લંડનઃ સમગ્ર દેશના પેરન્ટ્સને અસરકર્તા ચાઈલ્ડ બેનિફિટ પેમેન્ટમાં ૧૨ એપ્રિલ સોમવારથી વધારો કરાયો છે. હાલ ૧૬ વર્ષથી નાના સંતાન અથવા શિક્ષણ કે ટ્રેનિંગ લઈ રહેલા ૨૦ વર્ષથી નાના સંતાનના ઉછેરની જવાબદારી સંભાળતા તમામ પુખ્ત લોકો- પેરન્ટ્સને બાળકોના સપોર્ટ માટે ચાઈલ્ડ બેનિફિટ્સની ચૂકવણી કરાય છે. આ પેમેન્ટ દર ચાર સપ્તાહે ચૂકવાય છે અને ક્લેઈમ કરવા માટે બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.
એપ્રિલ ૬થી નવું નાણાકીય વર્ષ શરુ થવાં સાથે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ પાસેથી બેનિફિટ્સ મેળવનારાઓ માટે યુનિવર્સલ ક્રેડિટ, પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ (PIP), સરકારી પેન્શન તેમજ જોબસીકર્સ એલાવન્સ, ડિસેબિલિટી લિવિંગ એલાવન્સ (DLA), એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ ((ESA) તેમજ ઈન્કમ સપોર્ટ અને હાઉસિંગ બેનિફિટ સહિતના પેમેન્ટ્સમાં ઘણાં ફેરફારો કરાયા છે.
રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ અનુસાર હાલ બે બાળકના બેનિફિટ દરો અસ્તિત્વમાં છે. સૌથી મોટા અથવા એક માત્ર બાળક માટે સપ્તાહના ૨૧.૦૫ પાઉન્ડ અને તેથી વધારાના દરેક બાળક માટે સપ્તાહના ૧૩.૯૫ પાઉન્ડ ચૂકવાય છે. હવે ૧૨ એપ્રિલથી સૌથી મોટા બાળક માટે સપ્તાહના ૨૧.૧૫ પાઉન્ડ અને વધારાના દરેક બાળક માટે સપ્તાહના ૧૪.૦૦ પાઉન્ડ લેખે ચૂકવણી કરાશે. આમ, પેરન્ટ્સને સૌથી મોટા અથવા એક માત્ર બાળક માટે માસિક ૮૪.૬૦ પાઉન્ડ અને વધારાના દરેક બાળક માટે માસિક ૫૬.૦૦ પાઉન્ડ લેખે ચૂકવણી કરવામાં આવશે. બેનિફિટ્સના ક્લેઈમ માટે બાળકોની સંખ્યા પર મર્યાદા નથી પરંતુ, માત્ર એક વ્યક્તિને ચાઈલ્ડ બેનિફિટ મળી શકશે.
ગાર્ડિયન્સ એલાવન્સમાં પણ ૧૦ પેન્સના વધારા સાથે સપ્તાહના ૧૭.૯૦ પાઉન્ડના બદલે ૧૮.૦૦ પાઉન્ડ ચૂકવાશે.