૫,૦૦૦ વર્ષ જુના હિન્દુ ધર્મને વગોવવાની પ્રવૃત્તિ

Wednesday 04th May 2016 09:05 EDT
 

તા. ૩૦-૪-૧૬ના અંકમાં ગણપતભાઇ ચૌહાણ (લેસ્ટર)નો પત્ર 'ચર્ચાના ચોતરે' વિભાગમાં વાંચ્યો. વાંચીને ઘણું જ દુ:ખ થયું. ગણપતભાઇએ પોતાના પત્ર દ્વારા હિન્દુ ધર્મને ગાળો ભાંડવા સીવાય શબ્દો દ્વારા પોતાના મનની બધી જ ગંદકી ઠાલવી દીધી છે. તેમના નામ અને અટક જોતાં તેઅો મૂળ ભારતના હશે તેમ માની લઇને કેટલાક પ્રશ્નો કરવાનું મન થાય છે.

શું તેમને હિન્દુ ધર્મમાં કશું જ સારૂ નથી લાગતું? દા.ત. માનવતા, સહિષ્ણુતા, સ્ત્રી દાક્ષિણ્ય, શિક્ષકો - વડિલો અને બીમાર લોકો અરે પશુ પક્ષીઅો પરત્વેનો આદર અને લાગણી વગેરે? આજે આખું વિશ્વ ભાગવદ્ ગીતા, મહાભારત અને રામાયણને અનુસરે છે, શિક્ષાપત્રી, જેને લોકો જીવનના 'કોડ અોફ કંડક્ટ' તરીકે અનુસરે છે. વેદ - ઉપનિષદ શું ખાલી કાગળના થોથા છે? આયુર્વેદ, ચરક સંહિતા, યોગ અને શાકાહાર શું બીન હિન્દુઅોની શોધ છે? ભાષા-ગીત-સંગીતની વાત કરીએ તો સંસ્કૃત, છંદ, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, રાગ રાગીણીઅો વગેરે શું હિન્દુઅો દ્વારા પ્રચલિત નથી થયા.

શ્રવણ, ભરત, રાજા દશરથ, અર્જુન, શ્રી કૃષ્ણ, શ્રી રામ અને અન્ય પૌરાણિક પાત્રો આપણને ઘણું બધુ શિખવી જાય છે અને સુંદર સંદેશ આપી જાય છે. આપણે જો ગહનતાથી વિચાર કરીશું તો તેમાંથી સાચી રીતે જીવન જીવવાનો મર્મ મળી શકે છે અને આજે દુનિયામાં જે હિંસા, અધર્મ અને દુરાચારનો વ્યાપ વધી રહ્યો છે તે અોછો થશે.

મને લાગે છે કે મુરબ્બી શ્રી ગણપતભાઇ ચૌહાણને ખુદને ભૂતકાળમાં નીજી જીવનમાં કોઇ અજ્ઞાત તકલીફ કે મુશ્કેલી પડી હશે અને તેને કારણે તેઅો સમગ્ર હિન્દુ સમુદાય અને ધર્મને ધૃણા કરે છે. જે ભોગ બન્યા હોય તે વ્યક્તિ જ જો તકલીફનું નિવારણ કરવા પ્રયાસ કરે તો તે તકલીફને વધુ સારી રીતે દૂર કરી શકાય છે. જે તે પ્રશ્નનું નિરાકરણ લાવવા ગણપતભાઇએ પ્રયત્નો કર્યા હોત તો સમાજની સાચી સેવા થઇ હોત.

ભારત દેશ પર લાગલગાટ હજાર કરતા વધુ વર્ષો સુધી વિધર્મીઅો દ્વારા કરાયેલા શાસન પછી ગણપતભાઇ ચૌહાણ અને તેમના જેવા જૂજ લોકો હિન્દુ ધર્મ પરત્વે ધૃણા કરે તેમાં જરા પણ શંકા નથી. સારૂ એ છે કે આવા લોકોની સંખ્યા ખૂબજ મર્યાદીત છે અને હિન્દુ ધર્મ પરત્વે આટલી ધૃણા અને દ્વેષ હોવા છતાં તેઅો આપણા સમુદાયમાં ટકી શક્યા છે, પોતાનો અવાજ રજૂ કરી શકે છે. આ બધું જ હિન્દુ ધર્મના લોકોની સહિષ્ણુતાના લીધે જ છે. બાકી બાંગ્લાદેશ તો ઠીક હમણા યુકેમાં ગ્લાસગોના દુકાનદાર અસદ શાહની તેમણે 'હેપી ઇસ્ટર'નો સંદેશો મૂકાયા બાદ હત્યા કરાઇ હતી.

અર્જુન પટેલ, હેરો.

શુકન-અપશુકન અને મંગળ-અમંગળ

તા. ૩૦ એપ્રિલ, ૨૦૧૬ના 'ગુજરાત સમાચાર'માં ‘ચર્ચાના ચોતરે’ વિભાગમાં હિન્દુ ધર્મ, અંધશ્રદ્ધા, શુભ-અશુભ, શુકન-અપશુકન વિશે ગણપતભાઇ ચૌહાણ, લેસ્ટરનું મંતવ્ય વાંચ્યું. તેમણે ન્યુ ઝીલેન્ડથી વી. બ્રાયન નામના માણસે અંગ્રેજીમાં મોકલેલા ઈ-મેઈલ્સ પરથી હિન્દુ ધર્મ વિષે અભિપ્રાય બાંધ્યો હોય તેમ લાગ્યું. શ્રી ગણપત ચૌહાણના મંતવ્ય સાથે હું બિલ્કુલ સહમત નથી. હિન્દુ ધર્મ પોતાના શાસ્ત્રો થકી જીવન જીવવા માટે ઉપદેશ અને સલાહ સૂચનો આપે છે.

હિન્દુ ધર્મને તેના ધર્મગુરૂઓ, સંતો, બાબાઓ, બાપુઓ, બ્રાહ્મણો વિગેરે કેવી રીતે રજૂ કરે છે તે મહત્ત્વની વાત છે. અમુક લોકો પોતાના સ્વાર્થ, અહંકાર, મોટાઈ માટે લવારા કરતા હોય છે અને પોતે જે ઉપદેશ આપે છે તે જ સાચો છે, પોતાનો સંપ્રદાય સર્વશ્રેષ્ઠ છે તેવી રજૂઆતો કરતા રહે છે. આવા લોકો પોતાની વાતો લોકોના મનમાં ઠસાવવા માટે પવિત્ર-અપવિત્ર, અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, મંગળ-અમંગળ, દેવી-દેવતાના કહેવાતા પ્રકોપનો ભય પેદા કરીને પોતાના થકી ભગવાનને ભજવાની વાતો કરે છે. આવા ભ્રમમાં ફક્ત અભણ કે ઓછું ભણેલા લોકો જ નહિં પણ ખૂબ ભણેલા-ગણેલા અને પરદેશમાં રહેતા લોકો પણ ફસાય છે. આવા લોકો દોરા-ધાગા, તાવીજ, જ્યોતિષ વિ.નો આશરો લેવા ખૂબ નાણાં ખર્ચે છે એટલે ગુરૂઓ, બ્રાહ્મણો, બાબાઓ સાથે આ ભણેલો વર્ગ પણ એટલો જ જવાબદાર છે. આ બધું હિન્દુ ધર્મ પૂરતું મર્યાદિત નથી પણ બીજા ધર્મના કેટલાક ધર્મગુરૂઓ, પાદરીઓ, મુલ્લાઓ પણ તે જ રીતે વર્તે છે. ગયા મહિના કેનેડાના પ્રખ્યાત અંગ્રેજી સમાચાર પત્ર, ટોરોન્ટો સ્ટારમાં બે પાનનો મોટો આર્ટીકલ 'Fortune telling industry'માં જણાવ્યું હતું કે દર વર્ષે કેનેડાના લોકો આવાધતીંગો પાછળ ૧થી ૨ બિલિયન ડોલર ખર્ચે છે અને કેટલાય લોકો તેમાં છેતરાઈને હજારો ડોલર ગુમાવે છે. 'ગુજરાત સમાચારે' આર્થિક ભીડ વેઠીને પણ દોરા-ધાગા, તાવિજ, જ્યોતિષી વિ. જાહેરાતોને નહિં સ્વીકારીને સમાજ સેવાનું મોટું કાર્ય કર્યું છે જે માટે તમે અભિનંદનને પાત્ર છો.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ કેનેડા

બની બેઠેલા બ્રાહ્મણો દ્વારા થતું નુકસાન

તા. ૩૦ એપ્રિલના અંકમાં શ્રી ગણપતભાઈ ચૌહાણનો લેખ વાંચ્યો અને વાંચીને દુઃખ થયું. તેમના વિચાર પ્રમાણે પોતે પૈસા ખર્ચ કરીને દુઃખી થવું તેનું નામ યાત્રા અંગે પ્રખર વિદ્વાન સ્વામી શ્રી સચ્ચિદાનંજી મહારાજ (દંતાલીવાળા) કહે છે કે યાત્રા કરવાથી નવા સ્થળો જોવાય છે, બીજા માણસોને મળવાનો મોકો મળે છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને પોતાની સંકુચિતતા દૂર થાય છે અને વિશાળ વિશ્વના દર્શન થાય છે.

ન્યુ ઝીલેન્ડના બ્રાયન નામના માણસનો ઈમેઈલ મને આવશે તો હું તેને બ્લોક કરીશ, બ્રાયન, હિન્દુ ધર્મ વિશે વાત કરવા માટે અધિકૃત નિષ્ણાંત કે તજજ્ઞ વ્યક્તિ નથી.

બ્રાહ્મણ જ્ઞાતિને ટાર્ગેટ કરવા તે કોઈ પ્રકારે યોગ્ય નથી તેઓ તો માત્ર પોતાની સેવા આપે છે અને તેના બદલામાં યથાયોગ્ય દક્ષિણા મેળવતા હોય છે. પરંતુ આજના સંજોગો જોતા કેટલાક બની બેઠેલા બ્રાહ્મણો ધર્મને વધારે નુકસાન કરાવે છે. યુકેની વાત કરીએ તો એક ભાઈ ભજનમાં તબલાં વગાડતા હતા જેઅો આજે સ્પિરિચ્યુઅલ લીડર બની ગયા છે. લંડનમાં ગુજરાતી વિસ્તારોમાં માતાજીના નામે ચરી ખાતા બીનબ્રાહ્મણો અને યુકેના નાના ગામોમાં પાઘડી બાંધીને લોકોનું ભવિષ્ય જોતાં બીન બ્રાહ્મણ લેભાગુ તત્વોનું લીસ્ટ ઘણું લાંબુ છે. ભલે તમે કોઈપણ ધર્મ અપનાવો પરંતુ હિન્દુ ધર્મને બદનામ ના કરો.

કમલેશ વ્યાસ, પૂજારી, હિન્દુ મંદિર, બ્રિસ્ટોલ

પ્રિય વાચક મિત્રો,

શ્રી ગણપતભાઇ ચૌહાણે (ગુજરાતસમાચાર તા. ૩૦-૪-૨૦૧૬ પાન - રજૂ કરેલા વિચારો અંગે આપના અમૂલ્ય મંતવ્યો જણાવી આપ જનમતને જાગૃત કરી શકો છો. તો ઉઠાવો.. કલમ અને અમને આપનો અભિપ્રાય ૨૦૦ શબ્દોની મર્યાદામાં લખી જણાવો. 'ગુજરાત સમાચાર' પાસે જાગૃત અને સિધ્ધાંતપરસ્ત વાચકો છે તેનું અમને ગૌરવ અને અભિમાન છે અને વિભિન્ન મત વ્યક્ત કરનાર સૌને અમે વંદન કરીએ છીએ.

આપના મંતવ્યો ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો. 

  • કમલ રાવ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter