લંડનઃ હોસ્પિટલમાં કેન્સરની સારવાર મેળવતા બાળકો માટે દાન સહિત કોઈ સારા ઉદ્દેશ માટે દાનની માગણી કરતાં પત્રોથી મેઈલબેગ છલકાઈ જતાં હોવાની કોઈ જ નવાઈ નથી, પરંતુ દયાજનક હકીકત એ છે કે જે ચેરિટીઝ દ્વારા દાન મગાય છે તેઓ આવકના ૯૦ ટકા આવા પત્રો કે તેની સાથે ગીફ્ટ મોકલવા પાછળ જ ખર્ચે છે.
કેન્સર રીકવરી ફાઉન્ડેશન યુકેના ચિલ્ડ્રન્સ કેન્સર રીકવરી પ્રોજેક્ટ માટે ૨૦૧૪ના વર્ષમાં દાન માટે ૭૧૪,૩૭૪ (તેની અગાઉના વર્ષે ૯૩૮,૨૨૩) પત્રો મોકલવામાં આવ્યાં હતાં. આના પરિણામે, આશરે ૧.૨૭ મિલિયન પાઉન્ડ દાન એકત્ર કરાઈ શકાયું હતું. જોકે, માર્કેટિંગ કંપનીઓ મારફત માગણીપત્રો સાથે નાની ભેટ અને પોસ્ટિંગ પાછળ ચેરિટીએ ૪૨૨,૦૦૦ પાઉન્ડ ખર્ચ કર્યો હતો, જે પબ્લિકના દાનના ૩૩ ટકા જેટલો હતો. ચેરિટી કમિશન અનુસાર વાસ્તવિક ખર્ચ દાનના ૬૩ ટકા જેટલો હતો કારણકે જે પત્રાચાર કે મેઈલશોટ્સ હતા તે શૈક્ષણિક પ્રકારના ન હોવાથી તેનો ખર્ચ ૩૭૯,૦૦૦ પાઉન્ડ વધી ગયો હતો.
ધ મધર ટેરેસા ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન અને ધ વર્લ્ડ ચિલ્ડ્રન્સ ફંડ દ્વારા અનુક્રમે દાનની ૮૧ ટકા અને ૭૭ ટકા રકમ પત્રો એને ભેટ મોકલવા પાછળ ખર્ચાઈ હતી. ૩૫૦ જેટલી બ્રિટિશ ચેરિટીઝ દાન માટે સીધા પત્રો પર જ આધાર રાખે છે. આનો અર્થ એ થાય કે દાનના લાખો પાઉન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ કંપનીઓના ખિસામાં જ જાય છે. દાનમાં આપેલાં નાણા ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે તેની લોકોને જાણ થતી જ નથી.

