લંડનઃ ગુજરાતીમાં કહેવત છે કે ઘાટ કરતા ઘડામણ મોંઘું, લગભગ આવી જ દશા ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા જન્મદિનની ઉજવણી અંગે થઈ છે. ક્વીનના ગ્રાન્ડસન પીટર ફિલિપ્સની ફર્મને ગયા વર્ષે જન્મદિનની પાર્ટીનું આયોજન કરવા માટે ૭૫૦,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા પરંતુ, ટિકિટ અને વસ્તુઓના વેચાણમાંથી ચેરિટી માટે માત્ર ૩૦૬,૦૦૦ પાઉન્ડ જ એકત્ર કરી શકાયા હતા.
કંપનીઝ હાઉસ ખાતે મૂકાયેલા હિસાબો અનુસાર ગત વર્ષે જૂનમાં ધ મોલ ખાતે ક્વીનના જન્મદિનની પાર્ટીના આયોજન માટે પ્રિન્સેસ એનના પુત્ર પિટર ફિલિપ્સની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ SEL UK ને બે વર્ષના કોમર્શિયલ સર્વિસીસ કોન્ટ્રાક્ટ માટે ૭૫૦,૦૦૦ પાઉન્ડ અપાયા હતા. ક્વીનના ગ્રાન્ડસન આ ફર્મના ડિરેક્ટર છે. ક્વીનની ચેરિટીઝના પ્રતિનિધિ દીઠ ૧૫૦ પાઉન્ડનો ચાર્જ વસૂલ કરાયો હતો ત્યારથી જ આયોજન વિવાદમાં આવ્યું હતું. ક્વીન ૬૦૦થી વધુ ચેરિટીઝ અને સંસ્થાઓના પેટ્રન છે.
લંચ પાર્ટીનું આયોજન કરાયું ત્યારે ફિલિપ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્વીનના સગા હોવાના કારણે આ કોન્ટ્રાક્ટ મળ્યો નથી. જોકે, તેણે ખાનગીમાં રાણી સાથે આ ઈવેન્ટની ચર્ચા કરી હોવાનું કબુલ્યું હતું.


