જંકફૂડ ટાળો, પૌષ્ટિક આહાર અપનાવો

મારી નજરે...

મુકંદ આર. સામાણી, લેસ્ટર Tuesday 01st August 2023 16:16 EDT
 
 

આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ છે એ પણ જાણીએ છીએ. આમ છતાં પણ બહુ ઓછા વાલીઓને સાત્વિક આહાર બનાવવાની જાણકારી કે સમય છે. બાળકો પણ તેનાં નાસ્તામાં મીઠી વાનગીઓ અને ખાંડવાળા પીણાઓનો વપરાશ કરે છે.
પૌષ્ટિક આહારના અભાવે મેદસ્વિતા અને શરીરને અપૂરતું પોષણ ન મળવાથી ઘણી બીમારીઓ આવી શકે છે. બ્રિટન ગરીબ દેશ નથી છતાં પણ ગરીબ દેશોની પ્રજાને થતાં દર્દો બ્રિટનમાં વધી રહ્યા છે. તાજેતરમાં પાર્લામેન્ટમાં જણાવેલા આંકડા પ્રમાણે પૌષ્ટિક આહારના અભાવે થતી બીમારીને લીધે હોસ્પિટલમાં
દાખલ થતાં નાગરિકોમાં વધારો થવા માંડ્યો છે.
પાર્લામેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2007-08 કરતાં છેલ્લા બાર મહિના દરમિયાન ચાર ગણા નાગરિકોને પૌષ્ટિક આહારના અભાવે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આપણે સહુ જાણીએ છીએ કે આજકાલ વિવિધ કારણોસર હોસ્પિટલો સંઘર્ષ કરી રહી છે ત્યારે આપણે સાવચેત રહેવું જરૂરી છે, જેથી આવી બીમારીઓનો ભોગ ન બનીએ.
જાણીતા શેફ જેમી ઓલિવરે શાળાઓમાં બાળકોનેને પીરસાતો ખોરાક પૌષ્ટિક હોય તે માટે ઘણી મહેનત કરી છે છતાં પણ ઘણી શાળાઓમાં એ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. બાળકોને શાળામાં મળતું ‘ફ્રી સ્કૂલ અનિવાર્ય છે, જેથી આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવતા બાળકો ભૂખ્યા ન રહે. જોકે શાળાના સંચાલકોની એ નૈતિક જવાબદારી છે કે બાળકોના સ્વાસ્થ્ય વિશે વિચારીને પીરસાતો આહાર પૌષ્ટિક હોય એ બાબતની પૂરતી કાળજી લે. એ જ પ્રમાણે બાળકોના વાલીઓ તરીકે આપણી પણ ફરજ છે કે આપણે બહારનું ખાવાંનું ઓછું કરીને ઘરે જ સાત્વિક અને પૌષ્ટિક આહાર બનાવવાની અને પીરસવા ની ટેવ અપનાવી જોઇએ અને આપણી નવી પેઢીને હોસ્પિટલથી દુર રાખવાના પ્રયત્નો કરવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter