લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં ચાર વર્ષમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા પણ વધુ હશે તેમ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના એક અભ્યાસમાં જણાવાયું છે. હાલમાં કોર્ટ્સ દ્વારા ગંભીર ગુનાઓમાં અપરાધીઓને લાંબી સજા કરવાનું ચલણ વધ્યું છે ત્યારે કેદીઓની સંખ્યા અભૂતપૂર્વ વધારા સાથે ૯૨,૦૦૦ સુધી પહોંચી જશે. સરકાર કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા કડક પગલાં લઈ રહી છે તેમ જણાવી ટોરી પાર્ટીએ અભ્યાસના અંદાજને આવકાર્યો છે ત્યારે ટીકાકારોએ કેદીઓની સંખ્યા વધવાથી જેલોમાં અરાજકતા, હિંસાનું પ્રમાણ વધી જવાની ચેતવણી આપી છે.
અત્યારે બ્રિટિશ જેલોમાં કેદીઓની સંખ્યા ૮૬,૩૮૮ છે અને સજાનું પ્રમાણ યથાવત રહેશે તો માર્ચ ૨૦૨૨ સુધીમાં તે વધીને ૮૮,૦૦૦ થવાનો અંદાજ છે. જેલોમાં કેદીઓ રાખવાની ક્ષમતા ૮૭,૦૫૩ હોવાનું કહેવાય છે. જોકે, મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે ચેતવણી આપી છે કે જૂન ૨૦૨૧ સુધીમાં જ જેલોમાં બંધ કેદીઓની સંખ્યા ૯૧,૮૦૦ સુધી પહોંચી શકે છે.
સેક્સ એબ્યુઝ ટ્રાયલ્સમાં નોંધપાત્ર વધારા સાથે કોર્ટ્સ સમક્ષ વધુ ગંભીર કેસીસ આવતા રહ્યા છે. હિંસક અને ઘરેલુ હિંસાના વધતા ગુનેગારોને લાંબી સજા, ભાગેડું અપરાધીઓની મુક્તિ પર નિયંત્રણો કેદીઓની સંખ્યા વધારશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૫૦થી વધુ વયના કેદીઓની સંખ્યા આ વર્ષે જૂનમાં ૧૩,૩૭૬ હતી, જે ૨૦૨૧માં વધીને ૧૪,૮૦૦ થશે. જેલના સ્ટાફ અને કેદીઓ પર હિંસક હુમલાની સંખ્યા પણ વધી રહી છે.


