ચાર અશ્વેત રેસ્ટોરાં માલિકોને £૮ લાખના ફ્રોડ બદલ જેલ

Wednesday 21st November 2018 01:50 EST
 
(ડાબેથી) મોહમ્મ્દ શરીફ ઉદીન, સાદિકઉર રહેમાન, અબ્દુલ કમાલ અને મિઝનુર રહેમાન
 

લંડનઃ સ્ટાફને મળેલી ટીપ્સની રકમ તેમજ વેચાણ છૂપાવીને ટેક્સ ચોરી દ્વારા £૮ લાખની છેતરપિંડી કરવા બદલ ભારતીય રેસ્ટોરન્ટ્સની ચેનનું સંચાલન કરતા ચાર અશ્વેતોને કુલ દસ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.

HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC)ની તપાસમાં જણાયું હતું કે વેડનસબરીના મોહમ્મદ શરીફ ઉદ્દીન (૪૮), મિઝનુર રહેમાન (૪૪), સાદિક ઉર રહેમાન (૪૫) તેમજ વેસ્ટ બ્રોમવિચના અબ્દુલ કમાલ (૪૧) પાનાચે રેસ્ટોરન્ટનાં ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુની ટેક્સચોરી વિશે જૂઠ્ઠું બોલ્યા હતા. આ ચારેય લોકોએ તેમની આવક વિશે જૂઠ્ઠું બોલીને ટેક્સ ક્રેડિટમાં બીજા ૨૯૫,૦૦૦ પાઉન્ડની ચોરી કરી હતી. તમામ રહેમાનોને ત્રણ વર્ષની અને ઉદ્દીન તથા કમાલ બન્નેને બે-બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા થઈ હતી. આ તમામને આગામી ૨૪ વર્ષ સુધી ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ઠેરવાયા હતા. HMRCએ અત્યાર સુધીમાં ૫૩૮,૦૦૦ પાઉન્ડથી વધુની રકમ જપ્ત કરી છે પરંતુ, બાકીની રકમની રિકવરી માટે જપ્તીની કાર્યવાહી પાછળથી હાથ ધરાશે.

મિઝનુર રહેમાને આ નાણાંનો ઉપયોગ ફ્લોરિડા, મોરેશિયસ અને દુબઈની ટ્રીપમાં કર્યો હતો. ૧૭૫,૦૦૦ પાઉન્ડથી વધુની રકમ બાંગ્લાદેશ મોકલી હતી અને મીડલેન્ડ્સમાં રેન્ટલ પ્રોપર્ટી પણ ખરીદી હતી.

HMRCના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર રીચાર્ડ મેયરે જણાવ્યું હતું કે આ લોકોએ પોતાની જીંદગીમાં મોજશોખ કરવા માટે ટેક્સ સિસ્ટમનો દુરુપયોગ કર્યો. તેમણે સ્ટાફ માટેના નાણાં પણ ઘરભેગા કરી લીધા.

આ લોકોએ સટન કોલ્ડફિલ્ડ રેસ્ટોરન્ટના સ્ટાફને મળેલી ટીપની પણ ઉચાપત કરી હતી. તેમણે સ્ટેફોર્ડ અને લીચફિલ્ડમાં આવેલી રેસ્ટોરન્ટમાં વેચાણ પર ૨૪૦,૦૦૦ પાઉન્ડનો વેટ પણ ભર્યો ન હતો. બીજા ૩૦૦,૦૦૦ પાઉન્ડ બે પ્રોપર્ટીના વેચાણથી ઉભા કરવામાં આવ્યા હતા અને તે રકમ સાદીક ઉર રહેમાનના ખાતામાં ભર્યા હતા. તેમાંથી કેટલીક રકમ બાંગ્લાદેશ મોકલાઈ હતી. પરંતુ, લગભગ બધી જ રકમ ૨૧ દિવસના ગાળામાં ઉપાડી લીધી હતી.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન ચારે આરોપીએ છેતરપિંડીની કબૂલાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter