શ્રી ગુજરાત હિન્દુ સોસાયટી મંદિર - પ્રેસ્ટનના સંસ્થાપક, પ્રમુખ અને ખજાનચીની સેવા આપનાર સ્વ. છોટાભાઈ લિમ્બાચીયાના દુઃખદ અવસાનના સમાચાર મળતાં પ્રેસ્ટન અને યુકેના હિન્દુ સમાજે એક પ્રભાવશાળી ધર્મશીલ અને માયાળુ સ્વભાવના કાર્યકર વ્યક્તિ ગુમાવ્યા છે.
મારો તેમની સાથેનો પહેલો પરિચય શ્રી સનાતન મંદિરની મારી મંત્રી અને પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન વર્ષ ૧૯૭૪માં થયો હતો. છોટાભાઈનું માર્ગદર્શન કાયમ મળતું અને એકબીજાની સલાહ સૂચનથી કાર્ય સંભાળતા. મંદિરમાં પૂજા અને પૂજારીના નીતિનિયમો છોટાભાઈ તરફથી જાણવા મળતા હતા. યુકેના આપણા હિન્દુ મંદિરોનું સંગઠન, નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પ્લેટ્સ (યુકે), હિન્દુ ફોરમ બ્રિટન અને હિન્દુ ફોરમ નોર્થની સ્થાપનામાં તેમનું બહુમૂલ્ય યોગદાન હતું.
લંડનથી છોટુભાઈ પટણી, પૂજય રામબાપા, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી સી.બી. પટેલનો પણ એમણે સાથ લીધો. પૂજ્ય રામભક્તની પ્રેરણાથી પ્રેસ્ટન મંદિરની સ્થાપના અને નવનિર્માણનું કાર્ય છોટાભાઈના પ્રમુખસ્થાને થયું હતું.
સંતશ્રી મોરારીબાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું પ્રેસ્ટનમાં આયોજન કરવામાં ખૂબ મહેનત કરી હતી, સાધુસંતોનો ઉતારો એમના ઘરે રાખી તેમના ધર્મપત્ની કુસુમ સાથે સેવા કરી હતી. પ્રેસ્ટન મંદિરમાં પણ પૂજારીની ગેરહાજરીમાં સર્વે સ્થાપિત દેવદેવીઓની વિધિવત પૂજા કરતા હતા.
યુકેનાં હિન્દુ સમાજના ઈતિહાસમાં છોટાભાઈનું નામ હંમેશાં અમર રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના સદ્દગત આત્માને ચિર શાંતિ આપે તેમજ વૈકુંઠમાં સ્થાન અર્પે એવી પ્રાર્થના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પું છું. ૐ શાંતિ શાંતિ શાંતિ...
- રમણભાઈ સી. બાર્બર MBE DL
ટ્રસ્ટી, શ્રી સનાતન મંદિર


