક ખાસ સંદેશ પાઠવતાં જણાવે છે કે, “જે કામ કરો એ દિલથી કરો. જીવનમાં ઘણા બધા અવરોધો આવશે એ પાર કરવામાં સંબંધોનું મહત્વ કદી વિસરશો નહિ! પૈસા કમાવવામાં કદી છેતરપિંડી કરશો નહિ. પૈસો નહિ, પ્રેમ મહત્વનો છે.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter