ચૂંટણી પરિણામોના રાજકીય ડ્રામાના અનેક ચડાવઉતાર

Tuesday 13th June 2017 05:02 EDT
 

 લંડનઃ પાર્લામેન્ટની ત્રણ વર્ષની અવધિ બાકી હતી ત્યારે જ બ્રેક્ઝિટ વાટાઘાટો માટે મજબૂત અને સ્થિર સરકારની હિમાયત સાથે મધ્યસત્ર ચૂંટણી યોજવા વડા પ્રધાન થેરેસા મેએ જાહેરાત કરી હતી. જોકે, તેમની ધારણા મુજબના પરિણામો આવ્યાં નહિ અને ટોરી પાર્ટી સરકાર બહુમતીની જગ્યાએ લઘુમતીમાં આવી ગઈ હતી. પરિણામો અને સરકાર જાળવી રાખવાની કવાયતમાં દેશે રાજકીય ડ્રામાના અનેક ચડાવઉતાર નિહાળ્યા હતા.

• કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી અપાવી ન શકતાં થેરેસા મેની સ્થિતિ નબળી પડી છે અને એકાદ સપ્તાહમાં બ્રેક્ઝિટ વાટાઘાટોનો આરંભ થવાનો છે ત્યારે મંત્રણા સંદર્ભે તેમની વિશ્વસનિયતા રહેશે નહિ. ઈયુ નેતાઓએ પણ થેરેસા મે સ્થિર સરકાર આપી શકશે નહિ તેમ જણાવતા વાટાઘાટો ભાંગી પડશે તેવી ચિંતા વ્યક્ત કરી છે.

• કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા જાળવી શકે તે માટે રાજકીય પ્રયુક્તિઓ આરંભાઈ છે. ડીયુપીના ૧૦ સાંસદ પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવ્યા છે, જેમનો ટેકો મેળવવો ટોરીઝ માટે મહત્ત્વનો બની ગયો છે. ડીયુપીના નેતા સર જેફ્રી ડોનાલ્ડસને જણાવ્યું હતું કે,‘અમે અચાનક મહત્ત્વપૂર્ણ બની ગયા છીએ.’

• જો થેરેસા મે સરકાર ન રચી શકે તો લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને SNP, લિબરલ ડેમોક્રેટ્સ, વેલ્શ નેશનાલિસ્ટ્સ અને ગ્રીન પાર્ટી સાથે ગઠબંધન રચવા તૈયારી દર્શાવી હતી.

• પડતાં પર પાટું વાગે તેવી હાલતમાં જાહેર નહિ થયેલી છેલ્લી બેઠક આખરે લેબર પાર્ટીના ફાળે ગઈ હતી. ટોરી પાર્ટીના પૂર્વ કિલ્લા કેન્સિંગ્ટનમાં લેબર પાર્ટીના એમ્મા ડેન્ટ કોડે માત્ર ૨૦ મતની સરસાઈથી ટોરી ઉમેદવાર વિક્ટોરિયા બોરવિક પાસેથી બેઠક આંચકી લીધી હતી.

• સ્કોટલેન્ડમાં ટોરી પાર્ટીને હાંસલ સફળતાથી આઝાદીના બીજા રેફરન્ડમની શક્યતાઓ ધોવાઈ ગઈ છે. SNPના નેતા નિકોલા સ્ટર્જને પણ સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટીના ૨૧ સાંસદ ગુમાવ્યાથી આંતરમંથન કરવું પડશે.

• ઈયુવિરોધી પાર્ટી Ukipના નેતા પોલ નટ્ટલે અત્યંત ખરાબ પરિણામ આવ્યા પછી નેતાપદેથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીએ ૩૦ લાખથી વધુ મત ગુમાવવા સાથે એક પણ બેઠક મેળવી નથી.

• કન્ઝર્વેટિવ પાર્ટી માટે લંડન હોરર શો બની ગયું હતું. એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગ માત્ર ૧૫૦૦ મતથી પટની બેઠક જાળવી શક્યાં હતાં, જ્યારે ટ્રેઝરી મિનિસ્ટર જેન એલિસનનો બેટરસી ખાતે પરાજય થયો હતો, જે માટે લેબર પાર્ટીની તરફે ૧૦ ટકા ઝોક કારણભૂત બન્યો હતો. બીજી તરફ, ઝેક ગોલ્ડસ્મિથ રિચમન્ડ પાર્ક બેઠક પર માત્ર ૪૫ મતથી પુનઃ વિજેતા બન્યા હતા.

• કન્ઝર્વેટિવ પાર્ટીના આઠ મિનિસ્ટરે પરાજય સહન કરવો પડ્યો હતો, જેમાં કેબિનેટ ઓફિસ મિનિસ્ટર બેન ગુમેર (ઈપ્સવિચ), ગેવિન બારવેલ (ક્રોયડન સેન્ટ્રલ), નિકોલા બ્લેકવૂડ (ઓક્સફર્ડ વેસ્ટ), રોબ વિલ્સન (રીડિંગ ઈસ્ટ), વિલ્સન (ઈપ્સવિચ), સિમોન કર્બી (બ્રાઈટન કેમ્પટાઉન), એડવર્ડ ટિમ્પસન (ક્ર્યુ એન્ડ નેન્ટવિચ) તેમજ જેમ્સ વ્હાર્ટન (સ્ટોકટોન સાઉથ)નો સમાવેશ થયો છે.

• સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) માટે નવમી જૂનની રાત ભારે પુરવાર થઈ હતી કારણકે હાઉસ ઓફ કોમન્સમાં તેમની સંખ્યા ૫૪થી ઘટીને ૩૪ થવાની આગાહી એક્ઝિટ પોલમાં કરવામાં આવી હતી. પાર્ટીના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સાલમોન્ડનો ગોર્ડન બેઠક અને વેસ્ટમિન્સ્ટર લીડર એન્ગસ રોબર્ટસનનો મોરે બેઠક પરથી પરાજય થયો હતો.

• લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીની સ્થિતિ સુધરી છે ગત ચૂંટણીમાં ૦૯ બેઠકની સરખામણીએ તેમણે ૧૨ બેઠક મેળવી છે. જોકે, પૂર્વ નાયબ વડા પ્રધાન અને પક્ષના પૂર્વ નેતા નિક ક્લેગ શેફિલ્ડ હાલમની બેઠક પર લેબર પાર્ટી સામે હારી જતા પાર્ટીને મોટો ધક્કો પહોંચ્યો છે. જોકે, પૂર્વ બિઝનેસ સેક્રેટરી વિન્સ કેબલે ટ્વિકનહામ અને એડ ડેવીએ કિંગ્સ્ટન એન્ડ સર્બિટોન બેઠક જીતી લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter