ચર્ચની કિંમતી અને દુર્લભ વસ્તુઓ ટાવર ઓફ લંડનમાં ખસેડાઈ

Friday 17th April 2020 04:48 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ કટોકટીના કારણે ખ્રિસ્તી દેવળો બંધ કરાયા છે ત્યારે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે ચોરી અને લૂંટના ભયથી લાખો પાઉન્ડના મૂલ્યની અતિશય કિંમતી અને દુર્લભ ચીજવસ્તુઓ ટાવર ઓફ લંડનમાં ખસેડી છે. આ કિંમતી વસ્તુઓ ‘ચર્ચ ઓફ પ્લેટ’ તરીકે ઓળખાય છે. સદીઓથી ટાવર ઓફ લંડનમાં કિંમતી વસ્તુઓનો સંગ્રહ કરાતો આવ્યો છે.

ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે ગત સપ્તાહોમાં સંખ્યાબંધ ખોખાઓમાં લાખો પાઉન્ડના મૂલ્યની દુર્લભ અને અતિ કિંમતી ચીજવસ્તુઓ વાહનો મારફત ટાવર ઓફ લંડનમાં ખસેડી હતી. ‘ચર્ચ ઓફ પ્લેટ’ તરીકે ઓળખાતી કિંમતી વસ્તુઓમાં સોના-ચાંદીના વાસણો, પેઈન્ટિંગ્સ અને કલાકૃતિઓનો સમાવેશ થાય છે. ચર્ચના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે લંડનના ૪૦૦ ચર્ચમાંથી મૂલ્યવાન વસ્તુઓ ટાવર ઓફ લંડન સહિત અનેક સુરક્ષિત સ્થળોએ પહોંચાડાઈ છે.

ટાવર ઓફ લંડન ઐતિહાસિક દૃષ્ટિએ ગત સદીઓ દરમિયાન કિંમતી વસ્તુઓનો સ્ટોર બની રહ્યો છે. ક્રાઉન જ્વેલ્સનો સંગ્રહ છેક ૧૬૬૧થી થતો રહ્યો છે. બંને વિશ્વ યુદ્ધો અને નાગરિક બળવાના સમયમાં પણ ઐતિહાસિક ચીજવસ્તુઓ અહીં રખાઈ હતી. અંગ્રેજ આંતરવિગ્રહોમાં શાહીવાદીઓ અને સંસદવાદીઓ પોતાના લશ્કરોને ભંડોળ પુરું પાડવા ચર્ચોમાંથી કિંમતી ચીજવસ્તુઓ ચોરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter