લંડનઃ તાજેતરમાં જ ઘરવિહોણા ૪૩ વર્ષીય હંગેરિયન નાગરિક ગ્યૂલા રેમેસ પાર્લામેન્ટ નજીક વેસ્ટમિન્સ્ટડર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બહાર બેભાન થઈને ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ પછી, સરકારી આંકડાઓમાં ગત વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે ૬૦૦ ઘરવિહોણી વ્યક્તિનું શેરીઓમાં મોત થયાનું જણાવાયું હતું. પાંચ વર્ષના ગાળામાં આ રીતે મોત થવાનો વિક્રમ છે. ક્રાઈસીસ દ્વારા જાહેર કરાયેલા અલગ આંકડામાં પાંચ વર્ષમાં યુકેમાં ઘરવિહોણા અને ગમે તે સ્થળે સૂઈ રહેનારા લોકોના મોત ૨૦ ટકાના વધારા સાથે ૨૪૦૦૦ની સંખ્યાએ પહોંચ્યા છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા તૈયાર કરાયેલા નવા ડેટામાં જણાવાયું છે કે ૨૦૧૭માં ઘરવિહોણાં લોકોનાં તમામ મોતમાં અડધાથી વધુ તો ડ્રગ પોઈઝનિંગ, આલ્કોહોલ, લિવરના રોગો અથવા આત્મહત્યાના કારણે થયાં હતાં. ઘરવિહોણાં લોકોનાં મોતમાં લંડન અને નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડ સૌથી ઊંચો મૃત્યુદર ધરાવે છે.
ઘરવિહોણાં લોકોનાં મોતમાં પુરુષોની સંખ્યા ૮૪ ટકા હતી. ૨૦૧૩-૨૦૧૭ના ગાળામાં તમામ મોતમાં ઘરવિહોણાં લોકોના મોત બાબતે પુરુષોની સરેરાશ વય ૪૪ વર્ષ અને સ્ત્રીઓની સરેરાશ વય ૪૨ વર્ષ રહી હતી. આની સરખામણીએ ૨૦૧૭માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સામાન્ય વસ્તીમાં મૃત્યુની સરેરાશ વય પુરુષો માટે ૭૮ વર્ષ અને સ્ત્રીઓ માટે ૮૧ વર્ષ હતી.


